Fri Jun 12 2026

Logo

15 જુલાઈ સુધીમાં લોન્ચ થશે IRCTCની નવી હાઈટેક વેબસાઈટ, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત

2026-06-11 22:35:39
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: ભારતીય રેલવેના કરોડો મુસાફરો માટે ઓનલાઈન ટિકિટ બુકિંગની પ્રક્રિયાને વધુ સરળ, ઝડપી અને આધુનિક બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સત્તાવાર જાહેરાત કરી છે કે IRCTC ની સંપૂર્ણપણે નવી અને અપગ્રેડેડ વેબસાઈટ આગામી મહિનાની 15 જુલાઈ સુધીમાં લોન્ચ કરી દેવામાં આવશે. રેલવે પ્રધાને આ મહત્વપૂર્ણ જાહેરાત કેટલાક વિદ્યાર્થીઓની સીધી માંગ અને ફીડબેકના જવાબમાં કરી હતી, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વિદ્યાર્થીઓની માંગ પર રેલવે પ્રધાન ઓન-ધ-સ્પોટ લીધો નિર્ણય

સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયો અનુસાર, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ કેટલાક વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી રહ્યા હતા. આ વાતચીત દરમિયાન વિદ્યાર્થીઓએ રેલવે પ્રધાન સમક્ષ IRCTC વેબસાઈટને વધુ ઝડપી અને યુઝર-ફ્રેન્ડલી બનાવવાની માંગ મૂકી હતી. વિદ્યાર્થીઓની વાત સાંભળીને રેલવે પ્રધાને તુરંત જ ફોન પર રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ તેમણે વિદ્યાર્થીઓને ખુશખબર આપતા જણાવ્યું કે, આગામી એક મહિનામાં નવી વેબસાઈટનું કામ પૂર્ણ થઈ જશે અને 15 જુલાઈ સુધીમાં તેને દેશના નાગરિકો માટે લાઈવ કરી દેવાશે.

તત્કાલ બુકિંગ અને સર્વર ડાઉનની સમસ્યામાંથી મળશે મુક્તિ?

રેલવે પ્રશાસનના જણાવ્યા અનુસાર, નવી IRCTC વેબસાઈટને વર્તમાન સમયની ડિજિટલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહી છે. લાંબા સમયથી મુસાફરો ફરિયાદ કરી રહ્યા હતા કે પીક અવર્સ (ખાસ કરીને સવારે તત્કાલ ટિકિટ બુકિંગ વખતે) વેબસાઈટ ધીમી થઈ જાય છે અથવા સર્વર ક્રેશ થઈ જાય છે. જેમાં હવે નવી વેબસાઈટ વધારે ફાયદાકારણ રહેશે તેવું રેલવે પ્રધાને જણાવ્યું છે. 

નવી વેબસાઈટની વિશેષતાઓ શું છે?

નવી વેબસાઈટનો લુક અત્યંત આકર્ષક અને ઓપરેટ કરવામાં એકદમ સરળ હશે, જેથી સામાન્ય નાગરિક પણ સરળતાથી ટિકિટ બુક કરી શકશે

વેબસાઈટની સ્પીડ અને સર્વર કેપેસિટીમાં ધરખમ સુધારો કરવામાં આવી રહ્યો છે, જેથી કોઈ પણ ટેકનિકલ ખામીઓ ન આવે

ઓનલાઈન ટિકિટ બુકિંગ સમયે નાણાકીય વ્યવહારો વધુ સુરક્ષિત અને ઝડપથી પૂર્ણ થાય તે માટે આધુનિક પેમેન્ટ ગેટવે ઈન્ટીગ્રેટ કરવામાં આવશે.

ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત મોટું પગલું

ભારતીય રેલવે એ વિશ્વના સૌથી મોટા રેલ નેટવર્કમાંથી એક છે. દરરોજ લાખો મુસાફરો કન્ફર્મ ટિકિટ મેળવવા માટે IRCTC એપ્લિકેશન અને વેબસાઈટનો ઉપયોગ કરે છે. આ સંજોગોમાં, 15 જુલાઈના રોજ લોન્ચ થનારી આ નવી વેબસાઈટને ભારતીય રેલવેના ડિજિટલ આધુનિકીકરણનો એક અત્યંત મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવી રહ્યો છે. આ નવી સિસ્ટમ અમલમાં આવ્યા બાદ સામાન્ય મુસાફરોને ટિકિટ બુકિંગનો એક બિલકુલ નવો અને પ્રીમિયમ ડિજિટલ અનુભવ મળશે.