થાણે: મતદાર યાદીમાં ‘ખામી’ હોવાનું કહીને ચૂંટણી અધિકારીના સ્વાંગમાં બે સિનિયર સિટીઝન પાસેથી આશરે 16 લાખ રૂપિયા પડાવવાની સાયબર ફ્રોડની બે ઘટના થાણએ પોલીસમાં નોંધાઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ બન્ને એફઆઈઆર ચિતળસર પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. પહેલા કેસમાં 18 ઑગસ્ટે 71 વર્ષના ફરિયાદીને કૉલ આવ્યો હતો.
કૉલ કરનારા શખસે પોતાની ઓળખ ચૂંટણી અધિકારી તરીકે આપી હતી. ફરિયાદીના પિતાના નામમાં ‘ભૂલ’ હોવાનો દાવો કરીને આરોપીએ ઑનલાઈન વૉટર વેરિફિકેશનને નામે ફરિયાદીને એપીકે ફાઈલ ડાઉનલૉડ કરવાની ફરજ પાડી હતી. પછી ફરિયાદીના બૅન્ક ખાતામાંથી 8.89 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.
આ જ રીતની છેતરપિંડી 19 ઑગસ્ટે 75 વર્ષના ફરિયાદી સાથે થઈ હતી. આ કેસમાં ફરિયાદીને ઑફિશિયલ રેકોર્ડમાં પિતાના નામમાં સુધારો કરવા નેટ બૅન્કિંગથી પાંચ રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું હતું. પછી ફરિયાદીના ખાતામાંથી 6.84 લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સુસંગત કલમો અને ઈન્ફર્મેશન ટેક્નોલૉજી ઍક્ટ હેઠળ ગુનો નોંધી બન્ને કેસની તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)