નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં બોલિવૂડના દિગ્ગજ અને 'હીમેન' તરીકે ખ્યાત સ્વર્ગસ્થ અભિનેતા ધર્મેન્દ્રને મરણોત્તર દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક 'પદ્મ વિભૂષણ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રનો આ પ્રતિષ્ઠિત પુરસ્કાર તેમના પત્ની અને અભિનેત્રી હેમા માલિનીએ સ્વીકાર્યો હતો. રાષ્ટ્રપતિના હસ્તે આ સમ્માન લેતી વખતે ગુલાબી સાડીમાં સજ્જ હેમા માલિની અત્યંત ભાવુક જોવા મળ્યા હતા અને તેમના ચહેરા પર પતિને ગુમાવવાનું દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
આ ગૌરવશાળી અને ભાવનાત્મક ક્ષણે હેમા માલિની સાથે તેમની પુત્રી અહાના અને જમાઈ વૈભવ વોહરા પણ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર રહ્યા હતા. પિતાને મરણોત્તર પદ્મ વિભૂષણ મળતો જોઈને અહાના પોતાના આંસુ રોકી શકી ન હતી અને રડતાં રડતાં પિતા માટે તાળીઓ પાડી હતી, જે દ્રશ્યએ ધર્મેન્દ્રના તમામ ચાહકોના દિલને સ્પર્શી લીધું હતું. હેમા માલિનીએ જણાવ્યું હતું કે તેમની બીજી પુત્રી ઈશા પણ આવવા માંગતી હતી પરંતુ આવી શકી ન હતી. આ સન્માનથી સની અને બોબી સહિત સમગ્ર પરિવાર ખુશ છે, જોકે આ સમારોહમાં ધર્મેન્દ્રના પ્રથમ પત્ની પ્રકાશ કૌર કે તેમના પુત્રો સની અને બોબી દેઓલ હાજર જોવા મળ્યા ન હતા.
President Droupadi Murmu confers #PadmaVibhushan upon veteran actor #Dharmendra Singh Deol (Posthumous), popularly known as the ‘He-Man’ of Bollywood
— PIB India (@PIB_India) May 25, 2026
One of the most versatile and successful actors in the history of Hindi cinema, he left an indelible mark on Indian cinema… pic.twitter.com/HQ2lwzMtXO
ઉલ્લેખનીય છે કે ભારતીય સિનેમામાં ધર્મેન્દ્રના અમૂલ્ય યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં. પોતાના છ દાયકા લાંબા અને ઝળહળતા કરિયરમાં તેમણે 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. વર્ષ 1960માં 'દિલ ભી તેરા હમ ભી તેરે' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર ધર્મેન્દ્રએ 'શોલે', 'ફૂલ ઔર પત્થર', 'સીતા ઔર ગીતા', 'અનપઢ' અને 'મેરા ગાંવ મેરા દેશ' જેવી અસંખ્ય હિટ ફિલ્મો આપી હતી. તેમની શાનદાર એક્ટિંગ, સાદગી અને જિંદાદિલીએ દાયકાઓ સુધી દર્શકોના દિલ પર રાજ કર્યું હતું.
આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા વર્ષ 2026 ના પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિએ 66 પદ્મ પુરસ્કારો એનાયત કર્યા હતા, જેમાં 2 પદ્મ વિભૂષણ, 6 પદ્મ ભૂષણ અને 58 પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. બાકીના પદ્મ પુરસ્કારો પછીથી યોજાનાર નાગરિક સન્માન સમારોહના બીજા રાઉન્ડમાં આપવામાં આવશે. આ પહેલા રાઉન્ડમાં પાંચ ગુજરાતી મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પાંચ લોકોમાં રતિલાલ બોરીસાગર (સાહિત્ય અને શિક્ષણ), મીર હાજીભાઈ કાસમભાઈ, 'રમકડું '(કળા), નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલે (સામાજિક કાર્ય), ધાર્મિકલાલ ચૂનીલાલ પંડ્યા (કળા) અને અરવિંદ વૈદ્ય (કળા)નો સમાવેશ થાય છે.