ફૂટબોલની દુનિયાના સુપરસ્ટાર લિયોનેલ મેસીનો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. આ તસવીરમાં મેસીના વાળ આર્જેન્ટિનાના ઝંડાના વાદળી અને સફેદ રંગમાં જોવા મળી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે, આ કોઈ અસલી હેર કલર નથી, પરંતુ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે ચેટજીપીટીની મદદથી તૈયાર કરવામાં આવેલો અદભુત 'AI મેકઓવર' છે. વાત જાણે એમ છે કે OpenAI અને લિયોનેલ મેસીએ સાથે મળીને એક ખાસ ગ્લોબલ પાર્ટનરશિપની શરૂઆત કરી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દુનિયાભરના ફૂટબોલ ચાહકોને એ બતાવવાનો છે કે એઆઈ કેવી રીતે મનોરંજન અને ક્રિએટિવિટીનું નવું માધ્યમ બની રહ્યું છે.
સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલી આ ફોટોમાં મેસીના વાળ એટલા નેચરલ અને રિયલ લાગે છે કે પહેલી નજરે જોતાં જ એવું લાગે છે કે જાણે મેસીએ ખરેખર હેર કલર કરાવ્યો હોય. આ ઈમેજ બનાવવા માટે મેસીએ ચેટજીપીટીને એક ખૂબ જ સરળ પ્રોમ્પ્ટ આપ્યો હતો. તેમણે લખ્યું હતું કે મારા વાળને આર્જેન્ટિનાના ઝંડાના રંગોમાં બદલી દો, પરંતુ તે એકદમ નેચરલ અને રિયલ દેખાવા જોઈએ.
બસ, આ એક જ લાઈનની મદદથી ચેટજીપીટીએ મેસીનો શાનદાર લુક તૈયાર કરી દીધો. હવે કંપનીએ આ પ્રોમ્પ્ટને ચેટજીપીટી ઈમેજના પ્રીસેટ સ્ટાઈલ કલેક્શનમાં પણ સામેલ કરી દીધો છે, જેથી કરીને દુનિયાભરના લોકો પોતાના દેશના ઝંડાના રંગો સાથે આવો મેકઓવર કરી શકે.
ઓપનએઆઈ અને મેસીની આ ભાગીદારી માત્ર ફોટો એડિટ કરવા પૂરતી સીમિત નથી. આ ગ્લોબલ પાર્ટનરશિપ દ્વારા ફૂટબોલ લવર્સના અનુભવને વધુ ડિજિટલ અને એડવાન્સ બનાવવામાં આવશે. એઆઈની મદદથી ફેન્સ મેચના લાઈવ એનાલિસિસને સરળતાથી સમજી શકશે, મેદાન પરની દરેક ટેકનિકલ મૂવમેન્ટને ટ્રેક કરી શકશે અને ટુર્નામેન્ટની વાર્તાઓને વધુ સારી રીતે ફોલો કરવાની સાથે પોતાની મનપસંદ ટીમ માટે ક્રિએટિવ કન્ટેન્ટ પણ બનાવી શકશે.
તમે પણ કરી શકો છો પોતાનો એઆઈ મેકઓવર:
જો તમે પણ મેસીની જેમ પોતાના ફોટોને એક નવો અંદાજ આપવા માંગો છો, તો આ સરળ સ્ટેપ્સ ફોલો કરો-
⦁ સૌથી પહેલાં તમારા ફોન અથવા લેપટોપમાં ChatGPT ઓપન કરીને તેના ઈમેજિસ ફીચર પર જાઓ.
⦁ તમારી કોઈપણ એક સારી ક્વોલિટીની ફોટો અપલોડ કરો.
⦁ નીચે આપેલા ચેટ બોક્સમાં તમારી પસંદગીનો પ્રોમ્પ્ટ લખો. (ઉદાહરણ તરીકે: મારા વાળને ભારતના ત્રિરંગાના રંગોમાં બદલી દો, પરંતુ તે લુક એકદમ નેચરલ અને રિયલ લાગવો જોઈએ.)
⦁ માત્ર થોડી જ સેકન્ડોમાં ChatGPT તમારી સૂચના મુજબ એક અદભુત AI ફોટો તૈયાર કરીને આપી દેશે.
⦁ તમે તમારા ફેવરિટ ફૂટબોલ ક્લબ, આઈપીએલ ટીમ કે દેશના ઝંડાની થીમ પર પણ આવો અનોખો લુક ક્રિએટ કરીને સોશિયલ મીડિયા પર શેર કરી શકો છો.