Fri Jun 12 2026

Logo

શારજાહથી આવેલા મુસાફરે ટ્રોલી બેગની ‘ચેઈન હૂક’માં છુપાવ્યું 60 લાખનું સોનું! કસ્ટમ્સ વિભાગે કરી ધરપકડ

2026-06-11 22:42:18
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (SVPI) પર સુરક્ષા એજન્સીઓ અને કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરી (Gold Smuggling) નો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો ઝડપી પાડ્યો છે.  શારજાહથી અમદાવાદ આવી રહેલા એક મુસાફરની શંકાસ્પદ હિલચાલ પર એર ઈન્ટેલિજન્સ યુનિટ કસ્ટમ્સની ટીમને શંકા જતાં તેને ગ્રીન ચેનલ પાસે અટકાવવામાં આવ્યો હતો. જ્યારે અધિકારીઓએ તેના સામાનની ઝીણવટભરી તપાસ કરી ત્યારે દાણચોરીની એક અનોખી અને શાતિર મોડસ ઓપરેન્ડી સામે આવી હતી, જેને જોઈને કસ્ટમ્સના ઉચ્ચ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો...

સ્કેનરથી બચવા બેગની ચેઈનને જ બનાવી દીધી સોનાની!

સામાન્ય રીતે સોનાની દાણચોરી કરવા માટે પેસ્ટ કે કેપ્સ્યુલ સ્વરૂપ અપનાવવામાં આવતું હોય છે, પરંતુ આ મુસાફરે એરપોર્ટ પરના હાઈટેક એક્સ-રે સ્કેનર અને સુરક્ષાકર્મીઓની નજરમાંથી બચવા માટે એક અલગ જ રસ્તો અપનાવ્યો હતો. તેણે પોતાની બે ટ્રોલી બેગની ચેઈનને કસ્ટમાઈઝ કરી હતી. બેગ ખોલવા-બંધ કરવા માટે વપરાતા સામાન્ય મેટલના હૂકને બદલે, તેણે શુદ્ધ સોનાના બનેલા ચેઈન હૂક્સ ફિટ કરી દીધા હતા, જેથી બહારથી જોતા કોઈને પણ શંકા ન જાય, પરંતુ કસ્ટમ્સ વિભાગની નજરથી તે બચી શક્યો નહીં.

60.24 લાખ રૂપિયાની કિંમતનું સોનું જપ્ત કરવામાં આવ્યું

આરોપી મુસાફર એર અરેબિયાની ફ્લાઇટ G9-418 દ્વારા શારજાહથી અમદાવાદ આવી રહ્યો હતો. આરોપી પાસેથી કસ્ટમ્સ વિભાગે કુલ 600.240 ગ્રામ સોનું જપ્ત કર્યું છે, જેમાં 18K અને 14K શુદ્ધ સોનું હતું. બજારના હાલના ભાવ મુજબ જપ્ત કરાયેલા આ સોનાની કિંમત 60.24 લાખ રૂપિયાથી પણ થાય છે, તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કસ્ટમ્સ વિભાગે મુસાફરની ધરપકડ કરી છે અને તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે કે, આખરે આ સોનું તે કોના માટે લઈને આવી રહ્યો હતો. બાકીની વિગતો સંપૂર્ણ તપાસ થયા બાદ જાહેર કરવામાં આવશે. આની પાછળ કોઈ બીજાનો હાથ છે કે કેમ? તે મામલે પણ તપાસ અને કાર્યવાહી કરવામાં આવી શકે છે.

કસ્ટમ્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી

કસ્ટમ્સ વિભાગે સોનાનો તમામ જથ્થો જપ્ત કરી લીધો છે અને સંબંધિત કસ્ટમ્સ એક્ટની કલમો હેઠળ મુસાફરની સત્તાવાર ધરપકડ કરી લીધી છે. આ સોનું વિદેશથી કોના ઈશારે લાવવામાં આવ્યું હતું? અમદાવાદ કે ગુજરાતના કયા સ્થાનિક જ્વેલર્સ અથવા કિંગપિનને આ માલ પહોંચાડવાનો હતો? અને આ આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ પાછળ અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, તે દિશામાં એજન્સીઓએ ઊંડાણપૂર્વકની તપાસ અને પૂછપરછ હાથ ધરી છે.