(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (ઉત્તર)’ એક મોટો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોઈ તેના અમલીકરણમાં જટિલ કાનૂની મુદ્દાઓ, જવાબદારીઓ અને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી મુંબઈ મહાનગરપાલિકાએ આ તમામ અડચણોને માત આપવા માટે એક સમર્પિત કાયદાકીય સલાહકાર (લીગલ રિટેનર) નીમવાની છે.
ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ સાથે જોડાયેલા વર્સોવા-દહિસર-ભાયંદર કોસ્ટલ રોડને અમલીકરણ માટે સાત પેકેજોમાં વહેંચવામાં આવ્યો છે. પાલિકાના પ્રસ્તાવ મુજબ મુખ્ય પ્રધાન ઓફિસ દ્વારા આ પ્રોજેક્ટ પર નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે અને તેમાં અનેક હિતધારકો સામેલ છે, જેનાથી જટિલ કાનૂની મુદ્દાઓ, જવાબદારીઓ અને કૉન્ટ્રેક્ટરના દાવાઓ ઊભા થવાની શક્યતા રહેલી છે. આ મુદ્દાઓને દૈનિક ધોરણે સંભાળવા માટે પાલિકાએ પ્રોજેક્ટની શરૂઆતથી જ એક સમર્પિત કાયદાકીય સલાહકારની નિમણૂક કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
આ પ્રોજેક્ટ એફઆઈડીઆઈસી (ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ ક્ધસ્લટિંગ એન્જિનિયર્સ )ના આંતરરાષ્ટ્રીય કરાર ધોરણોને અનુસરે છે, તેથી કરાર સંબંધિત વિવાદો અને દાવાઓનું સમયસર નિરાકરણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. પાલિકાએ ભૂતપૂર્વ સંયુક્ત કાયદા અધિકારી પ્રીતિ પુરંદરેને ૧૪ મે, ૨૦૨૬ થી ૧૩ મે, ૨૦૨૭ સુધીના ૧૨ મહિનાના સમયગાળા માટે કાયદાકીય સલાહકાર તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેનો ખર્ચ પાલિકાને વાર્ષિક ૧૨ લાખ રૂપિયા થશે.
પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત કાયદાકીય સહાયમાં જમીન સંપાદન અને વળતરના વિવાદો, પર્યાવરણીય અને કોસ્ટલ રેગ્યુલેટરી ઝોન (સીઆરઝેડ) ની મંજૂરીઓ, મેન્ગ્રોવ્સ સંબંધિત મુદ્દાઓ, વૈધાનિક મંજૂરીઓ, યુટિલિટી (જાહેર સુવિધા) સ્થળાંતર, દરિયાઈ અને ખાડી સંબંધિત મંજૂરીઓ, ટેન્ડર અને કરાર સંબંધિત વિવાદો, કાર્યના વ્યાપમાં ફેરફાર અને વિવિધતાઓ, વિલંબ અને સમય-વિસ્તરણના દાવાઓ, કોન્ટ્રાક્ટરના દાવાઓ અને આર્બિટ્રેશન (લવાદ), તેમજ અદાલતો સમક્ષ સંભવિત મુકદ્દમાઓ સહિતની બાબતોનો સમાવેશ થવાની અપેક્ષા છે.
પ્રોજેક્ટ માટે પર્યાવરણીય મંજૂરીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે, જૂન ૨૦૨૬માં પાલિકાએ વળતરરૂપ વૃક્ષારોપણ અને સંરક્ષણ કાર્યો માટે મહારાષ્ટ્ર સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમએસએફડીસી) લિમિટેડની નિમણૂક કરી હતી. પ્રસ્તાવ હેઠળ, કરાંજડે (પનવેલ) ખાતે ૧૫ હેક્ટર જમીન પર ૧૫,૮૪૩ વૃક્ષો વાવવા અને સાત વર્ષ સુધી તેની જાળવણી કરવા માટે એજન્સીને ૧૨.૮૧ કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે.
પશ્ર્ચિમ ઉપનગરમાં ૧૬,૬૨૧ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર ૨૦ કિમી લાંબા વર્સોવા-દહિસર-ભાયંદર લિંક રોડનો ઉદ્દેશ્ય આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો છે. આ ઉપરાંત, વાહનવ્યવહારના પ્રવાહને વધુ સુધારવા માટે દહિસરને ભાયંદર સાથે જોડતો ૫.૬ કિમી લાંબો (૪૫ મીટર પહોળો) એલિવેટેડ રોડ ૩,૩૦૪ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટનું કામ ડિસેમ્બર ૨૦૨૮ સુધીમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મુસાફરીનો સમય ૯૦-૧૨૦ મિનિટથી ઘટાડીને ૧૫-૨૦ મિનિટ કરવાનો અને બળતણની બચત દ્વારા કાર્બન ઉત્સર્જનમાં પંચાવન ટકાથી ઘટાડો કરવાનો છે.