Mon Sep 14 2026

Logo

મોદીના મહત્વાકાંક્ષી દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવે ખુલ્લો મૂકાયાના 6 માસમાં જ બ્રિજ પર મોટું ગાબડું, ભ્રષ્ટાચારની પોલ ખૂલી

2026-07-03 09:23:00
Author: Devayat Khatana
મોદીના મહત્વાકાંક્ષી દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવે ખુલ્લો મૂકાયાના 6 માસમાં જ બ્રિજ પર મોટું ગાબડું, ભ્રષ્ટાચારની પોલ ખૂલી

અમદાવાદ: ભારતના સૌથી મહત્વાકાંક્ષી હાઈવે પ્રોજેક્ટ્સમાંના એક એવા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની નિર્માણ ગુણવત્તા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. કારણ કે ગઈકાલે અંકલેશ્વર નજીક એક્સપ્રેસવે પર આવેલા એક બ્રિજનો અમુક હિસ્સો અચાનક ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. આ ઘટના આડોલ અને પીલુદ્રા ગામ વચ્ચે બની હતી, જ્યાં બ્રિજની કોંક્રિટ સપાટીનો એક ભાગ ધસી પડ્યો હતો. આ કારણે બ્રિજની સપાટી પર આશરે 7 થી 8 ફૂટ મોટું ગાબડું પડી ગયું હતું અને અંદર નાખવામાં આવેલા લોખંડના સળિયા બહાર આવી ગયા હતા. આ અકસ્માતને પગલે હાઈવે પર વાહનવ્યવહાર ભારે પ્રભાવિત થયો હતો.

બ્રિજની કોંક્રિટ સપાટી અને એક્સપાનશન જોઈન્ટ વચ્ચે પડેલા આ મોટા ગાબડાને કારણે એક ગમખ્વાર અકસ્માત પણ સર્જાયો હતો. આ નવનિર્મિત દિલ્હી-વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પરથી પસાર થઈ રહેલો એક ટેમ્પો અચાનક આ ગાબડામાં ધસી આવ્યો હતો, જેના કારણે ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને ટેમ્પો હાઈવે પર જ પલટી મારી ગયો હતો. જો કે સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

ઘટનાની જાણ થતાં જ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. બ્રિજમાં ગાબડા પડવા માટેનું ચોક્કસ કારણ જાણવા માટે એક ટેકનિકલ ટીમને તૈનાત કરવામાં આવી હતી અને જરૂરી તપાસ બાદ રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, એક્સપ્રેસવે પરના બ્રિજનો જે ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે તે કીમ-ભરૂચ (પેકેજ 5) નો હિસ્સો છે, જેને ચાલુ વર્ષે જ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો એક્સપ્રેસવેની નબળી નિર્માણ ગુણવત્તા સામે સવાલો ઉઠાવી રહ્યા છે.