Sun Sep 06 2026

Logo

વિમ્બલ્ડનના ટેનિસ ખેલાડીઓએ બહિષ્કારની ધમકી આપી એટલે ઇનામમાં કરોડો રૂપિયા વધી ગયા!

London   2026-06-11 19:32:44
Author: Ajay Motiwala
વિમ્બલ્ડનના ટેનિસ ખેલાડીઓએ બહિષ્કારની ધમકી આપી એટલે ઇનામમાં કરોડો રૂપિયા વધી ગયા!

સિંગલ્સનો તાજ જીતનારના ઇનામમાં 9.20 કરોડ રૂપિયા વધી ગયા!

લંડનઃ ટેનિસ જગતની ચારેય ગ્રેન્ડ સ્લૅમમાં વિમ્બલ્ડન (Wimbledon) ચૅમ્પિયનશિપ સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ગણાય છે અને એમાં હવે ખેલાડીઓને અગાઉ કરતાં વધુ ઇનામી રકમ (Prize money) મળશે. આયોજકોએ કુલ ઇનામી રકમમાં તેમ જ સિંગલ્સમાં ચૅમ્પિયન બનનાર (પુરુષ તથા મહિલા) ખેલાડી માટેની ઇનામી રકમમાં 20 ટકાનો વધારો કર્યો છે. ખેલાડીઓએ આ રકમ ઘણી વધારી આપવા ચૅમ્પિયનશિપના બહિષ્કારની ધમકી આપી હતી જેને પગલે આ નિર્ણય લેવાયો છે. વિમ્બલ્ડન સ્પર્ધાનો આરંભ 29મી જૂને થશે.

ઇનામની કુલ રકમમાં મોટો વધારો કરાયો છે અને આ વખતે રમાનારી વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપમાં કુલ 85.8 મિલિયન ડૉલર (અંદાજે 822 કરોડ રૂપિયા)ના ઇનામ આપવામાં આવશે.

જે પુરુષ કે મહિલા ખેલાડી આ વખતે વિમ્બલ્ડનનો સિંગલ્સનો તાજ જીતશે તેને ઇનામમાં 4.8 મિલિયન ડૉલર (46 કરોડ રૂપિયા) મળશે. આ રકમ ગયા વર્ષ કરતાં 20 ટકા (9.20 કરોડ રૂપિયા) વધુ છે.

તાજેતરની ફ્રેન્ચ ઓપન પહેલાં વર્લ્ડ નંબર-વન મહિલા ખેલાડી અરીના સબાલેન્કાએ જાહેરમાં કહ્યું હતું કે `જો વિમ્બલ્ડન સહિતની ચારેય ગ્રેન્ડ સ્લૅમના આયોજકો ઇનામી રકમમાં ધરખમ વધારો ન કરે તો ખેલાડીઓએ ભેગા થઈને એ સ્પર્ધાઓનો બહિષ્કાર કરવો જોઈએ.' પુરુષોના નંબર-વન યાનિક સિનરે તેમ જ અન્ય ટોચના ખેલાડીઓએ સબાલેન્કાની માગણીને ટેકો આપ્યો હતો. આ ધમકીને પગલે વિમ્બલ્ડનની માલિકી ધરાવતી ઑલ ઇંગ્લૅન્ડ ક્લબે વિચારણા કરી અને ઇનામની રકમ ખૂબ વધારી આપી છે અને ક્લબનાં મહિલા અધ્યક્ષ દેબોરા જેવાન્સે કહ્યું છે કે `આશા રાખું છું કે ખેલાડીઓને આ વધારેલી ઇનામી રકમથી ખુશ હશે. અમે મોટી રકમ વધારી આપી છે.'