નવી દિલ્હીઃ દિલ્હીના માલવીય નગર સ્થિત 'હોટલ ફ્લોરિસ સ્ટે'માં બુધવારે સવારે ભીષણ આગ લાગવાથી મોટી દુર્ઘટના સર્જાઈ. આગની ઝપેટમાં આવવાને કારણે 21 લોકોના કરૂણ મોત થયા જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે દાઝી ગયા.
આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 8 ગાડીઓ કામે લગાડવામાં આવી હતી. સંયુક્ત બચાવ અભિયાન દરમિયાન 40થી વધુ લોકોને ઇમારતમાંથી સુરક્ષિત બહાર કાઢીને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હોટલમાં ફસાયેલા 35 લોકોને બચાવી લેવાયા છે. હોટલમાં કેટલાક વિદેશી નાગરિકો પણ રોકાયા હતા.
આગ કઈ રીતે લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ 21 લોકોના મોત પાછળ જે 'બેદરકારી' સામે આવી રહી છે તે સામાન્ય નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઊભા કરે છે.
બેદરકારી 1: મંજૂરી 6 રૂમની હતી, પણ બનાવી દીધા 25 રૂમ
આ ભીષણ આગની ઘટનામાં એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હોટલને દિલ્હી સરકાર તરફથી 'બેડ એન્ડ બ્રેકફાસ્ટ' (Bed and Breakfast) કન્સેપ્ટ હેઠળ લાઇસન્સ આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત માત્ર 6 રૂમ ચલાવવાની જ મંજૂરી હતી. આમ છતાં, હોટલમાં 25 રૂમ ચલાવવામાં આવી રહ્યા હતા.
બેદરકારી 2: ફાયર NoC પણ નહોતું
માલવીય નગર અકસ્માતમાં જે હોટલ-રેસ્ટોરન્ટમાં આગ લાગી, તે રેસ્ટોરન્ટ પાસે ફાયર વિભાગનું NoC (No Objection Certificate) પણ નહોતું.
બેદરકારી 3- ચેનલમાં તાળુ બંધ હતુ
માહિતી અનુસાર રેસ્ટોરન્ટ નીચે બેઝમેન્ટમાં (ભોંયરામાં) જ ચલાવવામાં આવી રહ્યું હતું. આના કારણે બહાર નીકળવાના રસ્તા પર આવેલા ચેનલ ગેટ પર તાળું મારેલું હતું. પરિણામે, આગ લાગતી વખતે લોકો બહાર નીકળી જ ન શક્યા અને ત્યાં જ ફસાઈ ગયા
બેદરકારી 4- એમ્બ્યુલન્સ વિલંબથી પહોંચી
અકસ્માતની જાણ થયાના આશરે 10 મિનિટ પછી ફાયર ફાઈટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, પરંતુ એમ્બ્યુલન્સ પહોંચવામાં વિલંબ થયો હતો. આના કારણે, જે લોકોએ કોઈક રીતે પોતાનો જીવ બચાવ્યો હતો અથવા જેમને ગંભીર રીતે દાઝેલી હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા, તેમને તાત્કાલિક તબીબી સારવાર મળી શકી ન હતી. પરિણામે, સારવારમાં થયેલા વિલંબને કારણે પણ કેટલાક લોકોના મોત થયા હતા.
બેદરકારી 5- હોટલ-રેસ્ટોરન્ટ બનાવવાની પરમિશન પણ નહીં
આ હોટલ બનાવવામાં એક વધુ ગંભીર બેદરકારી સામે આવી છે. હોટલ બનાવવામાં સ્થાનિક પ્રશાસન અને સંબંધિત અધિકારીઓ પાસેથી પરમિશન પણ લેવામાં નહોતી આવી. ફાયર સેફ્ટીના સાધનો પણ હોટલોમાં નહોતા. જેના કારણે આગ લાગવાની ગંભીર સ્થિતિમાં બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી હતી.