Sun May 31 2026

Logo

દેશના 11,000 કિમી લાંબા દરિયાકાંઠા પર આબોહવા સંકટનું જોખમઃ અહેવાલ

2026-05-31 15:50:00
Author: mumbai samachar team
Article Image

દરિયાકાંઠા પર આબોહવા સંકટ: ગુજરાત અને મહારાષ્ટ્રમાં તાપમાન વધવાની ચેતવણી

નવી દિલ્હી/મુંબઇઃ ભારતના દરિયાકાંઠાના પ્રદેશો, ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર, ગંભીર આબોહવા સંકટનો સામનો કરી રહ્યા છે. બેંગલુરુ સ્થિત અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત 'ઇન્ડિયન કોસ્ટલ રીજનઃ ક્લાઇમેટ પ્રોજેક્શન્સ ૨૦૨૧-૨૦૨૪' રિપોર્ટ અનુસાર ભારતના દરિયાકાંઠાના પ્રદેશો આબોહવા સંકટનો સામનો કરી રહ્યા છે. જે આગામી થોડા વર્ષોમાં લોકોના જીવન, આજીવિકા અને ઇકોસિસ્ટમને સંપૂર્ણ રીતે બદલી નાખશે.

મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશો મોટા પર્યાવરણીય પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઇ રહ્યા છે. મુંબઇના ઉપનગરોમાં ઉનાળાના મહત્તમ તાપમાનમાં ૧.૩ સેલ્સિયસનો વધારો થવાનો અંદાજ છે. આ વધતી ગરમી સાથે મોસમી વરસાદમાં પણ નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. પરિણામે મુંબઇના ઉપનગરોમાં લગભગ એક અઠવાડિયું વધુ ભારે વરસાદ પડવાની ધારણા છે, જ્યારે સુરત અને ભાવનગર જેવા જિલ્લાઓમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં અનુક્રમે ૨૩ ટકા અને ૨૪ ટકા વધુ વરસાદ પડશે.

ટૂંકા ગાળાના અનુમાનો(૨૦૨૧-૨૦૪૦) પર ધ્યાન કેન્દ્રિત કરતાં આ અભ્યાસ નીતિ નિર્માતાઓ અને સ્થાનિક સમુદાયો માટે કાર્યક્ષમ આંતરદ્રષ્ટિ પ્રદાન કરે છે. આ માટે સીએમઆઇપી૬ મોડેલ અનુમાનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને ચોકસાઇ વધારવા માટે પ્રાદેશિક પૂર્વગ્રહોને ધ્યાનમાં લઇને સુધારો કરવામાં આવ્યો છે.

અહેવાલમાં ચેતવણી છે કે અનુકૂલન માટે ઉપલબ્ધ સમય ઝડપથી ઘટી રહ્યો છે, કારણ કે નજીકના ભવિષ્યમાં ભારતના તમામ વહીવટી પ્રદેશોમાં ૧.૫ સેલ્સિયસ તાપમાન વૃદ્ધિની સીમા સુધી પહોંચવાની ધારણા છે. અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના સીઇઓ અનુરાગ બેહરના જણાવ્યા અનુસાર આબોહવા પરિવર્તન એ દૂરના ભવિષ્યનો પડકાર નથી-તે આજની વાસ્તવિકતા છે. વર્ષ ૨૦૪૦ હવે માત્ર ૧૪ વર્ષ દૂર છે.

તેમણે વધુમાં જણાવ્યું કે આ ડેટાસેટ આબોહવા પરિવર્તનની અસરોને વધુ તાકીદ સાથે આપણી સમક્ષ રજૂ કરે છે. તેમજ દર્શાવે છે કે આ સંકટનો સામૂહિક રીતે સામનો કરવા માટે આપણે આપણી માળખાગત સુવિધાઓ અને શાસન પ્રણાલીઓનું પુનગર્ઠન કેવી રીતે કરવું જોઇએ.