Sun Jun 07 2026

Logo

ચારધામ યાત્રામાં તૂટ્યા રેકોર્ડ! 31 લાખ શ્રદ્ધાળુએ કર્યાં દર્શન, પણ સેંકડોએ ગુમાવ્યા જીવ

2026-06-07 18:15:00
Author: mumbai samachar team
Article Image

પુરુષોત્તમ માસને કારણે હરિદ્વારની ધર્મશાળાઓ પણ હાઉસફૂલ

હરિદ્વારઃ એપ્રિલ મહિનામાં શરૂ થયેલી ચારધામની યાત્રામાં ભાવિકોની ભીડ દિવસે-દિવસે વધી રહી છે. ગત વર્ષ કરતા આ વર્ષે ભાવિકો વધુ આવ્યા હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આજે સત્તાવાર અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં લગભગ પંચાવન દિવસમાં કુલ 31 લાખથી વધારે તીર્થયાત્રીઓ ચારધામના દર્શન કરી ચૂકયા છે. પણ દુઃખની વાત એવી પણ છે કે, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા અને અન્ય કારણોસર 161 શ્રદ્ઘાળુઓનાં મૃત્યુ પણ થયા છે. ઉત્તરાખંડ ઈમરજન્સી સેન્ટરના એક રિપોર્ટમાં આ વિષય પર વિગતવાર જાણકારી જાહેર કરવામાં આવી છે. 

ક્યા ધામમાં કેટલા ભાવિકો આવ્યા?
22 એપ્રિલના રોજ કેદારનાથના કપાટ ખુલ્યા બાદ કેદારનાથમાં સૌથી વધારે શ્રદ્ધાળુંઓ પહોંચ્યા હતા, જેની સંખ્યા 11,05,676 સુધી પહોંચી છે. 23 એપ્રિલે બદ્રીનાથ ધામના કપાટ ખૂલ્યા હતા, જ્યાં દર્શનાથીઓનો આંકડો 9,08,619 સુધી પહોંચ્યો છે. અન્ય મંદિરની વાત કરવામાં આવે તો યુમનોત્રી મંદિરમાં 5,07,421, ગંગોત્રી મંદિરમાં 5,28,406 તથા હેમકુંડ સાહિબમાં 55,411 શ્રદ્ધાળુઓએ શીશ નમાવીને દર્શન કર્યા છે. ગૌમુખ પહોંચીને ગંગાના ઉત્પતિ સ્થાનના દર્શન કરનારા 4697 ભાવિકોને ગંગોત્રી દર્શનના ભાવિકોમાં આવરી લેવાયા છે. ચારધામના દર્શનને લઈને આ વર્ષે ભાવિકોનો ઉત્સાહ સાતમા આસમાને છે. ઘણા પરિવારો પોતાનું વાહન લઈને હરિદ્વાર બેઝકેમ્પ પહોંચી રહ્યા છે. 

અત્યાર સુધીમાં કેટલા વાહનો આવ્યા?
5511 વાહનોમાં 61,262 યાત્રીઓ એક દિવસમાં અહીં પહોંચ્યા હતા. આ આંકડો શનિવારનો છે. એપ્રિલ મહિનામાં ચારધામના મંદિરોના દ્વાર ખૂલ્યા બાદ અત્યાર સુધીમાં કુલ 289,918 વાહનોએ નિશ્ચિત કરેલા ચારધામના રૂટનો ઉપયોગ કર્યો છે. વહીવટીતંત્રએ દરેક વાહનોની મૂવમેન્ટ અને ટ્રાફિક ન થાય એ માટે ખાસ તકેદારી લીધી છે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે યમુનોત્રીના રૂટ પર સૌથી વધારે શ્રદ્ધાળુઓના મૃત્યુ નીપજ્યા છે.


દુર્ગમ રસ્તો, ચઢાણ, પહાડી રસ્તાઓ હોવાને કારણે અનેક શ્રદ્ધાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ જ રૂટ પર 78 ભાવિકોના જીવ ગયા છે. જ્યારે બદ્રીનાથમાં 20 અને કેદારનાથમાં 47 શ્રદ્ધાળુઓના જીવ ગયા છે. બીજી તરફ ગંગોત્રીમાં 16 લોકોના મોત નીપજ્યા છે. વહીવટી તંત્ર તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે કે, હેલ્થચેક અપ કરાવીને જ ચારધામની યાત્રા શરૂ કરો. આ ઉપરાંત હરિદ્વારમાં પણ બેઝકેમ્પ ખાતે ચેકઅપ પોઈન્ટ આપવામાં આવ્યો છે. 

હરિદ્વારમાં પણ 'હાઉસફૂલ'
બીજી તરફ પવિત્ર પુરૂષોત્તમ માસ ચાલી રહ્યો હોવાને કારણે અનેક એવા પરિવારો હરિદ્વાર પિતૃ મોક્ષાર્થે કથા માટે આવી રહ્યા છે. માત્ર ચારધામની આસપાસના સ્ટેહોમ્સ જ નહીં હરિદ્વારમાં મોટી ગણાતી ધર્મશાળાઓ પણ હાઉસફૂલ છે. સ્થાનિકો ત્યાં સુધી કહી રહ્યા છે કે, દિલ્હીથી આ વખતે વીકએન્ડમાં આવતા લોકોની સંખ્યા ઘટી છે પણ અન્ય રાજ્યમાંથી ગંગા કિનારે દર્શન કરવા આવતા લોકોની સંખ્યા વધી છે. 


ખાસ કરીને અહીંયા આવીને સપ્તાહ કે કથા કરનારા લોકોની સંખ્યા પુરૂષોત્તમ મહિનો હોવાને કારણે એકાએક વધી ગઈ છે. આ પરિવારોમાંથી મોટાભાગ યાત્રીઓ માત્ર હરિદ્વાર દર્શન કરીને પરત ફરે છે જ્યારે ઘણા ઓછા પરિવાર ચારધામ માટે રવાના થાય છે.