Wed Sep 09 2026

Logo

દ્વારકાનો દરિયો તોફાની બનવાના એંધાણ: માછીમારી પર 23 જુલાઈ સુધી સંપૂર્ણ પ્રતિબંધ!

2026-06-11 21:41:21
Author: Pooja Shah
દ્વારકાનો દરિયો તોફાની બનવાના એંધાણ: માછીમારી પર 23 જુલાઈ સુધી સંપૂર્ણ પ્રતિબંધ!

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
:  દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિવિધ બંદરો પરથી સમુદ્રમાં જતા માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. સામાન્ય રીતે જૂન માસથી દરિયો તોફાની બનતો હોવાથી વાવાઝોડા કે ભારે વરસાદની સ્થિતિમાં સમુદ્રમાં રહેલા માછીમારોને તાત્કાલિક ચેતવણી પહોંચાડવી મુશ્કેલ બને છે. જોખમી મોસમને લીધે મત્સ્યોદ્યોગ વિભાગ અને પોર્ટ ઓફિસર દ્વારા માછીમારી માટે પરવાનગી આપવામાં આવતી નથી, તેમ છતાં અનધિકૃત રીતે દરિયામાં જતા માછીમારોના જીવનું જોખમ ઊભું થાય છે. આથી, માછીમારોને ગેરકાયદેસર રીતે સમુદ્રમાં જતા અટકાવવા અને સંભવિત હોનારત નિવારવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તાકીદનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

આ જાહેરનામા અનુસાર, કોઈપણ માછીમાર કે અન્ય વ્યક્તિ આગામી 23મી જુલાઇ 2026  સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમગ્ર દરિયાકાંઠાના વિસ્તાર કે ખાડી વિસ્તારમાં માછીમારી કે અન્ય કોઈ હેતુ માટે જઈ શકશે નહીં, તેમજ આ સમયગાળા દરમિયાન તમામ પ્રકારની બોટની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જો કોઈ આ આદેશનો ભંગ કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની જોગવાઈઓ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કે, આ પ્રતિબંધમાંથી પોર્ટ પર આવતા વ્યાપારી જહાજો, લશ્કરી અને પોલીસ દળો, ગુજરાત મેરીટાઇમ બોર્ડની બોટ, તેમજ ઓખાથી બેટ-દ્વારકા વચ્ચે ચાલતી માન્ય પેસેન્જર બોટ, બિન-યાંત્રિક હોડીઓ અને પગડીયા માછીમારોને મુક્તિ આપવામાં આવી છે.