Thu Jun 11 2026

Logo

ચહેરા પર વારંવાર ખીલ થાય છે? તમારા ઓશિકાનું કવર તો નથી ને આનું કારણ? ચાલો જાણીએ વિસ્તારથી...

2026-06-11 18:07:50
Author: Darshana Visaria
Article Image

આપણે રોજ જે ઓશિકાનો ઉપયોગ કરીએ છીએ, તેનું કવર કેટલા દિવસે બદલવું જોઈએ અને જો તેમ ન કરવામાં આવે તો સ્કીન અને હેલ્થને કેવું નુકસાન થાય છે. આપણે બધા ઘરની સાફ-સફાઈ અને કપડાં ધોવા બાબતે ખૂબ જ સજાગ હોઈએ છીએ, પરંતુ ઘણીવાર ઘરની એક નાની પણ સૌથી મહત્વની વસ્તુ પ્રત્યે બેદરકાર રહી જઈએ છીએ અને એમાંથી જ એક છે આપણા ઓશિકાનું કવર. 

આપણે બધા જ લોકો રાતે આઠ કલાકની શાંતિપૂર્ણ ઊંઘ લેવા માટે આપણે ઓશિકાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ઓશિકાનું કવર કેટલા દિવસમાં બદલવું કે ધોવું જોઈએ? સ્કીન કેર અને હેલ્થ એક્સપર્ટ્સના મતે, ગંદા પિલો કવરનો ઉપયોગ કરવો એ તમારી ત્વચા અને સ્વાસ્થ્ય સાથે મોટો ચેડાં કરવા સમાન છે.

જ્યારે આપણે ઓશિકા પર માથું રાખીને સૂઈએ છીએ, ત્યારે આપણા ચહેરા અને માથાની ત્વચામાંથી નીકળતું કુદરતી તેલ, પરસેવો, ડેડ સ્કીન સેલ્સ અને વાળમાં લગાવેલું તેલ કે જેલ બધું જ ઓશિકાના કવરમાં જમા થાય છે. આ ઉપરાંત, હવામાં ઉડતી ધૂળ-માટી પણ તેના પર ચોંટે છે. સમય જતાં, આ બધી ગંદકી કવરની અંદર લાખો અદ્રશ્ય બેક્ટેરિયા અને ધૂળના જીવાતોને જન્મ આપે છે.

જ્યારે તમે રોજ રાત્રે તે જ ગંદા કવર પર સૂઈ જાઓ છો, ત્યારે એ બેક્ટેરિયા તમારા ચહેરાના રોમછિદ્રોમાં પ્રવેશે છે. પરિણામે ચહેરા પર વારંવાર ખીલ, બ્લેકહેડ્સ અને ત્વચા પર એલર્જી કે ખંજવાળ જેવી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. એટલું જ નહીં, ધૂળના કણો શ્વાસ વાટે અંદર જવાથી અસ્થમા અથવા સાઇનસના દર્દીઓની તકલીફ પણ વધી શકે છે.

એક્સપર્ટ્સના મતે કેટલા દિવસે કવર બદલવું જોઈએ?

સામાન્ય યુઝર્સ માટે: હેલ્થ એક્સપર્ટ્સના મતે, સામાન્ય સંજોગોમાં અઠવાડિયામાં ઓછામાં ઓછું એક કે બે વાર ઓશિકાનું કવર ચોક્કસપણે બદલી નાખવું જોઈએ અથવા ધોઈ નાખવું જોઈએ.
ઓઈલી સ્કીન કે ખીલની સમસ્યા હોય તો: જો તમારી ત્વચા ખૂબ જ ઓઈલી હોય, ચહેરા પર ખીલની સમસ્યા રહેતી હોય, અથવા તમને વધારે પરસેવો થતો હોય, તો તમારે દર ૨ થી ૩ દિવસે પિલો કવર બદલી નાખવું હિતાવહ છે.
વાળમાં તેલ લગાવતા લોકો માટે: જે લોકો રાત્રે વાળમાં તેલ લગાવીને સૂતા હોય, તેમણે રોજ અથવા એકાંતરે દિવસે કવર બદલવું જોઈએ, કારણ કે તેલવાળા કવર પર ધૂળ ખૂબ ઝડપથી ચોંટે છે.

પિલો કવર ધોવાની સાચી રીત

માત્ર કવર બદલવું પૂરતું નથી, તેને યોગ્ય રીતે ધોવું પણ જરૂરી છે. ઓશિકાના કવરને હંમેશા હૂંફાળા ગરમ પાણીમાં અને સારા એન્ટી-બેક્ટેરિયલ ડિટર્જન્ટથી ધોવા જોઈએ જેથી તમામ જર્મ્સ અને બેક્ટેરિયા નાશ પામે. ધોયા પછી તેને તડકામાં બરાબર સૂકવવા જરૂરી છે. ત્વચાની સુંદરતા જાળવવા માટે સિલ્ક અથવા કોટનના સોફ્ટ પિલો કવરનો ઉપયોગ કરવો વધુ બેસ્ટ માનવામાં આવે છે.

વધુ જુઓ...