Mon Aug 31 2026

Logo

બનાસકાંઠાના ડીસામાં નકલી ઘીના કારખાનાનો પર્દાફાશ, લાખોનો મુદ્દામાલ જપ્ત

2026-07-13 20:25:00
Author: Mumbai Samachar Team
બનાસકાંઠાના ડીસામાં નકલી ઘીના કારખાનાનો પર્દાફાશ, લાખોનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ:  બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી ફરી એક વખત નકલી ઘી બનાવતું કારખાનું ઝડપાયું હતું. ડીસામાં રહેણાક મકાનની આડમાં ધમધમતા શંકાસ્પદ અને ભેળસેળયુક્ત ઘીના એક મોટા રેકેટનો સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

અંદાજિત 6.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત 

ડીસા શહેરમાં એક રહેણાક મકાનમાં 'જ્યોતિ ટ્રેડિંગ'ના નામે શંકાસ્પદ ઘી બનાવવાનું કામ ચાલી રહ્યું હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે મકાનની અંદર મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને પેકિંગ કરવામાં આવતું હતું. એસઓજીની ટીમે સ્થળ પરથી  શંકાસ્પદ ઘીના કુલ 2334 નાના ડબ્બા, 15 કિલો વજનના 19 મોટા ડબ્બા, પ્લાસ્ટિકના ખાલી પાઉચ, લેબલ અને પેકિંગ મશીનરી સહિતનો અંદાજિત 6.40 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આરોપીઓ સામે કાયદેસરની વધુ કડક કાર્યવાહી  
 
એસઓજી દ્વારા સ્થાનિક ફૂડ અને ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા હતા. રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓ સામે કાયદેસરની વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.