Wed Sep 02 2026

Logo

એસી લોકલમાં એસી બંધ થતા સુરક્ષા સામે સવાલ: શ્વાસ લેવામાં તકલીફ થતાં મુસાફરો બેભાન

2026-07-13 21:33:10
Author: Mumbai Samachar Team
એસી લોકલમાં એસી બંધ થતા સુરક્ષા સામે સવાલ: શ્વાસ લેવામાં તકલીફ થતાં મુસાફરો બેભાન

મુંબઈઃ મધ્ય રેલવેની એસી લોકલમાં આજે ટેકનિકલ ખામીના કારણે આખું એસી યુનિટ બંધ પડી ગયું હતું, પરિણામે પ્રવાસીઓને ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી હતી, જેમાં અમુકની તબિયત લથડતા રેલવે પ્રશાસન હરકતમાં આવી ગયું હતું. આજે સવારના પીકઅવર્સમાં એસી ટ્રેનમાં મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડતા એક મુસાફરને હોસ્પિટલ દાખલ કરવો પડ્યો હતો. રેલવે સ્ટાફ અને સાથી મુસાફરોએ લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી.

સોમવારે સવારે ભીડના સમયે ટિટવાલા-સીએસએમટી એસી લોકલ ટ્રેનની એર-કંડિશનિંગ સિસ્ટમમાં ખામી સર્જાવાને કારણે અનેક મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને કેટલાક મુસાફરો થોડીવાર માટે બેભાન થઈ ગયા હતા. એક મુસાફરને તબીબી સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

મુલુંડ રેલ્વે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 પર ઊભી રહેલી એસી લોકલ ટ્રેનમાં 10 મિનિટથી વધુ સમય સુધી એસી બંધ રહેતા ગભરાટ ફેલાયો હતો. કોચમાં ગરમી અને વેન્ટિલેશનના અભાવે ઘણા મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જ્યારે કેટલીક મહિલા મુસાફરો બેભાન થઈ ગઈ હતી. સાથી મુસાફરો અને રેલવે સ્ટાફ તેમને મદદ કરવા દોડી આવ્યા અને તેમને કોચમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી.

અહેવાલ મુજબ, મધ્ય રેલવે એસી લોકલમાં ટેકનિકલ ખામીને કારણે ટ્રેનનું એક એર કન્ડિશનિંગ યુનિટ કામ કરતું નહોતું. સેન્ટ્રલ રેલવેએ જણાવ્યું હતું કે આ ટ્રેન ટિટવાલાથી સીએસએમટી તરફ જઈ રહી હતી.  જોકે, કુર્લા સ્ટેશન પર તમામ મુસાફરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા અને ટ્રેનને સેવામાંથી હટાવી લેવામાં આવી હતી. ત્યાર બાદ નોનએસી તરીકે આ ટ્રેન ચલાવવામાં આવી હતી. એપ્રિલ-મેની કાળઝાળ ગરમી પડી રહી નથી, પરંતુ જુલાઈમાં ઓક્ટોબર હીટ જેવો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે વધતી ગરમી વચ્ચે લોકલ ટ્રેનમાં ભીડ વચ્ચે એસી બંધ પડવાની બાબત પ્રવાસીઓની સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે એમ લોકોએ સોશિયલ મીડિયા પર સવાલ કર્યા હતા.