Sun Mar 08 2026

Logo

રિંકુ સિંહના પિતાનું નિધન થતાં ક્રિકેટ જગત સાથે જોડાયેલા લોકોએ શોક વ્યક્ત કર્યો...

1 week ago
Author: Savan Zalariya
Article Image

નોઇડા: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમનો ફિનીશર રિંકુ સિંહ હાલ T20 વર્લ્ડ કપમાં ભાગ લઇ રહ્યો છે, એવામાં તેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આજે શુક્રવારે સવારે તેના પિતાનું અવસાન નીપજ્યું હતું. અહેવાલ મુજબ રિંકુના પિતા ખાનચંદ સિંહ લાંબા સમયથી કેન્સરની બિમારીથી પીડાતા હતાં, આજે સવારે ગ્રેટર નોઈડાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. ક્રિકેટ જગત સાથે જોડાયેલા લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે અને રિંકુને સાંત્વના આપી રહ્યા છે.

તાજેતરના દિવસોમાં રિંકુના પિતાની તબિયત લથડી હતી, હોસ્પિટલમાં તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતાં. આ અઠવાડિયે રિંકુ તેમને મળવા નોઇડા પહોંચ્યો હતો. ગઈ કાલે ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલા તે ટીમમાં ફરી જોડાયો હતો, મેચામાં તેને પ્લેઈંગ ઈલેવનમાં તક ના હતી મળી, પરંતુ તે ફિલ્ડીંગ કરતો જોવા મળ્યો હતો. પિતાના અવસાનના સમાચાર મળતા રિંકુ નોઇડા માટે રવાના થયો હતો. 

બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)ના સેક્રેટરી દેવજીત સૈકિયાએ એક ન્યુઝ એજન્સીને જણાવ્યું કે રિંકુ સવારે 5 વાગ્યે ચેન્નઈથી રવાના થયો, રિંકુના પિતાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર તેમના વતન ઉત્તરપ્રદેશના અલીગઢમાં કરવામાં આવશે.

સફળતાનો શ્રેય પિતાને:

રિંકુ સિંહના સફળ ક્રિકેટ કરિયર માટે તેના પિતાએ મહત્વનો ફાળો આપ્યો હતો, રિંકુ હંમેશા તેની સફળતાનો શ્રેય તેના પિતા ખાનચંદ સિંહને આપતો. ખાનચંદ સિંહને અલીગઢમાં ગેસ સિલિન્ડર વિતરણમાં કામ કરતા હતાં, આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થતા હોવા છતાં રિંકુનાં ક્રિકેટર બનવાના સપનાને સમર્થન આપ્યું.  

કોણે શું કહ્યું:

BCCIના અધ્યક્ષ મિથુન મહનાસે રિંકુના પિતા અવસાન અંગે શોક વ્યક્ત કર્યો. તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું, "રિંકુ સિંહના પિતાના અવસાનના સમાચાર મળતા ખૂબ દુઃખ થયું. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદના રિંકુ અને તેમના પરિવાર સાથે છે. ભગવાન શિવ તેમ પરિસ્થિતિનો સામનો કરવા શક્તિ આપે. ઓમ શાંતિ" 

BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ રિંકુના પિતાના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે લખ્યું, “ક્રિકેટર રિંકુ સિંહના પિતા શ્રી ખાનચંદ સિંહના નિધનની ખુબર ખૂબ જ દુઃખદ છે. આ આપત્તિના સમયમાં, મારી સંવેદનાઓ રિંકુ અને તેમના પરિવાર સાથે છે. ભગવાન શોકગ્રસ્ત પરિવારને આ ખોટ સહન કરવાની શક્તિ આપે." 

ભારતીય ટીમના ભૂતપૂર્વ ક્રિકેટરો, હરભજન સિંહ, સુરેશ રૈના, શિખર ધવન અને આકાશ ચોપરાએ પણ રિંકુ સિંહને સાંત્વના પાઠવી છે.