નવી દિલ્હી: દેશમાં હાલ કોકરોચ જનતા પાર્ટી દ્વારા NEET પેપર લીક સહિતના મુદ્દાઓ પર સરકાર સામે મોરચો માંડ્યો છે, ત્યારે હવે કોંગ્રેસે પણ દેશમાં આંદોલન કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસના લઘુમતી અને અનુસૂચિત જાતિ વિભાગે નિર્ણય કર્યો છે કે લઘુમતીઓ અને દલિતો સાથે થઈ રહેલી હેરાનગતિ અને અન્યાયો વિરુદ્ધ સયુંકત રૂપે દેશવ્યાપી અભિયાન શરૂ કરશે. જેની શરૂઆત આગામી 20મી જુલાઇથી દિલ્હીના જંતર-મંતરથી કરવામાં આવશે અને વિરોધ પ્રદર્શન કરશે.
કોંગ્રેસના SC વિભાગના વડા રાજેન્દ્ર પાલ ગૌતમ અને લઘુમતી વિભાગના અધ્યક્ષ ઈમરાન પ્રતાપગઢીએ બંને વિભાગોની સંયુક્ત બેઠક બાદ આ કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી. ગૌતમે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના આ બંને વિભાગો હવે સંયુક્ત રીતે લોકોની લડાઈ લડશે. આ અભિયાન અંતર્ગત માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં, પરંતુ રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તર સુધી પણ અધિવેશનો યોજવામાં આવશે અને લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવશે.
આ આંદોલનને વધુ વ્યાપક બનાવવા વિશે માહિતી આપતા ગૌતમે ઉમેર્યું હતું કે, આગામી સમયમાં યોજાનાર અધિવેશનોમાં લઘુમતી અને SC વિભાગની સાથે આદિવાસી વિભાગને પણ આ ઝુંબેશમાં જોડવામાં આવશે. ત્યારબાદ પછાત વર્ગ અને દેશના સામાન્ય વર્ગના ગરીબ લોકોને પણ એકસાથે લાવવાના પ્રયાસો કરવામાં આવશે, જેથી આ તમામ વંચિત વર્ગોનો અવાજ મજબૂતીથી ઉઠાવી શકાય અને તેમને ન્યાય અપાવી શકાય.
ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું કે આ અભિયાનને દેશના તમામ રાજ્યોમાં લઈ જવામાં આવશે અને જ્યાં પણ અત્યાચાર કે અન્યાયના કિસ્સાઓ સામે આવશે, ત્યાં પાર્ટી સંયુક્ત રીતે પીડિતોની પડખે ઊભી રહેશે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના વંચિત અને નબળા વર્ગોમાં ડો. બાબાસાહેબ આંબેડકરના બંધારણ પ્રત્યેનો વિશ્વાસ જાળવી રાખવાનો છે. વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આગામી જૂન મહિનાના ત્રીજા સપ્તાહમાં ઉત્તર પ્રદેશના લખનૌમાં બંને વિભાગોની રાષ્ટ્રીય અને રાજ્ય સલાહકાર પરિષદનો એક સંયુક્ત કાર્યક્રમ પણ યોજાશે.