નવી દિલ્હીઃ કન્ઝ્યુમર જસ્ટિસ રિપોર્ટ 2026ને ઈન્ડિયા જસ્ટિસ રિપોર્ટને જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ આરટીઆઈમાંથી મળેલી જાણકારી અને સંસદમાં આપવામાં આવેલા જવાબો પરથી તૈયાર કરવામાં આવ્યો છે. દેશમાં પહેલીવાર ગ્રાહક ફરિયાદ નિવારણનું ભારતમાં રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ થયું છે. આ સર્વે ઈન્ડિયા જસ્ટિસ રીપોર્ટે જાહેર કર્યો છે. સર્વેમાં મોટા રાજ્યો આંધ્ર પ્રદેશ અને નાના રાજ્યો મેઘાલય ટોપ પર રહ્યા છે. રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું છે કે, ગ્રાહકોને સૌથી વધારે ફરિયાદ વીમા, આવાસ અને બેંકિગ ક્ષેત્ર સામે છે. રાજ્યના આયોગમાં 35 ટકા કેસ ત્રણ વર્ષથી વધારે સમયથી પેન્ડિંગ છે.
જગ્યા એક વર્ષથી ખાલી
વર્ષ 2025માં રાજ્યના આયોગમાં અધ્યક્ષ અને સભ્યોના અડધાથી વધારે પદ પર ભરતી થઈ નથી. આનો ઉદ્દેશ એ છે કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 હેઠળના કાનૂની દાયિત્વોને પૂર્ણ કરવામાં ગ્રાહકો કેટલી હદ સુધી સક્ષમ છે તે માપવું. આ સર્વેમાં બજેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માનવ સંસાધન, કામનો ભાર જેવા માપદંડો સહિત કુલ 11 પરિમાણોના આધારે રાજ્યોની રેન્કિંગ તૈયાર કરવામાં આવી છે. રાજ્યોની રેન્કિંગને બે ભાગોમાં વહેંચવામાં આવી છે, જેમાં પહેલોભાગ મોટા અને મધ્યમ કદના રાજ્યોનો છે, જ્યારે બીજો ભાગ નાના રાજ્યોનો છે. મોટા અને મધ્યમ રાજ્યોમાં પ્રથમ સ્થાન પર આંધ્ર પ્રદેશ છે. તેના પછી ક્રમશઃ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, હરિયાણા, તમિલનાડુ, આસામ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, બિહાર, ગુજરાત, પંજાબ, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.
મેઘાયલ રહ્યું ટોપ પર
નાના રાજ્યોમાં પ્રથમ સ્થાન પર મેઘાલય છે. ત્યારબાદ ક્રમશઃ સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ અને મણિપુરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાત કેન્દ્રશાસિત પ્રદેશોને રેન્કિંગ આપવામાં આવી નથી. આ રિપોર્ટ જાહેર કરતાં ચીફ જસ્ટીસ સંજય કિશન કૌલ એ જણાવ્યું હતું કે, જો કાયદાનો યોગ્ય અમલ ન થાય તો સંસદ જે હેતુથી કાયદો બનાવે છે તે અધૂરો રહી જાય છે. આ રિપોર્ટમાં સામે આવેલી માહિતી ચિંતાજનક છે. 2019ના કાયદાથી ગ્રાહકોને રક્ષણ મળ્યું છે, પરંતુ રાજ્ય કમિશનોમાં અધ્યક્ષ અને સભ્યોના અડધાથી વધુ પદ ખાલી છે. તમામ જિલ્લાઓમાં કમિશનોની રચના થઈ નથી અને અદાલતી આદેશો હોવા છતાં આ જગ્યાઓ ભરવામાં આવી નથી.
ક્યા રાજ્યમાં કેટલા કેસ પેન્ડિગ?
રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેરળમાં છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી અંદાજે 4047 કેસ પેન્ડિંગ છે. જમ્મુ અને કાશ્મીરમાં 1190, ઝારખંડમાં 552, ઉત્તર પ્રદેશમાં 9122, ઉત્તરાખંડમાં 521, આસામમાં 168, મધ્ય પ્રદેશમાં 2942, હરિયાણામાં 2427 કેસ બાકી છે. તે ઉપરાંત લક્ષદ્વીપમાં 1, ગોવામાં 46, કર્ણાટકમાં 2852, અંડમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં 4 કેસ પેન્ડિંગ છે. વધુમાં નાગાલેન્ડમાં 1, પુડુચેરીમાં 3, મેઘાલયમાં 1, રાજસ્થાનમાં 370, હિમાચલ પ્રદેશમાં 56, સિક્કિમમાં 2 અને આંધ્ર પ્રદેશમાં 81 કેસ પેન્ડિંગ છે. રેન્કિંગ તૈયાર કરવા માટેના માપદંડોમાં અધ્યક્ષની ખાલી જગ્યાઓ, સભ્યોની ખાલી જગ્યાઓ, સ્ટાફની ખાલી જગ્યાઓ, અધ્યક્ષ અને સભ્યોમાં મહિલાઓની સંખ્યા, સ્ટાફમાં મહિલાઓનું પ્રમાણ, કેસ નિકાલ દર, ત્રણ વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ કેસ, જિલ્લાઓની તુલનામાં જિલ્લા કમિશનોનું પ્રમાણ અને બજેટના ઉપયોગ જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.