Mon Jul 13 2026

Logo

'ખરાબ ડીલ કરતા ડીલ ન થવી સારી' અમેરિકાને ભારતનો જડબાતોડ જવાબ, ટ્રમ્પની આશાઓ પર ફર્યું પાણી

2026-07-13 14:59:00
Author: Mumbai Samachar Team
Article Image

અમેરિકા સાથેની ટ્રેડ ડીલ (વ્યાપાર કરાર) અંગે ભારત સરકારે પોતાનું વલણ વધુ કડક બનાવ્યું છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત વહેલામાં વહેલી તકે આ ટ્રેડ ડીલ પર મહોર લગાવી દે, પરંતુ મોદી સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે ઉતાવળમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે. સરકારનું માનવું છે કે જ્યારે ભારતનું અર્થતંત્ર મજબૂત છે અને વિશ્વના ઘણા મોટા દેશો સાથે વ્યાપાર વધી રહ્યો છે, ત્યારે કોઈ પણ ફાયદા વગરના કરાર પર હસ્તાક્ષર કરવાની કોઈ જરૂર નથી.

ટ્રેડ ડીલ પર વાત કેમ અટકી?

મીડિયા અહેવાલો અનુસાર ગયા મહિને અમેરિકી વ્યાપાર પ્રતિનિધિ જેમીસન ગ્રીરની ભારત મુલાકાત દરમિયાન એવી અપેક્ષા હતી કે બંને દેશો વચ્ચે વચગાળાનો વ્યાપાર કરાર (ઇન્ટરિમ ટ્રેડ ડીલ) થઈ જશે. પરંતુ આ વાતચીત કેટલાંક મહત્વના મુદ્દાઓ પર અટકી ગઈ. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જ્યાં સુધી તેની મુખ્ય માંગણીઓ પૂરી નહીં થાય, ત્યાં સુધી આ સમજૂતી પર આગળ વધવામાં નહીં આવે.

ભારતની માંગ શું છે?

ભારતની સૌથી મોટી માંગ એ છે કે તેના સામાન પર અમેરિકામાં ચીન જેવા અન્ય દેશોની સરખામણીએ વધુ સારો ટેરિફ (જકાત) મળે. સાથે જ અમેરિકા એ પણ ખાતરી આપે કે સમજૂતી થયા પછી ભારતીય ઉત્પાદનો પર અચાનક નવા ટેક્સ લાદવામાં નહીં આવે. આ ઉપરાંત, મોદી સરકારે કૃષિ બાબતે પણ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. સરકાર કોઈપણ ભોગે ખેડૂતોના હિતો સાથે બાંધછોડ કરવા તૈયાર નથી.

બીજી તરફ, અમેરિકા ઈચ્છે છે કે આ મહિને સૂચિત નવા ટેરિફ લાગુ થાય તે પહેલાં ભારત કેટલીક છૂટછાટો આપી દે. પરંતુ ભારતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે માત્ર સમયમર્યાદાના દબાણમાં આવીને કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ પણ અગાઉ કહી ચૂક્યા છે કે ભારત એ જ ડીલ કરશે જેમાં દેશનો ફાયદો હોય. જો સમજૂતીમાં ભારતને લાભ ન થતો હોય તો તેને ટાળવી વધુ યોગ્ય રહેશે.

ભારતે કેમ વલણ કડક કર્યું?

વાસ્તવમાં, છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારતની સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થઈ છે. વૈશ્વિક પડકારો હોવા છતાં દેશની નિકાસમાં વધારો થયો છે. અખાતી દેશો (ગલ્ફ કન્ટ્રીઝ) સાથેનો વ્યાપાર ફરી વેગ પકડી ચૂક્યો છે અને અમેરિકામાં થતી નિકાસ પણ વધી છે. એટલું જ નહીં, ભારતે પોતાના માટે અન્ય વિકલ્પો પણ તૈયાર કરી લીધા છે. બ્રિટન સાથેનો મુક્ત વ્યાપાર કરાર (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) ટૂંક સમયમાં જ લાગુ થવા જઈ રહ્યો છે, જ્યારે યુરોપિયન યુનિયન સાથે પણ વાતચીત ઝડપથી આગળ વધી રહી છે. એટલે કે હવે ભારત માત્ર અમેરિકા પર નિર્ભર નથી.

આર્થિક મોરચે પણ ચિત્ર ઉત્સાહજનક છે. ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ ભારતનો વિકાસ દર (ગ્રોથ રેટ) વધવાનો અંદાજ મૂક્યો છે. આવી સ્થિતિમાં સરકારને વિશ્વાસ છે કે તે વધુ સારી શરતો પર વાટાઘાટો કરી શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે મોદી સરકારનો સંદેશ એકદમ સ્પષ્ટ છે... માત્ર સમજૂતી કરવા ખાતર કોઈ સમજૂતી નહીં થાય. જો ડીલ થશે તો તે ભારતના હિતોને ધ્યાનમાં રાખીને જ થશે. આ જ કારણ છે કે આ વખતે નવી દિલ્હી અમેરિકાના દબાણમાં આવવાને બદલે પોતાની ચાલ ખૂબ જ સમજી-વિચારીને ચાલી રહ્યું છે.