ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (20 ઓવરમાં 5/192) અહીં મંગળવારે કોલકાતા નાઇટ રાઇડર્સ (20 ઓવરમાં 7/160)ને હરાવીને તળિયાના સ્થાનેથી બહાર આવીને પ્રગતિ કરી હતી. કુલ પાંચ મૅચમાં ચેન્નઈની આ માત્ર બીજી જીત હતી. કોલકાતાની બૅટિંગ સદંતર ફ્લૉપ રહી હતી. બે કરોડ રૂપિયામાં ખરીદવામાં આવેલા ઓપનર ફિન ઍલન (એક રન)એ ફરી નિરાશ કર્યા હતા. સુનીલ નારાયણ (24 રન), અજિંક્ય રહાણે (28 રન) અને અંગક્રિશ રઘુવંશી (27 રન) અપેક્ષાથી ઊણા ઉતર્યા હતા. રમણદીપ સિંહ (35 રન) અને રૉવમૅન પૉવેલ (31 અણનમ) પણ કોલકાતાને નહોતા જિતાડી શક્યા.
પચીસ કરોડવાળા ગ્રીનનો ગોલ્ડન ડક
અફઘાનિસ્તાનના સ્પિનર નૂર અહમદે (4-0-21-3) સાત બૉલમાં ત્રણ વિકેટ લઈને કોલકાતાની સાધારણ બૅટિંગ લાઇન-અપને તોડી નાખી હતી. તેણે શરૂઆત રહાણેની વિકેટથી કરી હતી. પચીસ કરોડ રૂપિયા મેળવનાર કૅમેરન ગ્રીન (0) પોતાના પહેલા જ બૉલ પર (ગોલ્ડન ડક) આઉટ થઈ ગયો હતો, જ્યારે રિન્કુ સિંહ (છ રન) ફરી એક વખત સસ્તામાં વિકેટ ગુમાવી બેઠો હતો.
PTI
ચેન્નઈની એકેય હાફ સેન્ચુરી નહીં છતાં ટોટલ 200 રનની નજીક
એ પહેલાં, ચેન્નઈએ પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 192 રન કર્યા હતા. પાંચ ટાઇટલ જીતી ચૂકેલી આ ટીમના એકેય ખેલાડીને હાફ સેન્ચુરી નહોતી કરવા મળી છતાં ટોટલ 200 રનની આસપાસ પહોંચ્યું છે. પાછલી મૅચનો સેન્ચુરિયન સૅમસન ત્રણ સિક્સર, ચાર ફોરની મદદથી બનેલા 48 રન પર વિકેટ ગુમાવી બેઠો હતો. તેને કાર્તિક ત્યાગીએ ક્લીન બોલ્ડ કર્યો હતો. બે્રવિસે બે છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે 41 રન, આયુષ મ્હાત્રેએ બે છગ્ગા અને છ ચોગ્ગા સાથે 38 રન, સરફરાઝે બે છગ્ગા અને એક ચોગ્ગા સાથે 23 રન તેમ જ શિવમ દુબેએ અણનમ 13 રન કર્યા હતા. કોલકાતાના ત્યાગીએ સૌથી વધુ બે વિકેટ તેમ જ નારાયણ, અનુકૂલ રૉય અને વૈભવ અરોરાએ એક-એક વિકેટ મેળવી હતી.
ગાયકવાડ પાંચમી મૅચમાં પણ ફ્લૉપ
ચેન્નઈના કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડે આ વખતે ફરી એક વખત સસ્તામાં વિકેટ ગુમાવી છે. ચેન્નઈમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામેના મુકાબલામાં તે ફક્ત સાત રનના પોતાના સ્કોર પર લેફ્ટ-આર્મ સ્પિનર અનુકૂલ રૉયના બૉલમાં ડીપ મિડવિકેટ પર રૉવમૅન પૉવેલને કૅચ આપી બેઠો હતો. યુવાન બૅટ્સમૅન આયુષ મ્હાત્રે 38 રન બનાવીને પેસ બોલર વૈભવ અરોરાના બૉલમાં આઉટ થયો હતો, પણ પાછલી મૅચનો સેન્ચુરિયન સંજુ સૅમસન 23 રને રમી રહ્યો હતો. છ ઓવરને અંતે ચેન્નઈનો સ્કોર 2/72 હતો. ગાયકવાડ પાછલી ચારેય મૅચમાં સારું નહોતો રમી શક્યો. રાજસ્થાન સામે તેણે છ રન, પંજાબ સામે 28 રન, બેંગ્લૂરુ સામે સાત રન અને દિલ્હી સામે 15 રન કર્યા હતા.એ અગાઉ, કોલકાતાના કૅપ્ટન અજિંક્ય રહાણેએ ટૉસ જીતીને પહેલા ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ નવદીપ સૈનીના સ્થાને વરુણ ચક્રવર્તીને ઇલેવનમાં સમાવ્યો હતો. ચેન્નઈની ટીમમાં કોઈ ફેરફાર નહોતો કરાયો.