Tue May 26 2026

Logo

પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG ના ભાવમાં વધારો! 11 દિવસમાં ચોથો ઝટકો

2026-05-26 08:27:30
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: દેશમાં પ્રજા પર હવે રોજ ધીમો ધીમો પણ મોટો મોંઘવારીનો માર પડી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ બાદ હવે CNG ફરી એકવાર મોંઘુ થયું છે. આ વખતે ભાવમાં પ્રતિ કિલોગ્રામ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા સીએનજી દર આજે મંગળવારે સવારે 6 વાગ્યાથી અમલમાં આવ્યા છે. રાજધાની દિલ્હીમાં સીએનજીનો ભાવ 81.09 રૂપિયાથી વધીને 83.09 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે. છેલ્લા 11 દિવસમાં સીએનજીના ભાવમાં આ ચોથી વખત વધારો ઝીંકવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ભાવમાં કુલ રૂ.6  પ્રતિ કિલોનો વધારો થયો છે.

મળતી વિગતો અનુસાર, આજે ભલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી થયો, પરંતુ CNGના ભાવ ફરી વધ્યા છે. દિલ્હીમાં CNGના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 2નો વધારો થયો, જેના કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં CNGનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 83.09 ને આંબી ગયો છે. 

આજે સીએનજીના ભાવમાં જે વધારો કરવામાં આવ્યો છે તે ચોથી વખત થયો છે. આ પહેલા સીએનજીના ભાવમાં ત્રણ વખત વધારો કરવામાં આવ્યો હતો. 15મેના રોજ ભાવમાં સૌપ્રથમ 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 18 મેના રોજ ભાવમાં 1  રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 23 મેના રોજ ભાવમાં વધુ 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આજના ભાવ વધારાને પણ ગણી લઇએ તો સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 6 રૂપિયાનો વધારો થયો છે.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ એશિયાની યુદ્ધની અસરો ભારત સહિત અનેક દેશોમાં દેખાઈ રહી છે. તેના કારણે પેટ્રોલ અને ડીઝલથી લઈને સીએનજી સુધીની દરેક વસ્તુના ભાવમાં વધારો થયો છે. ભારત તેનો લગભગ તમામ પુરવઠો વિદેશથી આયાત કરે છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે ભારતના પુરવઠા પર અસર પડી છે. ક્રૂડ ઓઇલના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે, જે પ્રતિ બેરલ 100 ડોલરને વટાવી ગયા છે. યુદ્ધ પહેલા તે પ્રતિ બેરલ 70 ડોલરની આસપાસ હતા.