નિલેશ વાઘેલા
આંતરરાષ્ટ્રીય સ્તરે પાછલા કેટલાક વર્ષોથી જે મિસાઇલ અને મની વોર ચાલી રહી છે અને અટકવાનું નામ નથી લેતી, તેને કારણે દુનિયાનું ધ્યાન ફરીથી સેફ હેવન એસેટ તરફ મંડાયું છે. ચીન જેવા વિકરાળ અજગર જેવા દેશથી માંડીને ભારત સહિતના અનેક દેશની સેન્ટ્રલ બૅન્ક પણ સોનું ખરીદવાની હોડ લગાવી ચૂકી છે. ટૂંકમાં દેશના અર્થતંત્રને રક્ષણ આપવા માટે સરકારોને લાગે છે કે સોનું આપણી પાસે હોવું અનિવાર્ય છે.
અલબત્ત વિવિધ દેશના ગોલ્ડ રશ પાછળ ડોલરના મૂલ્ય રકાસ સહિતના અન્ય અનેક કારણો પણ છે, જોકે, આપણે સરકારના સોનેરી મિશન ગોલ્ડ મોનેટાઇઝેશન એટલે કે સોનાના ચલણમાં રૂપાંતરણની વાત માંડવી છે. સરકાર ટૂંક સમયમાં નવી ગોલ્ડ મોનેટાઇઝેશન યોજના લાવવાની તૈયારીમાં છે.
ઉદ્યોગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકાર તહેવારોની મોસમ પહેલા સુધારેલી યોજના શરૂ કરવા આતુર છે, કારણ કે સોનાના ઊંચા ભાવ અને ઊંચી આયાત જકાતને કારણે ઝવેરાતની માંગમાં ઘટાડો થઈ રહ્યો છે અને દેશના આયાત બિલ પર દબાણ વધી રહ્યું છે.
વેપાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સુધારેલી ગોલ્ડ મોનેટાઇઝેશન યોજના ઓગસ્ટમાં રજૂ થવાની શક્યતા છે. બુલિયન ઉદ્યોગે નિષ્ક્રિય ઘરગથ્થુ સોનાને ખોલવા માટે સરકારને ઘણી ભલામણો સબમિટ કરી છે.
સોનાની આયાતને કારણે વેપાર ખાધ વધે છે અને સાથે ડોલરના ખર્ચને કારણે રૂપિયાના મૂલ્યને પણ ઘસારો લાગે છે. આ સમસ્યાના એક ઉપાયરૂપે સરકાર ટૂંક સમયમાં નવી ગોલ્ડ મોનેટાઇઝેશન યોજના રજૂ કરી શકે છે જેનો હેતુ ડોમેસ્ટિક ગોલ્ડને ઔપચારિક અર્થતંત્રમાં લાવવા અને સોનાની આયાત પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો છે.
સરકાર અગાઉ પણ આવી યોજના લાવી ચૂકી છે, જેની વાત આપણે આગળ કરીશું. સરકારને નવી યોજનામાં 1,000 ટનથી વધુ સોનું આકર્ષિત થવાની અપેક્ષા છે, જે 2015માં શરૂ કરાયેલા અગાઉની યોજના કરતા નોંધપાત્ર મોટો આંકડો છે. નવી યોજનામાં સૌથી નવી બાબત એ છે કે, તેમાં ઝવેરીઓ મોટી ભૂમિકા ભજવી શકે છે.
પ્રસ્તાવિત યોજના હેઠળ સરકાર સૌથી મોટા ફેરફારોમાંના એક ફેરફાર અંતર્ગત ઝવેરીઓને કલેક્શન પાર્ટનર્સ તરીકે સામેલ કરવાનો ઇરાદો ધરાવે છે. અગાઉની ગોલ્ડ મોનેટાઇઝેશન યોજના હેઠળ, ફક્ત બૅન્કોને ઘરોમાંથી સોનાની થાપણો સ્વીકારવાની મંજૂરી આપવામાં આવી હતી.
નવા માળખામાં દેશભરના ઝવેરીઓને ગ્રાહકો પાસેથી સીધા સોનાની થાપણો એકત્રિત કરવાની અને તેને સિસ્ટમમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી મળી શકે છે. બુલિયન બજારના સાધનો અનુસાર ઝવેરીઓ આ યોજનામાં ભાગીદારી વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
યોજનાનો એક મુખ્ય ઉદ્દેશ આયાત ઘટાડો
ભારત સોનાના વિશ્ર્વના સૌથી મોટા ગ્રાહકોમાંનો એક છે અને તેની વાર્ષિક માગનો મોટો હિસ્સો આયાત આધારિત હોય છે. નીતિ ઘડવૈયાઓે માને છે કે ભારતીય ઘરોમાં નિષ્ક્રિય પડી રહેલા સોનાના નાના હિસ્સાને પણ એકત્રિત કરવાથી આયાત નિર્ભરતામાં ઘટાડો થઈ શકે છે અને દેશના એક્સટર્નલ બેલેન્સમાં સુધારો થઈ શકે છે.
ઉદ્યોગના અંદાજો સૂચવે છે કે જો ડોમેસ્ટિક ગોલ્ડનો માત્ર 5ાંચ ટકા હિસ્સો પણ મુદ્રીકૃત કરવામાં આવે, તો તે અર્થતંત્ર માટે લગભગ 90 બિલિયન ડોલરની પ્રવાહિતા માટે માર્ગ ખોલી શકે છે. હવે જોવાનું એ રહે છે કે આમાં ઝવેરીઓ કઇ રીતે મદદરૂપ બની શકે છે! એક રીતે આ બાબત કદાચ ઝવેરીઓના હિત વિરૂદ્ધ તો નથી?
વડા પ્રધાને તાજેતરમાં લોકોને સોનું ખરીદવાનું ટાળવા વિનંતી કરી હતી
સરકાર સોનામાં આયાતથી થનારા નુકસાનથી વાકેફ છે અને આયાત ઘટાડવા ઘણાં વખતથી પ્રયત્ન કરી રહી છે. નોંધવું રહ્યું હતું કે આ જ કારણસર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નાગરિકોને એક વર્ષ માટે સોનું ખરીદવાનું ટાળવા વિનંતી કરી હતી કારણ કે સરકાર આયાતને રોકવા અને સ્થાનિક નાણાકીય બચત સુધારવાના માર્ગો શોધી રહી છે.
ભારતમાં, પરિવારો પરંપરાગત રીતે માત્ર ઘરેણાં તરીકે જ નહીં પરંતુ નાણાકીય સુરક્ષા અને લાંબા ગાળાના રોકાણના સ્વરૂપ તરીકે પણ સોનું ખરીદતા રહ્યા છે. જો કે, ખરીદી પછી આ સોનું મોટેભાગે તિજોરી કે લોકરમાં પડી રહે છે અને તેનો મોટો ભાગ બિનઉપયોગી જ રહે છે.
આ સોનાના સંગ્રહ માટે ક્યારેક ખર્ચ પણ કરવો પડે છે, જેમ કે લોકરનું ભાડું! સોના સાથે સુરક્ષાનો પ્રશ્ર્ન પણ સતત સંકળાયેલો રહે છે. આ કારણો જોતાં અધિકારીઓ માને છે કે સુધારેલ ગોલ્ડ મુદ્રીકરણ યોજના ઘરોને આ નિષ્ક્રિય સંપત્તિઓને ઉત્પાદક ઉપયોગ માટે કરવા પ્રોત્સાહિત કરી શકે છે.
સરકારે સોનાની આયાત ઘટાડવા અને ચાલુ ખાતાની ખાધ ઘટાડવા માટે આ અગાઉ દસેક વર્ષ પહેલા વર્ષ 2015માં મૂળ સુવર્ણ મુદ્રીકરણ યોજના શરૂ કરી હતી. આ યોજનાથી પરિવારો બેંકોમાં ભૌતિક સોનું જમા કરાવી શકે છે અને વાર્ષિક 2.25 ટકાથી 2.50 ટકા વ્યાજ મેળવી શકે છે. પરિપક્વતા સમયે, રોકાણકારો ભૌતિક સોનું અથવા તેમની થાપણના મૂલ્યની સમકક્ષ રોકડ મેળવવાનું પસંદ કરી શકે છે.
2015ની ગોલ્ડ મુદ્રીકરણ યોજના કેમ નિષ્ફળ રહી?
ઉમદા ઉદ્દેશ અને સારા કારણો હોવા છતાં, આ કાર્યક્રમે એક દાયકામાં માત્ર 39 ટન સોનું આકર્ષ્યું, જે અપેક્ષાઓ કરતાં ઘણું ઓછું હતું. પહેલાની યોજના નિષ્ફળ જવાના કારણોમાં ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે અગાઉના ગોલ્ડ મોનેટાઇઝેશન કાર્યક્રમમાં ઘણી માળખાકીય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
આ યોજના ચલાવવાનો મુખ્ય આધાર બૅન્કિંગ સિસ્ટમને માથે હતો, જોકે બેંકોને આ યોજનાને સક્રિય રીતે આગળ વધારવા માટે બહુ ઓછું પ્રોત્સાહન મળ્યું હતું, જ્યારે સરકારે સમય જતાં વ્યાજ ચુકવણી અને સોનાના ભાવમાં વધારો બંને સહન કરવા પડ્યા હતા.
બજાર નિષ્ણાતોના મતે, આ યોજના સંપૂર્ણપણે હેજ કરવામાં આવી નહોતી, એટલે કે રોકાણકારો તેમની થાપણો પાછી ખેંચે તે પહેલાં જ્યારે પણ સોનાના ભાવમાં વધારો થયો ત્યારે સરકારે નુકસાન સહન કરવું પડ્યું હતું. આને પરિણામે, આ કાર્યક્રમ સરકાર માટે આર્થિક રીતે મોંઘો બન્યો અને મોટી ભાગીદારી આકર્ષવામાં નિષ્ફળ ગયો.
નવી યોજના શું બદલી શકે છે?
પ્રસ્તાવિત ફેરફારોનો ઉદ્દેશ્ય ઝવેરીઓને સીધા સંગ્રહ પ્રક્રિયામાં સામેલ કરીને કાર્યક્રમને વધુ આકર્ષક અને સુલભ બનાવવાનો છે. જો સફળ થાય, તો સુધારેલી યોજના ભારતની આયાતી સોના પરની નિર્ભરતા ઘટાડી શકે છે, અર્થતંત્રમાં પ્રવાહિતા સુધારી શકે છે અને દેશના અંદાજિત 25,000 ટનથી 35,000 ટન જેટલો ડોમેસ્ટિક ગોલ્ડનો એક ભાગ રચનાત્મક ઉપયોગમાં મુકાઇ શકે છે.