Tue Jun 16 2026

Logo

ગેરકાયદે બાંધકામ થયું તો એન્જિનિયરો સામે થશે કાર્યવાહીઃ દિલ્હી હાઈ કોર્ટે આપ્યો મોટો આદેશ

2026-06-16 19:18:15
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: આજના સમયમાં ગેરકાયદેસર બાંધકામ અને સરકારી જમીનો પર દબાણની સમસ્યા દેશના અનેક ભાગમાં ખૂબ જ વધી રહી છે. આ ગંભીર મુદ્દા પર દિલ્હી હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં આદેશ આપ્યો છે કે જો હવે દિલ્હીના કોઈપણ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ કે અતિક્રમણ જોવા મળશે, તો તેના માટે ત્યાં ફરજ બજાવતા જવાબદાર એન્જિનિયરો સીધા જવાબદાર રહેશે. જસ્ટિસ પ્રતિભા એમ. સિંહ અને જસ્ટિસ મનમીત પ્રીતમ સિંહ અરોડાની બેન્ચે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) અને અન્ય સંબંધિત વિભાગોના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, જુનિયર એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર સામે કડક કાનૂની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

સુનાવણી દરમિયાન બેન્ચ સમક્ષ કેટલીક ચોંકાવનારી તસવીરો રજૂ કરવામાં આવી હતી. આ તસવીરોમાં સ્પષ્ટ દેખાતું હતું કે પૂર પ્રભાવિત વિસ્તારોની જમીનો પર 6-6 માળની ગેરકાયદે ઈમારતો હમણાં જ બનીને તૈયાર થઈ ગઈ છે. આથી કોર્ટે આ મામલે આકરી  ટિપ્પણી કરી હતી કે, આવા ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને કારણે રાજધાનીમાં અવારનવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે. સરકારી કર્મચારીઓ પોતાની દેખરેખ હેઠળ આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપીને આડકતરી રીતે અકસ્માતોને નોતરે છે. તેથી ભ્રષ્ટાચાર આચરતા કે ફરજમાં બેદરકારી દાખવતા અધિકારીઓને હવે બક્ષવામાં નહીં આવે.

હાઈકોર્ટે તાજેતરમાં જગતપુર ગામ, વજીરાબાદ ગામ, રામઘાટ અને ન્યૂ અરૂણા નગર જેવા વિસ્તારોમાં થયેલા ગેરકાયદે બાંધકામોને તાત્કાલિક તોડી પાડવા માટે MCD અને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) ને આદેશ આપ્યા છે. આ સાથે જ કોર્ટે સંબંધિત એન્જિનિયરો પર શું પગલાં લેવાયા તેની એક્શન રિપોર્ટ ૨૫ જુલાઈ સુધીમાં કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું છે. બીજી તરફ, સુનાવણી દરમિયાન દિલ્હી સરકારે કોર્ટ સમક્ષ એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, દિલ્હીના O ઝોનમાં આવી 91  ગેરકાયદેસર કોલોનીઓ અને ગામડાઓ વસેલા છે, જ્યાં આશરે 5થી 6 લાખ લાખની વસ્તી વસે છે.

સરકારે સ્વીકાર્યું છે કે પર્યાવરણ અને નદીના કિનારાની સુરક્ષા માટે આ કોલોનીઓનું ત્યાં રહેવું યોગ્ય નથી, તેથી આ લાખો પ્રજાના પુનર્વસન માટે અત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો વચ્ચે વ્યાપક રણનીતિ ઘડાઈ રહી છે. સરકારે જણાવ્યું કે આ વસ્તી માટે આશરે એક લાખ ઘરોની જરૂરિયાત ઊભી થશે, ત્યાં સુધી 31 ડિસેમ્બર 2026 સુધી આ વિસ્તારોમાં યથાસ્થિતિ જાળવી રાખવાની સુરક્ષા આપવામાં આવી છે.