મુંબઈ: પાકિસ્તાન સ્થિત ગેન્ગસ્ટર શહજાદ ભટ્ટી દ્વારા સ્થાનિક યુવાનોને કરવામાં આવેલા આર્થિક વ્યવહારોની તપાસ મહારાષ્ટ્ર એન્ટિ-ટેરરિઝમ સ્કવોડ (એટીએસ) કરી રહી છે. શહજાદ ભટ્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કથિત રીતે યુવાનોને દેશ વિરોધી પ્રવૃત્તિ માટે ટાર્ગેટ કર્યા હતા, એમ પ્રધાન પંકજ ભોઇરે જણાવ્યું હતું.ગૃહ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાને જણાવ્યું હતું કે તપાસ એજન્સીએ ગયા સપ્તાહે અટકાયતમાં લીધેલા ઘણા શંકાસ્પદોના મોબાઇલ જપ્ત કર્યા છે અને ભટ્ટીનું નેટવર્ક રાજ્યમાં કેટલું ફેલાયેલું છે તે શોધી કાઢવા માટે ડિવાઇસીસમાંથી ડૅટા મેળવવાનો પ્રયાસ કરાઇ રહ્યો છે.
એટીએસ દ્વારા ગયા સપ્તાહે રાજ્યમાં 112 લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. ભટ્ટી સાથે તેમની કડીની તપાસના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભટ્ટી યુવાનોને દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે ઉશ્કેરવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતો હતો. મહારાષ્ટ્રમાં આતંકવાદી પ્રવૃત્તિઓ શરૂ કરવાની યોજના ધરાવતો ભટ્ટી સોશિયલ મીડિયા થકી સ્થાનિક યુવાનો સાથે સંપર્કમાં હતો. અમુક યુવાનોનાં બૅંક ખાતાંમાં મોટું ભંડોળ ભટ્ટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યું હોવાની માહિતી એટીએસને મળી છે.
શંકાસ્પદો ભટ્ટી સાથે કેટલા સમયથી સંપર્કમાં હતા, તેમના સંદેશવ્યવહારનો પ્રકાર અને તેઓ શું નિયોજન કરી રહ્યા છે તેની તપાસ ચાલી રહી છે. અટકાયતમાં લેવાયેલા બધા યુવાનો ભટ્ટીના સંપર્કમાં હતા. અમુક તેને જાણે છે, જ્યારે અમુકે અકસ્માતે તેની સાથે વાત કરી હતી. તેઓ ભટ્ટી સાથે કેટલા નજીકથી સંકળાયેલા છે તે અંગે સઘન તપાસ કરાઇ રહી છે, એમ એટીએસના અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)