Tue Aug 25 2026

Logo

સીએમ ફડણવીસ વિરોધીઓને ધમકાવવાનું બંધ કરે, આ પદને શોભતું નથી: કોંગ્રેસ

2026-07-10 18:21:42
Author: Mumbai Samachar Team
સીએમ ફડણવીસ વિરોધીઓને ધમકાવવાનું બંધ કરે, આ પદને શોભતું નથી: કોંગ્રેસ

મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર રાજ્ય સરકારની ટીકા કરનારાઓને ધમકાવવાનો આરોપ મૂકી કહ્યું હતું કે આવું કરવું મુખ્ય પ્રધાનના પદ પર રહેલી વ્યક્તિને શોભતું નથી. પત્રકાર પરિષદને સંબોધતા સપકાળે કહ્યું હતું કે નાગરિકો અને વિપક્ષને જાહેર નાણાંના ઉપયોગ પર સવાલ ઉઠાવવાનો સંપૂર્ણ અધિકાર છે.

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે 'મિસિંગ લિંક' પ્રોજેક્ટની ટનલ નજીક ભૂસ્ખલન અંગે જોરદાર ટીકા થયા બાદ ફડણવીસે બુધવારે આક્રમક રીતે તેનો બચાવ કર્યો હતો. ટીકાકારો સામે સોશિયલ મીડિયા પર ભાડે રાખેલા ટ્રોલ દ્વારા જુઠ્ઠાણા ફેલાવવાનો આરોપ મૂક્યો અને ચેતવણી આપી કે ખોટી માહિતીથી મહારાષ્ટ્રને બદનામ કરનારાઓને છોડવામાં નહીં આવે.

કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે 'કોઈ રાજ્યના મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાનને એ શોભતું નથી કે તેઓ પ્રશ્નો ઉઠાવનારાઓને ભાડાના કઠપૂતળી કહીને અથવા 'હું તમને જોઈ લઈશ' એમ કહીને ધમકી આપે. તમે રાજ્યથી ઉપર નથી. કૂતરા અને ભાડે રાખેલા પીઠ્ઠુ જેવા શબ્દોનો ઉપયોગ કરવો એ રાજ્યના મુખ્ય પ્રધાનને શોભતું નથી. 

મહારાષ્ટ્ર સભ્ય રાજકીય સંસ્કૃતિ માટે જાણીતું છે. કોંગ્રેસ દ્વારા મિસિંગ લિંક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારને ઉજાગર કરવામાં આવ્યા બાદ ફડણવીસે ગુસ્સે થઈને પ્રતિક્રિયા આપી હોવાનો દાવો તેમણે કર્યો હતો.