Fri Sep 04 2026

Logo

દિલ્હી IB અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈન દોષિત

2026-07-13 21:28:16
Author: Chandrakant Kanoja
દિલ્હી IB અધિકારી અંકિત શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈન દોષિત

નવી દિલ્હી: દિલ્હી 2020ના રમખાણો કેસમાં કડકડડૂમા કોર્ટે આઈબી(IB)અધિકારી અંકિત શર્માની હત્યાના કેસમાં ભૂતપૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈનને દોષિત ઠેરવ્યા છે. જેમાં ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણો દરમિયાન અંકિત શર્માની હત્યા કરવામાં આવી હતી અને તેમનો મૃતદેહ એક નાળામાંથી મળી આવ્યો હતો. આ કેસમાં ભૂતપૂર્વ MCD કાઉન્સિલર તાહિર હુસૈન અને અન્ય 10 લોકોને આરોપી હતા.

પોલીસે IPCની કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી 

અંકિત શર્માના પિતા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે દયાલપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. આ કેસમાં, દિલ્હી પોલીસે IPCની અલગ  અલગ કલમો હેઠળ  ચાર્જશીટ દાખલ કરી હતી.

તાહિર હુસૈન રડી પડ્યો

કરકરડૂમા કોર્ટે અંકિત શર્મા હત્યા કેસમાં તાહિર હુસૈન સહિત કુલ પાંચ લોકોને દોષિત ઠેરવ્યા છે, જ્યારે છ અન્ય લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવતા, તાહિર હુસૈન રડી પડ્યો હતો. જેમાં સજાની તારીખ મંગળવારે નક્કી કરવામાં આવશે.

આ કેસમાં કોર્ટે આ પાંચ લોકોને દોષિત જાહેર કર્યા છે. જેમાં તાહિર હુસૈન,નાજીમ,કાશીમ,અનસ અને જાવેદનો સમાવેશ થાય છે. 

સાંપ્રદાયિક અથડામણોમાં 53 લોકો માર્યા ગયા હતા 

ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરી, 2020 ના રોજ  નાગરિકતા સુધારા કાયદાના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે થયેલી હિંસા બાદ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સાંપ્રદાયિક અથડામણો ફાટી નીકળ્યા હતા  જેમાં 53 લોકો માર્યા ગયા હતા અને અસંખ્ય ઘાયલ થયા હતા. આ દરમિયાન અંકિત શર્માને પકડીને ટોળાએ તેના પર તીક્ષ્ણ હથિયારથી 51 ઘા કરવામાં આવ્યા હતા. તેમજ હત્યા બાદ તેના શરીરને નજીકના નાળામાં  ફેંકી દેવામાં આવ્યું હતું.