મુંબઈ: મહારાષ્ટ્રમાં હૃદયરોગના હુમલાની સમયસર ઓળખ અને સારવાર માટે ચાલી રહેલા સરકારી કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં લગભગ 58 લાખ ઈસીજી કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ આ તપાસ દરમિયાન 34,032 ગંભીર હૃદયરોગના હુમલાના કેસ એટલે કે સ્ટેમી કેસની ઓળખ થઈ છે. છેલ્લા સાત વર્ષના આ આંકડા રાજ્યમાં હૃદયરોગનું વધતું જતું જોખમ દર્શાવે છે.
મહારાષ્ટ્ર સરકારે 2020માં સ્ટેમી કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ યોજના હેઠળ સરકારી આરોગ્ય કેન્દ્રો અને ગ્રામીણ હોસ્પિટલોમાં કરવામાં આવેલા ઈસીજીનું નિષ્ણાતો દ્વારા દૂરથી વિશ્લેષણ કરવામાં આવે છે. ઈસીજીનો અહેવાલ સામાન્ય રીતે લગભગ ચાર મિનિટમાં નિષ્ણાત સુધી પહોંચે છે, જેના આધારે હૃદયરોગનો હુમલો હોવાની સ્થિતિમાં દર્દીને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં સ્થાનિક આરોગ્ય કેન્દ્રોને મોટા હૃદયરોગ સારવાર કેન્દ્રો સાથે જોડવામાં આવ્યા છે. દર્દીને નજીકની આરોગ્ય સુવિધા પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ જરૂરિયાત મુજબ વિશેષ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં હૃદયની નળીની તપાસ અને એન્જિયોપ્લાસ્ટી જેવી સારવાર કરવામાં આવે છે. આ વ્યવસ્થાનો ખાસ લાભ ગ્રામીણ વિસ્તારોના દર્દીઓને ઝડપી સારવાર મેળવવામાં થઈ રહ્યો છે.
આંકડા મુજબ 2025-26 દરમિયાન 23.39 લાખથી વધુ ઈસીજી કરવામાં આવ્યા હતા અને 13,097 ગંભીર સ્ટેમી કેસની ઓળખ થઈ હતી. ચાલુ નાણાકીય વર્ષમાં 27 સપ્ટેમ્બર 2026 સુધીમાં 15.38 લાખથી વધુ ઈસીજી કરવામાં આવ્યા છે અને 8,401 ગંભીર કેસ ઝડપાયા છે. શરૂઆતના વર્ષોની સરખામણીએ ઈસીજી તપાસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
રાજ્યમાં આ પહેલથી હૃદયરોગની સારવારનું નેટવર્ક પણ સતત વિસ્તર્યું છે. હાલમાં આ કાર્યક્રમ હેઠળ 2,415 આરોગ્ય કેન્દ્રોને સ્થાનિક તપાસ કેન્દ્ર તરીકે અને 96 હોસ્પિટલને વિશેષ સારવાર કેન્દ્ર તરીકે જોડવામાં આવ્યા છે. દર્દીઓને નિર્ધારિત સરકારી આરોગ્ય યોજનાઓ હેઠળ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જેવી સારવાર પણ મફત ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
દરમિયાન, મુંબઈમાં પણ હૃદયરોગના કારણે થતા મૃત્યુ અંગે ચિંતા વ્યક્ત થઈ છે. અહેવાલ મુજબ મુંબઈ મહાનગરપાલિકાના આંકડામાં શહેરમાં દરરોજ સરેરાશ 27 લોકોના હૃદયરોગના હુમલાથી મૃત્યુ નોંધાય છે.
આ સાથે અન્ય એક ત્રણ વર્ષના અભ્યાસમાં હૃદય સંબંધિત સારવાર કરાવતા દર્દીઓમાં લગભગ ચાર પૈકી એક દર્દીની ઉંમર 50 વર્ષથી ઓછી હોવાનું સામે આવ્યું છે, જે નાની ઉંમરે ગંભીર હૃદયરોગના વધતા જતા કેસના ચોંકાવનારા અહેવાલો પરથી સ્પષ્ટ થયું છે.