અમદાવાદ: 12 જૂન 2025ના રોજ ગુજરાતની ધરતી પર એક એવી કાળમુખી વિમાન દુર્ઘટના ઘટી હતી, જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ઉડાન ભર્યાની ગણતરીની સેકન્ડોમાં જ ક્રેશ થઈ ગઈ હતી અને ૨૬૦થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આજે આ કાળજું કંપાવનારી દુર્ઘટનાને એક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. તપાસની ફાઈલો કચેરીઓમાં દબાયેલી છે, ક્રેશ સાઈટ પર મેડિકલ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ બનાવવાની મંજૂરી પણ અપાઈ ગઈ છે, પરંતુ પીડિત પરિવારોના આંસુ હજુ સુકાયા નથી. તેમનો એક જ સવાલ છે કે- "શું પૈસાથી અપનોની કમી પૂરી થઈ શકે?" પરિવારો ઈચ્છે છે કે હોસ્ટેલના બદલે ત્યાં એક સ્મારક બનાવવામાં આવે અને બ્લેક બોક્સની તપાસનો રિપોર્ટ જાહેર કરવામાં આવે.
ભાષેશ મોદીના પરિવારે વળતર લીધાનો વસવસો વ્યક્ત કર્યો,
લંડન રહેતા અને છેલ્લા 3-4 વર્ષથી કરિયરમાં બ્રેક લઈ અમદાવાદમાં માતા અને બહેન સુનિતાના પરિવારનો સહારો બનેલા ભાવેશ મોદી પણ આ કાળમુખી ફ્લાઈટમાં હોમાઈ ગયા હતા. બહેન સુનિતા જણાવ્યું હતું કે, અકસ્માત પછીના છ મહિના સુધી ઊંઘની ગોળીઓ પણ કામ નહોતી કરતી અને આખું વર્ષ ડિપ્રેશનમાં નીકળ્યું છે. લોકો માત્ર વળતર મળ્યું કે નહીં તે જ પૂછે છે, કોઈ જિંદગી કેમ કપાઈ રહી છે તે નથી પૂછતું. ક્યારેક તો એવું લાગે છે કે વળતર લઈને અમે ગુનો કર્યો છે. ભાણેજ જય અને ફોરમે પિતા સમાન મામા ગુમાવ્યા છે. આ સિવાય મોટી મુશ્કેલી એ છે કે લંડનમાં ભાવેશની જે પ્રોપર્ટી અને બેંક એકાઉન્ટ છે, તે મેળવવામાં એર ઈન્ડિયા તરફથી કોઈ મદદ નથી મળી રહી. પરિવાર બસ સરકારી રિપોર્ટની રાહ જોઈ રહ્યો છે.
પૂર્વ CM વિજય રૂપાણીના પરિવારે શરૂ કર્યું મેમોરિયલ
આ ભયાનક અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું પણ અવસાન થયું હતું, જેઓ પોતાની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા. તેમના નિધનથી સ્તબ્ધ બનેલા પુત્ર ઋષભ રૂપાણીએ જણાવ્યું હતું કે, પિતાને ગુમાવવાનું દુઃખ શબ્દોમાં વણાવી શકાય તેમ નથી અને આ સદમામાંથી અમે ક્યારેય સંપૂર્ણ બહાર આવી શકીશું નહીં. વિજયભાઈ હંમેશા સામાન્ય લોકોની ચિંતા કરતા હતા, પછી ભલે તેઓ મુખ્ય પ્રધાન હોય કે સામાન્ય કાર્યકર. તેમના આ જ વિચારોને જીવંત રાખવા માટે રૂપાણી પરિવારે ‘વિજય રૂપાણી મેમોરિયલ’ શરૂ કર્યું છે, જેના માધ્યમથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં આવશે.
ખેડાના પરવેઝ વોહરાનો પરિવાર વેરવિખેર
ખેડા જિલ્લાના ઠાસરા ગામના પરવેઝ વોહરા અકસ્માતના દસ દિવસ પહેલા જ પોતાની 5 વર્ષની દીકરી સાથે વતન આવ્યા હતા. પરત ફરતી વખતે ફ્લાઈટ ક્રેશમાં પરવેઝ, તેમની દીકરી અને માસીનું મોત થયું હતું. ભાઈ રોમિલ વોહરાએ જણાવ્યું હતું કે, તેમણે સિવિલ હોસ્પિટલના મોર્ગમાં પાયલોટ સુમિત સભરવાલનો મૃતદેહ જોયો હતો, જેની પોઝિશન પરથી સ્પષ્ટ થતું હતું કે તેઓ છેલ્લી શ્વાસ સુધી પ્લેન બચાવવા મથી રહ્યા હતા. અકસ્માત સમયે પરવેઝના પત્ની લંડનમાં ૯ મહિનાના ગર્ભવતી હતા, જેમણે વતનમાં અંતિમ સંસ્કારના થોડા દિવસો બાદ પુત્રને જન્મ આપ્યો. આજે તેમની ૮ વર્ષની દીકરીને એવું જ કહેવામાં આવ્યું છે કે તેના પિતા અને બહેન લંડનમાં છે. રોમિલે આક્ષેપ કર્યો હતો કે એરલાઈન્સનું વલણ અસંવેદનશીલ રહ્યું છે અને ભાઈનો ફોન જાણીજોઈને તોડીને આપવામાં આવ્યો હતો. તેઓ બ્લેક બોક્સની તપાસમાં પારદર્શિતા ઈચ્છે છે.
દીવના ફેઝાનના મોતના આઘાતમાં નાની કોમામાં સરી પડ્યા
દીવના દગાસી ગામના ફેઝાનનો ઉછેર તેના નાના-નાનીએ કર્યો હતો. વર્ષ 2017માં તે લંડન ગયો હતો અને અકસ્માતના થોડા સમય પહેલા જ તેના લગ્ન ભરૂચમાં થયા હતા. ઈદ પહેલા લંડન પરત ફરવા માટે તે 12 જૂનની ફ્લાઈટમાં બેઠો અને કાળનો કોળિયો બની ગયો. ફેઝાનના મોતના સમાચાર સાંભળીને તેની નાની ભાંગી પડ્યા હતા અને આઘાતમાં તેઓ કોમામાં સરી પડ્યા છે. નવી પત્ની હાલ ભરૂચ પિયરમાં છે. આ પરિવાર માટે વળતર ક્યારેય પ્રાથમિકતા નહોતી, તેમનું એકમાત્ર દુઃખ એ છે કે તેમનો વ્હાલસોયો ફેઝાન હવે ક્યારેય પાછો નહીં આવે.
પીડિત પરિવારોના સળગતા સવાલો
એક વર્ષ વીતી જવા છતાં તમામ પીડિત પરિવારોના મનમાં સવાલોનો વંટોળ છે. બ્લેક બોક્સની તપાસમાં શું બહાર આવ્યું? દુર્ઘટના પાછળ કોની બેદરકારી હતી અને ગુનેગારને સજા ક્યારે મળશે? આ તમામ પરિવારો વળતરના કરોડો રૂપિયા બાજુ પર મૂકીને માત્ર એટલું જ ઈચ્છે છે કે તપાસ રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવે અથવા ઓછામાં ઓછો તેમના વકીલોને બતાવવામાં આવે. દિવસો વીતી રહ્યા છે પરંતુ અપનોને ગુમાવવાનું દર્દ હજુ પણ એટલું જ તાજું છે.