Thu Jun 11 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ધારની ભોજશાળા મંદિર જાહેર, હિંદુઓ માટે ઐતિહાસિક ચુકાદો કેમ?

2026-05-18 08:48:00
Author: Baharat Bhardwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

મધ્ય પ્રદેશ હાઈ કોર્ટની ઈન્દોર બેન્ચે ધારમાં આવેલી ભોજશાળાના મંદિરને મા વાગ્દેવી એટલે કે મા દેવી સરસ્વતીના મંદિર તરીકે સ્વીકાર્યું એ સાથે જ ધર્મસ્થાનોનો મુદ્દો ફરી ચર્ચામાં છે. ભોજશાળા બહુ મોટું સંકુલ છે અને તેમાં આવેલા મા સરસ્વતીના મંદિરને તોડીને કમાલ મૌલા મસ્જિદ બનાવાઈ હોવાના દાવાને પગલે હાઈ કોર્ટે 2024માં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)ને સમગ્ર ભોજશાળાનો સર્વે કરવા આદેશ આપ્યો હતો. આ સર્વેમાં મસ્જિદનું નિર્માણ મંદિર તોડીને કરાયું હોવાના પુરાવા મળતાં હાઈ કોર્ટે ભોજશાળાને મા સરસ્વતી દેવીનું મંદિર હોવાનું જાહેર કરીને હિંદુઓને પૂજાનો અધિકાર આપ્યો છે.

હાઈ કોર્ટે આ મંદિરને મા વાગ્દેવીનું મંદિર જાહેર કર્યુ પણ મંદિરમાં કોઈ પ્રતિમા નથી કેમ કે અંગ્રેજો આ દેશને લૂંટી ગયા ત્યારે મા વાગ્દેવીની પ્રતિમા પણ લઈ ગયેલા. મા વાગ્દેવીની પ્રતિમા અત્યારે લંડનના મ્યુઝીયમમાં છે. આ પ્રતિમા પાછી લાવવા માટે પણ સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે. હિંદુ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં કરેલી બે અરજીમાં એક અરજી મા વાગ્દેવીની પ્રતિમા પાછી લાવવાની પણ છે.

હિંદુઓને અધિકાર મળ્યો પછી શનિવારથી જ ભોજશાળામાં દર્શન અને પૂજા-અર્ચના શરૂ થઈ ગયાં અને શનિવારે તો હનુમાન ચાલીસાનો પાઠ પણ કરાયો. વરસો પછી મંદિરમાં પૂજાની મંજૂરી મળી તેથી હિંદુઓ ઠેર ઠેરથી મોટી સંખ્યામાં ઊમટી રહ્યા છે. ભોજશાળા બહુ મોટું સંકુલ છે અને તેમાં મા સરસ્વતીનું મંદિર આવેલું છે. અત્યારે ભોજશાળાનો વહીવટ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)ને હસ્તક છે તેથી હાઈ કોર્ટે ભોજશાળા મંદિરનું સંચાલન કઈ રીતે કરવું તેનો નિર્ણય કેન્દ્ર સરકાર અને એએસઆઈ પર છોડ્યો છે.

હિંદુઓ જેને મા સરસ્વતીનું મંદિર માને છે તેને મુસ્લિમો કમાલ મૌલા મસ્જિદ માને છે અને આ મસ્જિદમાં નમાઝ પણ પઢાતી હતી. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)એ 7 એપ્રિલ 2003ના રોજ આદેશ આપેલો કે, મુસ્લિમ સમુદાય શુક્રવારે બપોરે નમાઝ પઢી શકે છે પણ ભોજશાળામાં હિંદુઓને પૂજાનો અધિકાર આપ્યો ન હતો. હાઈ કોર્ટે મુસ્લિમોને શુક્રવારે નમાઝ પઢવાની અપાયેલી મંજૂરી રદ કરીને એએસઆઈના આદેશને પણ રદ કરી દીધો છે. 

હાઈ કોર્ટના આદેશથી હિંદુઓ ખુશ છે જ્યારે મુસ્લિમો નારાજ છે તેથી આ મામલો સુપ્રીમ કોર્ટમાં જશે એ નક્કી છે. મુસ્લિમોની દલીલ છે કે, પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, 1991 હેઠળ કોઈ પણ ધર્મસ્થાનની સ્થિતિ 15 ઓગસ્ટ, 1947ની સ્થિતીએ જાળવી રાખવી જરૂરી છે. આ કાયદો ધારની ભોજશાળાને પણ લાગુ પડે છે તેથી ભોજશાળામાં હિંદુઓને પૂજાની મંજૂરી ના મળવી જોઈએ.

હિંદુઓનું કહેવું છે કે, 1991માં કેન્દ્રની નરસિંહરાવ સરકારે દેશનાં તમામ ધાર્મિક સ્થળોને લગતા વિવાદોમાં યથાસ્થિતિ જાળવી રાખવા માટે પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ, 1991 બનાવ્યો ત્યારે અયોધ્યાના રામ જન્મભૂમિ સંકુલ સિવાયનાં તમામ ધર્મસ્થાનોને આ કાયદા હેઠળ રક્ષણ આપ્યું હતું એ વાત સાચી છે પણ ભોજશાળાને વર્શિપ એક્ટ લાગુ ના પડે. તેનું કારણ એ કે, ભોજશાળા ધર્મસ્થાન નથી પણ પુરાતત્ત્વીય રીતે સંરક્ષિત સ્થળ છે. હાઈ કોર્ટે આ દલીલે માન્ય રાખી છે પણ તેને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે. મુસ્લિમો એ કરશે જ તેથી આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં જવાનો તેમાં મીનમેખ નથી.

સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો જશે એ માટે બીજું પણ કારણ છે. ભોજશાળાના મંદિરનો વિવાદ હિંદુ અને મુસ્લિમ એ બે ધર્મના પક્ષકારો વચ્ચેનો જ નથી પણ જૈનો પણ તેમાં પક્ષકાર છે. જૈન સમાજ આ મંદિરને મા અંબિકાનું મંદિર ગણાવે છે. જૈનોનું કહેવું છે કે, હિંદુઓ જે પ્રતિમાને મા વાગ્દેવીની ગણાવે છે એ વાસ્તવમાં જૈનોનાં આરાધ્ય મા અંબિકાની છે. 

સિહોરમાં મા અંબિકાના મંદિરની પ્રતિમા ભોજશાળામાં મળેલી પ્રતિમા જેવી જ હોવાથી ભોજશાળાને જૈન તીર્થ જાહેર કરવું જોઈએ. મા અંબિકા જૈનોના 24મા તીર્થંકર ભગવાન નેમિનાથનાં રક્ષક હતાં એવી જૈનોની માન્યતા છે. જૈનો પણ ભોજશાળા પર પોતાનો અધિકાર બતાવે છે તેથી આ ચુકાદા સામે જૈનો પણ સુપ્રીમ કોર્ટમાં જશે જ.

જો કે હિંદુઓનો પક્ષ વધારે પ્રબળ છે એ સ્વીકારવું પડે. ધાર માલવાના પરમાર વંશના રાજવીઓની રાજધાની હતી. પરમાર વંશના મહાન રાજા ભોજ લગભગ 10મી સદીમાં થઈ ગયા. રાજા ભોજે ગોળાકાર શહેર ધારની મધ્યમાં આ સ્મારક બનાવ્યું હોવાનું મનાય છે. આ શહેરનું નામ ધાર એટલે રખાયેલું કે, અહીં પરમારોના લશ્કર માટે તલવારો બનાવાતી હતી. ધારનગર એટલે કે તલવારોનું શહેર તેનું મૂળ નામ હતું ને પછી નગર નિકળી જતાં માત્ર ધાર જ રહ્યું. ધાર માટે યાદવો, સોલંકીઓ અને પરમાર વચ્ચે અનેક યુદ્ધો થયા. આ યુદ્ધો દરમિયાન ધારને વારંવાર સળગાવી દેવાયું અને ઘણી ઈમારતો તોડી પડાઈ પણ ભોજશાળાને કશું ના કરાયુંં કેમ કે તેમાં મા સરસ્વતીનું મંદિર હતું.

મુસ્લિમો આ સ્થાનને મસ્જિદ ગણાવે છે પણ ધારમાં મુસ્લિમો બહુ મોડા આવ્યા. ભારતમાં મોટા ભાગના વિસ્તારોમાં 14મી સદીની શરૂઆતમાં મુસ્લિમ શાસનનો યુગ શરૂ થયો. માલવા પણ 14મી સદીના શરૂઆતના વર્ષોમાં મુસ્લિમ શાસન હેઠળ આવ્યું અને 1304-05માં આયન અલ-મુલ્ક મુલતાનીની સૂબાગીરી હેઠળ દિલ્હી સલ્તનતનો ભાગ બન્યું . એ વખતે મંદિર તોડીને તેના પર મસ્જિદના ગુંબજ લગાવાયા હતા.

જેના નામ પરથી આ મસ્જિદ બની એ કમાલ મૌલા સુફી સંત હતા. 1331માં ચિશ્તી સૂફી સંત કમાલ-અલ-દીનના મૃત્યુ પછી તેમની કબર મસ્જિદની બાજુમાં બનાવાઈ તેથી આ મસ્જિદ તે કમાલ મૌલા મસ્જિદ તરીકે જાણીતી થઈ. મતલબ કે, આયન અલ-મુલ્ક મુલતાનીના સૂબા તરીકેના કાર્યકાળની શરૂઆત એટલે કે 1304થી શરૂ કરીને 1331માં કમાલ-અલ-દીનનું મૃત્યુ એ વચ્ચેના ગાળામાં મસ્જિદ બની હતી. ભોજ રાજાના શાસનકાળના લગભગ ચારસો વર્ષ પછી આ મસ્જિદ બની એ જોતાં મુસ્લિમો તેના પર દાવો કરી શકે તેમ જ નથી.

હાઈ કોર્ટનો ચુકાદો હિંદુઓ માટે બહુ મોટી જીત છે તેમાં શંકા નથી. આ ચુકાદાને સુપ્રીમ કોર્ટ માન્ય રાખશે કે નહીં એ ખબર નથી પણ હાઈ કોર્ટના ચુકાદાને પગલે હિંદુ પક્ષકારો માટે એક નવી દિશા ખૂલી ગઈ છે. આ દેશમાં મંદિરો તોડીને મસ્જિદો બનાવાઈ હોય એવાં ઘણાં સ્થાનોને ઐતિહાસિક સંરક્ષિત ઈમારતો તરીકેનો દરજજો મળેલો છે. ઉદાહરણ તરીકે તાજમહાલને હિંદુઓ ધર્મસ્થાન ગણાવે છે પણ કાનૂની રીતે એ ધર્મસ્થાન નહીં પણ ઐતિહાસિક સંરક્ષિત ઈમારત છે.  આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)ના તાબા હેઠળની આવી ઘણી ઈમારતોને ધર્મસ્થાન ના ગણી શકાય તેથી તેમને નરસિંહરાવની સરકારે બનાવેલો વર્શિપ એક્ટ લાગુ ના પડે તેથી ત્યાં હિંદુઓનો અધિકાર માન્ય રખાય એવું બને.