અમદાવાદઃ ભગવાન શ્રી જગન્નાથજીની 16 જુલાઈ, 2026ના રોજ યોજાનારી 149મી રથયાત્રાને અનુલક્ષીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ/ટી.ડી.ઓ. ખાતા (મધ્ય ઝોન) દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ પર આવેલ જર્જરિત અને ભયજનક મકાનોમાં કોઈપણ વ્યક્તિ પ્રવેશ ન કરે તેમ જ જાહેર સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
એસ્ટેટ ઓફિસ ઓર્ડર મુજબ 10 જુલાઈ5થી ડેપ્યુટી કમિશનર (મધ્ય ઝોન)ના માર્ગદર્શન હેઠળ રથયાત્રાના રૂટ પર આવેલા 544 જર્જરિત અને ભયજનક મકાનો ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ, સુપરવાઇઝરો તથા રિઝર્વ સ્ટાફની ફરજ ફાળવવામાં આવી છે, જેથી રથયાત્રા દરમિયાન કોઈ પણ વ્યક્તિ આવા મકાનોમાં પ્રવેશ ન કરી શકે.
ડેપ્યુટી કમિશનરે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું
આ આયોજનના અનુસંધાને મકાનદીઠ ફરજ સોંપવામાં આવેલા તમામ કર્મચારીઓ, સુપરવાઇઝરો તથા રિઝર્વ સ્ટાફની આજે તા. 13 જુલાઈ, 2026ના ટાગોર હોલ, પાલડી ખાતે મીટિંગ યોજાઈ હતી, જેમાં ડેપ્યુટી કમિશનરે રથયાત્રાના દિવસે નિભાવવાની કામગીરી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
ભયજનક મકાનો પર દેખરેખ રાખવામાં આવશે
ઉપરાંત, તમામ કર્મચારીઓને તેમની ફરજના સ્થળ, જવાબદારીઓ તથા જરૂરી તકેદારી અંગે માહિતગાર કરી જરૂરી તાલીમ પણ આપવામાં આવી હતી, જેથી રથયાત્રા દરમિયાન જર્જરીત અને ભયજનક મકાનો પર અસરકારક દેખરેખ રાખી જાહેર સુરક્ષા અને સમગ્ર વ્યવસ્થાનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરી શકાય.