ચેતક કમાન્ડો, SRPF અને પેરામિલીટ્રી ફોર્સના જવાનો રથયાત્રાના રૂટ પર ખડેપગે
અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતને જેની રાહ જોઈ રહ્યું છે તે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે. ગુજરાત અને અમદાવાદનું ગૌરવ તેમ જ વિશ્વપ્રસિદ્ધ આ 149મી રથયાત્રા તેમ જ રાજ્યના અન્ય જિલ્લાઓમાં નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. લાખોની જનમેદની વચ્ચે આ ભવ્ય મહોત્સવ કોઈ પણ અનિચ્છનીય ઘટના વગર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે ગુજરાત સરકારે પણ તડામાર તૈયારીઓ કરી છે.
ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
રથયાત્રાના આખાયે રૂટ પર સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહિના પહેલાથી જ માઇક્રો-પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવતું હોય છે. શહેરના પરંપરાગત અને સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતી રથયાત્રા માટે હજારો પોલીસ જવાનો, પેરામિલીટ્રી ફોર્સ, SRPF, ચેતક કમાન્ડો અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ જ રીતે અન્ય શહેરોમાં પણ યોજાતી રથયાત્રામાં સ્થાનિક વહીવટી તંત્ર સાથે મળીને લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી રથયાત્રામાં જોડાતા ભક્તો અને દર્શનાર્થીઓ સુરક્ષિત વાતાવરણનો અનુભવ કરી શકે.
એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરાઈ
રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થામાં ટેકનોલોજીનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય કંટ્રોલ રૂમ સીધા જ આખા રૂટ પર નજર રાખે છે, જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફેસ રેકગ્નિશન સિસ્ટમનો ઉપયોગ કરીને શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવામાં આવે છે. આકાશી માર્ગેથી નજર રાખવા માટે હાઇ-રિઝોલ્યુશન ડ્રોન કેમેરા કાર્યરત છે, જ્યારે અનધિકૃત ડ્રોનને તોડી પાડવા એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત કરાઈ છે. તથા રૂટ પર પેટ્રોલિંગ કરતા પોલીસ જવાનો 'બોડીવોર્ન કેમેરા'થી સજ્જ છે, જેથી ગ્રાઉન્ડ લેવલની પળે પળની હિલચાલ લાઇવ જોઈ શકાય છે.
રથયાત્રા - 2026
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 12, 2026
અમદાવાદમાં ૧૪૯મી રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં🚩🚔
આગામી રથયાત્રા શાંતિપૂર્ણ અને ભવ્ય રીતે સંપન્ન થાય તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોતની અધ્યક્ષતામાં જગન્નાથ મંદિરથી ખમાસા સુધી વિશાળ ફ્લેગ માર્ચ યોજાઈ....
*સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*… pic.twitter.com/1M6wzzogpN
જનતા અને પોલીસ વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત
જો કે આ સાથે જ માત્ર હથિયારો કે ટેકનોલોજીથી રથયાત્રાને સુરક્ષિત રાખી શકાય નહિ આ માટે જ સરકાર અને પોલીસ તંત્રએ લોકસંપર્કની કામગીરી આદરી છે. રથયાત્રા પૂર્વે જ શાંતિ સમિતિઓ અને મહોલ્લા સમિતિઓની બેઠકો યોજીને હિન્દુ-મુસ્લિમ બંને સમુદાયના અગ્રણીઓ સાથે સંવાદ સાધવામાં આવ્યો છે.
'ખાડિયાથી જમાલપુર' સુધી શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા યોજાયેલા રક્તદાન શિબિર જેવા સામાજિક ઉપક્રમોએ જનતા અને પોલીસ વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે.
Ahmedabad Rathyatra | જગન્નાથ રથયાત્રાની શાન: ગજરાજોનું આગમન #jagannathrathyatra #rathyatra2026 #ahmedabad #rathyatraahmedabad #jagannathtemple #gajraj #RathyatraUpdates pic.twitter.com/ZGOtLfOXCq
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 13, 2026
જ્યારે નાગરિકો નિર્ભય બનીને જય રણછોડના નારા લગાવતા હોય છે, ત્યારે તેમની પાછળ ખાખી વર્દીધારી જવાનો કાળઝાળ ગરમીમાં પણ ખડેપગે ફરજ બજાવતા હોય છે. અષાઢી બીજના આ પાવન પર્વે ગુજરાત સરકારનું આ 'ઝીરો એરર' સુરક્ષા આયોજન સાબિત કરે છે કે પ્રજાની સુરક્ષા અને શાંતિ એ જ સરકારની સર્વોચ્ચ અગ્રતા છે. પ્રશંસનીય કાયદો અને વ્યવસ્થાના કારણે જ આજે ગુજરાત ઉત્સવો ઉજવવામાં દેશમાં ઉદાહરણરૂપ બન્યું છે.