Mon Jul 27 2026

Logo

દિલ્હીના વિવેક વિહારમાં વહેલી સવારમાં AC બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 9 લોકોના મૃત્યુ

2026-05-03 09:29:00
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના વિવેક વિહારમાં ચાર માળની ઇમારતમાં વહેલી સવા ભીષણ આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. હાલ તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ફાયર ટેન્ડરોની મદદથી આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે. સત્તાધીશો દ્વારા 9 મૃતદેહો મળવાની પુષ્ટિ કરવામાં આવી હતી, જો કે આ દુર્ઘટનામાં હજુ મૃત્યુઆંક વધવાની આશંકા છે. 

 પ્રાથમિક તપાસમાં આ ભયાનક આગ એર કંડિશનર (AC) માં બ્લાસ્ટ થવાને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 14 ગાડીઓ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

મળતી વિગતો અનુસાર, પોલીસ અને ફાયર વિભાગના અધિકારીઓ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે આગ ઇમારતના બીજા, ત્રીજા અને ચોથા માળ પર વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી. ફાયર ફાઇટરોએ જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને ઇમારતની અંદર ફસાયેલા 10 થી 15 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. બચાવવામાં આવેલા લોકો પૈકી બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ભીષણ આગને કારણે સર્જાયેલી અફરાતફરી વચ્ચે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં નવ લોકોના મૃત્યુના સમાચારની પુષ્ટિ થઈ છે, પરંતુ અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક હજુ વધી શકે છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે અને પોલીસ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણોની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.