Sat Sep 05 2026

Logo

નાણાં મંત્રાલય દ્વારા ડીજીટીઆરની એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીની ભલામણ નકારવાનાં પ્રમાણમાં વધારો

2026-06-11 20:39:28
Author: Ramesh Gohil
નાણાં મંત્રાલય દ્વારા ડીજીટીઆરની એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીની ભલામણ નકારવાનાં પ્રમાણમાં વધારો

નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ જનરલ ઑફ ટ્રેડ રેમેડિઝ (ડીજીટીઆર) દ્વારા એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાદવા માટે કરવામાં આવેલી ભલામણોને નાણાં મંત્રાલય દ્વારા નકારી કાઢવાની વધતી સંખ્યાનો મુદ્દે વાણિજ્ય મંત્રાલયે ઉચ્ચતમ સ્તર સાથે હાથ ધર્યો હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ તાજેતરમાં જણાવ્યું હતું. 

નોંધનીય બાબત એ છે કે ડીજીટીઆર એ વાણિજ્ય મંત્રાલય હેઠળની શાખા છે જે સ્થાનિક ઉદ્યોગને અયોગ્ય વેપાર પ્રથાઓથી બચાવવા માટે યોગ્ય પગલાં લે છે. તેમ જ તે એન્ટિ ડમ્પિંગ, એન્ટિ સબસિડી અને સેફગાર્ડ (સુરક્ષાત્મક) તપાસ હાથ ધરે છે અને સ્થાનિક કાયદાઓ તથા વૈશ્વિક વેપાર સંગઠનનાં માળખા હેઠળ ભારતની જવાબદારી અનુસાર સરકારને યોગ્ય પગલાની ભલામણ કરે છે.

જોકે, નાણાં મંત્રાલય દ્વારા ડ્યૂટી સહિતની ફરજો લાદવા માટે અંતિમ નિર્ણય લેવામાં આવે છે. અહેવાલ અનુસાર ભારતે ઐતિહાસિક રીતે વર્ષ 2020 સુધી અંદાજે 99.5 ટકા ભલામણો લાગુ કરી હતી, પરંતુ તેનો અસ્વીકાર અને અમલીકરણ ન કરવાના દરમાં તીવ્ર અથવા તો નોંધપાત્ર વધારો થયો છે. એપ્રિલ-નવેમ્બર, 2025 દરમિયાન અસ્વીકારનો ગુણોત્તર જે 16 ટકા હતો તે નવેમ્બર, 2025થી એપ્રિલ, 2026 દરમિયાન વધીને 81 ટકાના સ્તરે પહોંચ્યો છે. 

સી-ડીઈપી રિસર્ચ અને સેન્ટર ફોર ડબ્લ્યુટીઓ સ્ટડીઝ રિપોર્ટ- ઈમ્પેક્ટ ઑફ એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીઝ ઈન ઈન્ડિયા અનુસાર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીનો અમલ ન થવાથી સ્થાનિક ક્ષમતાનો ઉપયોગ ઘટવાની સાથે સાથે પ્રતિબદ્ધ અને નવાં રોકાણોમાં નોંધપાત્ર ઘટાડો થાય છે, જેને કારણે લાંબાગાળાની ઔદ્યોગિક સ્થિતિસ્થાપકતા નબળી પડે છે અને અર્થતંત્રમાં પુરવઠા અને માગ વચ્ચેનો તફાવત પણ વધે છે. 

નાણાં મંત્રાલયનાં ડીજીટીઆરની ભલામણોના અસ્વીકારનાં કારણો વિષે આવતા અધિકારીએ જણાવ્યું હતું કે અમે આ મુદ્દે ઘણી વાતચીત કરી રહ્યા છીએ. તેઓ સામાન્ય રીતે કારણો આપતા નથી, પરંતુ અમે તેઓને વધુને વધુ ઈનપૂટ્સ આપવા પ્રયાસો કરીએ છીએ. જોકે, આ મુદ્દો ઉચ્ચ સ્તરે ઉઠાવવામાં આવી રહ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

વધુમાં અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે ભલામણ કરવામાં આવેલ એન્ટિ ડમ્પિંગ ડ્યૂટીનો અમલ ન કરવાથી સ્થાનિક ઉદ્યોગને વાર્ષિક રૂ. 11,938 કરોડનું નુકસાન થયું છે, જ્યારે આ લેવી લાદવાથી આયાત ઘટાડીને વિદેશી હૂંડિયામણની અનામતમાં વાર્ષિક રૂ. 28,540 કરોડનો વધારો થઈ શકત.