Wed Jun 24 2026

Logo

ફાઈનાન્સના ફંડાઃ વિલંબની કિંમત  રોકાણ વહેલું શરૂ કરવું કેમ અનિવાર્ય છે?

2026-05-12 08:23:00
Author: Mitali Mehta
Article Image

 

મિતાલી મહેતા

રોહિત અને સમીર બન્નેએ 25 વર્ષની ઉંમરે એકસાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. સમાન પગાર, સમાન જીવનશૈલી અને સમાન સપનાઓ.

રોહિતે વહેલું રોકાણ શરૂ કરવાનો નિર્ણય લીધો. તેણે દર મહિને 5,000 રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. આ નિર્ણય સાવ સરળ પણ નહોતો. તેણે કેટલાક બિનજરૂરી ખર્ચમાં કાપ મૂકવો પડતો પણ તેણે શિસ્ત જાળવી રાખી.

બીજી તરફ, સમીરનો વિચાર થોડો જુદો હતો. અત્યારે તો હજી નવી નોકરી છે, થોડી મજા માણી લઉં, પછીથી રોકાણ બોકાણ શરૂ કરીશ, તે કહેતો. જ્યારે વધુ કમાણી થશે ત્યારે એકસાથે મોટું રોકાણ કરી લઈશ. 

આ રીતે 10 વર્ષ પસાર થઈ ગયાં.

35 વર્ષની ઉંમરે  સમીરે આખરે રોકાણ શરૂ કર્યું અને આ વખતે તેણે રોહિત કરતાં બમણી રકમ એટલે કે દર મહિને 10,000 રૂપિયા રોકાવાનું નક્કી કર્યું. ત્યાં સુધીમાં, રોહિત છેલ્લાં 10 વર્ષથી સતત રોકાણ કરી રહ્યો હતો.

50 વર્ષની ઉંમરે, જ્યારે બન્નેએ પોતાનાં રોકાણોનું મૂલ્યાંકન કર્યું ત્યારે સમીર આશ્ર્ચર્યચકિત થઈ ગયો. સમીરે કુલ રકમ વધુ રોકાણ કરી હોવા છતાં, તેની સંપત્તિ રોહિત કરતાં ઘણી ઓછી હતી.

ફરક શિસ્તમાં નહોતો  કે વળતરના દરમાં પણ નહોતો. ફરક માત્ર એક જ હતો સમય.

ભૂલ ક્યાં થાય છે? સાચા સમયની રાહ જોવામાં.

રોકાણમાં સૌથી સામાન્ય ભૂલ ‘શરૂઆતને ટાળવી’ છે. લોકો ઘણીવાર પગાર વધવાની, બજાર સુધરવાની અથવા કોઈ ખાસ અવસરની રાહ જુએ  છે.  ઘણા લોકો એવું માને છે કે તે ભવિષ્યમાં વધુ રકમ રોકીને આ વિલંબને સરભર કરી શકશે, પરંતુ આ વિચારમાં એક પાયાની બાબતની અવગણના થાય છે અને એ છે ‘સમય’ અને ગુમાવેલો સમય ક્યારેય પાછો મેળવી શકાતો નથી.

સમયની તાકાત: ચક્રવૃદ્ધિનો પ્રભાવ

રોકાણની સાચી શક્તિ ચક્રવૃદ્ધિમાં છુપાયેલી છે. આનો અર્થ છે માત્ર તમારી મૂડી પર જ નહીં, પણ તેના પર મળતા વળતર પર પણ વળતર  મળવું.

ચક્રવૃદ્ધિને ખીલવા માટે સૌથી જરૂરી વસ્તુ ‘સમય’ છે. જો તમે વહેલા શરૂ કરો તો તમારી નાની રકમ પણ લાંબા ગાળે એક વિશાળ વટવૃક્ષ બની   શકે છે. હા, જો તમે મોડું કરો તો તમે એ સુવર્ણ વર્ષો ગુમાવો છો, જેમાં પૈસા પોતાની મેળે ઝડપથી વધી શકતા હતા.

રોહિતના કિસ્સામાં, શરૂઆતનાં 10 વર્ષે  તેના માટે એક મજબૂત પાયો બનાવ્યો. સમીરે બમણું રોકાણ કર્યું હોવા છતાં તે રોહિત સુધી પહોંચી શક્યો નહીં, કારણ કે શરૂઆતનાં  એ 10 વર્ષનું ‘વ્યાજનું વ્યાજ’ તેની પાસે નહોતું.

વિલંબની છૂપી કિંમત

મોડું શરૂ કરવાની કિંમત તરત દેખાતી નથી, પણ તે ભવિષ્યમાં ભારે પડી શકે છે.
મોટું લક્ષ્ય-ઓછું ભંડોળ : નિવૃત્તિ માટે જરૂરી ભંડોળ ભેગું કરવું મશ્કેલ બને છે.
વધુ ભાર : તે જ લક્ષ્ય મેળવવા માટે પછીથી તમારી આવકનો મોટો ભાગ રોકવો પડે છે.
જોખમ લેવાની જરૂરિયાત : વિલંબને કારણે ઘણીવાર લોકો વધુ વળતર મેળવવા માટે જોખમી રોકાણો તરફ પ્રેરાય છે.

મુખ્ય શીખ

રોકાણની શરૂઆત કરવા માટે તમારે કોઈ બહુ મોટી રકમ કે માસ્ટર પ્લાનની જરૂર નથી. મહત્ત્વનું એ છે કે તમે આજે જ શરૂઆત કરો.
નાની પરંતુ નિયમિત બચત પણ લાંબા ગાળે મોટી સંપત્તિનું સર્જન કરી શકે છે. યાદ રાખો, તમારા પૈસાને સૌથી મોટો ફાયદો ઊંચા વળતરથી નહીં, પણ વધુ સમયથી મળે છે.
ફરી એક વાર આ વાત ગાંઠે બાંધી લો કે સમય એક એવી મૂડી જણસ છે જે એક વાર ગયા પછી ક્યારેય પાછી મળતી નથી. તેથી ‘પછી’ નહીં પણ ‘અત્યારે’ જ સાચો સમય છે.