કોલકાતા: પશ્ચિમ બંગાળના લોકો માટે એક મોટા સારા સમાચાર સામે આવ્યા છે. રેલવે મંત્રીએ પશ્ચિમ બંગાળના લોકોને બુલેટ ટ્રેનને લઇને એક ખુશખબર આપી છે. અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, બુલેટ ટ્રેન દિલ્હી, લખનઉ, વારાણસી અને પટના થઈને સિલિગુડીને જોડશે. દિલ્હીથી સિલિગુડી માત્ર 6 કલાકમાં પહોંચી જવાશે. તેમણે કહ્યું કે તમે બુલેટ ટ્રેનમાં આરામથી બેસીને 6 કલાકમાં પહોંચી જશો. આવનારા સમયમાં અમે આ કરીને બતાવીશું.
લોકોને મળશે રાહત
મહત્વનું છે કે આ પ્રોજેક્ટ પૂરો થવાથી બંગાળના લોકોને મોટી રાહત મળશે. તેમને દિલ્હી આવવા-જવામાં માત્ર 6 કલાકનો સમય લાગશે. આ પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે અને ક્યાં સુધીમાં પૂરો થશે, તેની માહિતી અત્યારે આપવામાં આવી નથી. પરંતુ રેલવે મંત્રીની આ જાહેરાત બાદ એવી આશા રાખવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં જ આ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવશે.
'ચિકન નેક' માટે ગેમ-ચેન્જર સાબિત થશે
કેટલાક લોકોના મનમાં એવો સવાલ હશે કે બુલેટ ટ્રેનની જાહેરાત સિલિગુડી માટે જ કેમ કરવામાં આવી? આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાને કેમ સામેલ કરવામાં ન આવી? આની પાછળનું કારણ આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ, રણનીતિ અને આર્થિક વિકાસ છે. નવી ભાજપ સરકાર આવવાથી આ વિસ્તારમાં મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધશે. 'ચિકન નેક' (સિલિગુડી કોરિડોર) પર વસેલું સિલિગુડી એક મહત્વનું ટ્રાન્ઝિટ પોઇન્ટ છે અને તે દેશનો ઉત્તર-પૂર્વીય (પૂર્વોત્તર) રાજ્યો સાથે જોડાતો એકમાત્ર જમીની રસ્તો છે.
પૂર્વોત્તર તરફ જતા તમામ રોડ અને રેલ માર્ગો જમીનના આ સાંકડા ભાગમાંથી જ પસાર થાય છે. આ હાઇ-સ્પીડ લાઇનને ભવિષ્યમાં આસામની રાજધાની ગુવાહાટી સુધી લંબાવવાની યોજના છે. આનાથી મુખ્ય ભારત અને પૂર્વોત્તરના 'અષ્ટ લક્ષ્મી' રાજ્યો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરી શકાશે.
ડંકુનીથી ગુજરાતના સુરત સુધી પ્રસ્તાવિત ઈસ્ટ-વેસ્ટ ડેડિકેટેડ
પશ્ચિમ બંગાળના ડંકુનીથી ગુજરાતના સુરત સુધી પ્રસ્તાવિત ઈસ્ટ-વેસ્ટ ડેડિકેટેડ કોરિડોરનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, 2,052 કિલોમીટર લાંબા આ રૂટને ભારતના પૂર્વીય અને પશ્ચિમી ઔદ્યોગિક કેન્દ્રો વચ્ચે લોજિસ્ટિક્સ અને વેપારની ક્ષમતા વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. રેલવે મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, પશ્ચિમ બંગાળને 14,205 કરોડ રૂપિયાનું રેકોર્ડ રેલવે બજેટ ફાળવવામાં આવ્યું છે, જેનાથી મુસાફરો અને લોજિસ્ટિક્સ સેવાઓને મોટો વેગ મળશે.