Mon May 25 2026

Logo

કચ્છ સરહદે ચિંતા વધી: અબડાસાના ખીદરત ટાપુ પરથી વધુ એક ડ્રોનનું પાંખિયું મળતાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ

2026-05-25 14:11:00
Author: mumbai samachar team
Article Image

ભુજ: કચ્છના વ્યૂહાત્મક અને સંવેદનશીલ દરિયાઈ સરહદી વિસ્તારમાં આવેલા અબડાસા તાલુકાના ખીદરત ટાપુ પરથી રવિવારે વધુ એક ડ્રોનનું પાંખિયું મળી આવતાં સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી છે. આ ઘટનાને પગલે સરહદી વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જખૌ મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ. ઝાલા, સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરોના બી.બી. સંઘાર, એસ.ઓ.જી.ના જોરાવરસિંહ જાડેજા અને મરીન પોલીસના કોન્સ્ટેબલ લાલભાઈ સહિતનો સંયુક્ત સુરક્ષા કાફલો ખીદરત ટાપુ પર નિયમિત પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન દરિયાકિનારે રેતીના ઢગલા પાસેથી એક શંકાસ્પદ વસ્તુ નજરે ચડી હતી, જેની ઝીણવટભરી તપાસ કરતાં તે ડ્રોનનું પાંખિયું હોવાનું ખૂલ્યું હતું. 

ખીદરત ટાપુ પરથી અગાઉ પણ ત્રણ ડ્રોનના પાંખિયા મળી આવ્યા હતા, જેની સરખામણીએ આ ચોથું પાંખિયું તદ્દન અલગ મોડેલ અને ભિન્ન ડિઝાઇનનું છે. આ બાબત સૂચવે છે કે દરિયાઈ સરહદે કોઈ અલગ પ્રકારના ડ્રોનનો ઉપયોગ કરાયો હોઈ શકે અથવા તો તે સામેપારથી તણાઈને કિનારે આવ્યો હોઈ શકે. સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વારંવાર મળી આવતા આવા શંકાસ્પદ ઉપકરણોને કારણે આંતરરાષ્ટ્રીય જળસીમા પર પાકિસ્તાની ડ્રોન ગતિવિધિઓની શંકા વધુ પ્રબળ બની છે. હાલમાં તમામ સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત રીતે આ મામલે સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


(ઉત્સવ વૈદ્ય)