નવી દિલ્હી : દિલ્હી રમખાણ કેસના આરોપી ઉમર ખાલિદની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં દિલ્હીની કરકરડૂમા કોર્ટે ઉમર ખાલિદને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. ખાલિદે તેની બીમાર માતાની સર્જરી દરમિયાન તેની સંભાળ રાખવા અને ગયા મહિને અવસાન પામેલા તેના કાકાની મૃત્યુ બાદની વિધિમાં હાજરી આપવા માટે 15 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા.
સુનાવણી દરમિયાન પોલીસે વાંધો ઉઠાવ્યો હતો
આ અંગે અદાલતમાં સુનાવણી દરમિયાન પોલીસે વાંધો ઉઠાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે માતાની સર્જરી તાત્કાલિક જરૂરી નથી અને ખાલિદના કાકા દૂરના સંબંધી હતા. જેની બાદ પોલીસની દલીલો સાથે સંમત થતા કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી. આ ઉપરાંત કોર્ટે અવલોકન કર્યું કે ખાલિદની બહેનો અને પિતા તેમની માતાની સંભાળ રાખી શકે છે. કોર્ટે જણાવ્યું હતું કે અરજીમાં દર્શાવેલ આધારો યોગ્ય જણાયા નથી તેથી અરજદારને માંગવામાં આવેલી રાહત આપવી યોગ્ય માનવામાં આવતી નથી.
ઉમર ખાલિદની સપ્ટેમ્બર 2020 માં ધરપકડ કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, દિલ્હી રમખાણ કેસમાં ઉમર ખાલિદની સપ્ટેમ્બર 2020 માં ધરપકડ કરવામાં આવી હતી. જે હાલ જેલમાં છે તેની ઉપર UAPA ની વિવિધ કલમો હેઠળ ટ્રાયલ ચાલી રહી છે. તેમજ દિલ્હી રમખાણોના સંદર્ભમાં ગુનાહિત કાવતરું, રમખાણો અને ગેરકાયદે સભા સંબંધિત આરોપો હેઠળ કેસ ચાલી રહ્યો છે.