થાણે: થાણેમાં પોલીસે 71.6 લાખ રૂપિયાના કથિત ફ્રોડના પ્રકરણમાં ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ પ્લૅટફોર્મના બે સહસ્થાપકની ધરપકડ કરી હતી. થાણેના મુંબ્રા પોલીસ સ્ટેશનમાં 16 માર્ચે નોંધાયેલા એફઆઈઆર બાદ રવિવારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કોઈનડીસીએક્સના સહસ્થાપકો સુમિત ગુપ્તા, નીરજ ખંડેલવાલ અને અન્યો વિરુદ્ધ છેતરપિંડી, વિશ્ર્વાસઘાત અને ઠગાઈના આરોપસર ગુનો નોંધ્યો હતો.
આ મામલે 42 વર્ષના ઈન્સ્યોરન્સ એડવાઈઝરે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો કે ક્રિપ્ટોકરન્સી પ્લૅટફોર્મ સાથે સંકળાયેલી એક કંપનીમાં રોકાણ સામે ઊંચા વળતરનું વચન આપીને ઑગસ્ટ, 2025થી આ વર્ષના માર્ચ સુધીમાં આરોપીએ 71.6 લાખ રૂપિયા પડાવ્યા હતા. તેને ફ્રેન્ચાઈઝીની તકની પણ ઑફર કરવામાં આવી હતી, એવું પોલીસે જણાવ્યું હતું.
આરોપીની વાતોમાં ભોળવાઈને ફરિયાદીએ અલગ અલગ સમયે રોકડ અને ઑનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા 71,60,015 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં વળતર તો ઠીક, ફરિયાદીને રોકાણ કરેલી રકમ પણ પાછી મળી નહોતી. વળી, ભંડોળની કથિત ઉચાપત કરાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
પ્રાથમિક તપાસ બાદ મુંબ્રા પોલીસે બન્ને આરોપીને શનિવારે બેંગલુરુથી તાબામાં લીધા હતા. મુંબઈ લાવીને ધરપકડ કર્યા બાદ રવિવારે બન્નેને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે બન્નેને એક દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હોવાનું મુંબ્રા પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અનિલ શિંદેએ જણાવ્યું હતું.
અધિકારીએ ઉમેર્યું હતું કે આ પ્રકરણે વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. આ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમમાં વધુ લોકોએ રોકાણ કર્યું છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. (પીટીઆઈ)