Sat Sep 05 2026

Logo

નાગાલેન્ડમાં આસામ રાઇફલ્સની ગાડીમાં વિસ્ફોટ, 1 જવાન શહીદ ચાર ઘાયલ

2026-07-13 19:41:57
Author: Chandrakant Kanoja
નાગાલેન્ડમાં આસામ રાઇફલ્સની ગાડીમાં વિસ્ફોટ, 1 જવાન શહીદ ચાર ઘાયલ

સુખોવી: નાગાલેન્ડના સુખોવી વિસ્તારમાં આસામ રાઇફલ્સની ગાડીમાં વિસ્ફોટની ઘટના પ્રકાશમાં આવી છે. આ વિસ્ફોટમાં 1 જવાન માર્યો ગયો છે અને જ્યારે 4 અન્ય જવાન ઘાયલ થયા છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ આ આઇઇડી વિસ્ફોટ લાગે છે. જોકે, આ ઘટના બાદ સુરક્ષાદળોએ આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 

ઘાયલ જવાનો હોસ્પિટલમાં દાખલ

આ વિસ્ફોટના ઘાયલ જવાનોને તાત્કાલિક નજીકના લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ હુમલા પાછળ કયા ઉગ્રવાદી જૂથનો હાથ છે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઇ. 

આઇઇડીએ વિસ્ફોટના અહેવાલો

આ વિસ્ફોટ નાગાલેન્ડના ચુમોકેડિમા વિસ્તારમાં થયો હતો. એક અઠવાડિયામાં આ બીજી વખત છે જ્યારે ઉત્તરપૂર્વમાંથી આસામ રાઇફલ્સના કાફલા પર આઇઇડીએ વિસ્ફોટના અહેવાલો સામે આવ્યા છે. 

આ પૂર્વે પણ આસામ રાઇફલ્સના કાફલા પર હુમલો 

આ પૂર્વે 6 જુલાઈના રોજ મણિપુરના ઉખરુલ જિલ્લામાં શંકાસ્પદ ઉગ્રવાદીઓ દ્વારા એક કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં આસામ રાઇફલ્સની 40મી બટાલિયનના બે સૈનિકો માર્યા ગયા હતા. આ હુમલામાં બંનેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તાત્કાલિક તબીબી સારવાર મળવા છતાં તેમનું મૃત્યુ થયું હતું.

સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું 

આ ઉપરાંત આ હુમલા બાદ  સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, અને મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તેમજ શંકાસ્પદ હુમલાખોરોને પકડવા માટે સુખોવી અને આસપાસના જંગલોમાં એક  સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.