ભરત ભારદ્વાજ
અયોધ્યા રામ મંદિરમાં ચોરીના કેસમાં અંતે મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાજીનામું આપી દેવું પડ્યું. રાય ઉપરાંત ડો. અનિલ મિશ્રાએ પણ રાજીનામું ધરી દીધું છે જ્યારે મંદિર નિર્માણના પ્રભારી ગોપાલ રાવને પણ ગડગડિયું આપી દેવાયું છે. રામમંદિરના દાનની ચોરીના કેસની તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારે 13 જૂને રચેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સિટ)એ 23 જૂને અધિક મુખ્ય સચિવ (ગૃહ) સંજય પ્રસાદને પ્રારંભિક રિપોર્ટ સોંપ્યા તેના આધારે ગુરૂવારે મોડી સાંજે પહેલી એફઆઈઆર નોંધવામાં આવ્યો.
તેમાં ચંપત રાય, ડો. અનિલ મિશ્રા અને અન્ય ટોતના પદાધિકારીઓના નામ નહોતાં. તેના બદલે રોકડની ગણતરી કરનારા આઠ સામાન્ય કર્મચારીને આરોપી બતાવીને જેલભેગા કરી દેવાયા હતા. આ કારણે ચંપત રાય સહિતનાં મોટાં માથાંને બચાવી લેવાનો તખ્તો ગોઠવાઈ ગયો હોવાની ગુસપુસ શરૂ થઈ ગયેલી ત્યાં જ શુક્રવારે બપોરે ચંપત રાયનું રાજીનામું પડી ગયું.
ચંપત રાયને અત્યાર લગી પ્રામાણિકતાનું પૂતળું ગણાવાતા હતા ને અચાનક તેમને રાજીનામાની ફરજ કેમ પડાઈ એ ખબર નથી પણ ચંપત રાયની હરકતો શંકાસ્પદ છે જ તેથી તેમને હટાવવામાં કશું ખોટું નથી. ચંપત રાયને દૂધે ધોયેલા સાબિત કરવા માટે એવા દાવા કરાય છે કે, ચંપત રાય ચાર દાયકાથી રામ જન્મભૂમિ ચળવળ સાથે જોડાયેલા છે અને ઘરબાર છોડીને રામમંદિર માટે જ તેમણે જીવન સમર્પિત કરી દીધું છે. ચંપત રાયનું પોતાનું બેંકમાં ખાતું પણ નથી તેથી ઘાલમેલ કે ગરબડ ગોટાળા કરીને એ શું કરવાના ?
આ વાતો તાર્કિક નથી ને વાસ્તવિક પણ નથી. ઘરબાર નહીં પણ સંસાર પણ છોડીને દાવા કરી રહેલા બાવાઓ કેવા ધંધા કરે છે એ આપણે જોયેલું જ છે. ને ચોરી કરીને ઘર ભરવું હોય તેને બેંક ખાતાંની જરૂર નથી પડતી. કોઈ વ્યક્તિ ચાર દાયકાથી ભગવાન રામના મંદિરની ચળવળ સાથે જોડાયેલી હોય એ કારણે જ ચોરી ના કરે એ દલીલ તો વાહિયાતપણાની ચરમસીમા જેવી છે.
આ બધી દલીલોના કારણે ચંપત રાયે કશું ખોટું નથી કર્યું એવું સાબિત નથી જ થતું ને છતાં આપણે માની લઈએ કે, ચંપત રાયે એક પૈસાની ઘાલમેલ નથી કરી તો પણ નૈતિક જવાબદારીનું શું ? ચંપત રાયને ભગવાન રામના મંદિરનો આર્થિક વહીવટ સોંપાયો પછી મંદિરમાં એક પૈસાની ચોરી ના થાય કે કોઈ ભ્રષ્ટાચાર ના થાય એ જોવાની જવાબદારી ચંપત રાયની હતી પણ ચંપત રાયે આ જવાબદારી ના નિભાવી. બલ્કે ચંપત રાયે ચોરોને છાવર્યા અને જેમણે ચોરી સામે અવાજ ઉઠાવ્યો તેમને તગેડી મૂક્યા એ જોતાં ચંપત રાય ચોખ્ખાચણાક તો નથી જ.
ચંપત રાયે ચોરોને છાવર્યા હોવાના આક્ષેપો વિપક્ષે કે બીજા કોઈએ નથી કર્યા પણ મંદિરના આર્થિક વહીવટ સાથે સંકળાયેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક મહિપાલસિંહે જ કર્યા છે. ફેબ્રુઆરી 2021થી જુલાઈ 2022 સુધી રામ મંદિરના અકાઉન્ટ ઓફિસર રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક મહિપાલસિંહે આક્ષેપ કર્યો છે કે, મંદિરમાં 2021થી ચોરી થઈ રહી છે પણ ચંપત રાયને ચોરી રોકવામાં રસ જ નહોતો. મહિપાલ સિંહે તો ચોંકાવનારો દાવો કર્યો છે કે, મંદિરમાં ચોરી રોજ થતી અને મેં પોતે ચોરી પકડીને ચંપત રાય અને સભ્ય ગોપાલજીને ફરિયાદ કરતાં જ બીજા જ દિવસે ચંપત રાયે મને તગેડી મૂકેલો.
મહિપાલ સિંહે એવો આક્ષેપ પણ કર્યો છે કે, રામમંદિરમાં દાનમાં આવતા સોના-ચાંદીનો કોઈ લેખિત રેકોર્ડ રખાતો નથી. મંદિરને મળતા સોના-ચાંદી સહિતના ધાતુના દાનના ફોટો લઈને બધું ચંપત રાયને મોકલી દેવાતું હતું. રામપ્રસાદયાદવ ઉર્ફે ટીન્નુ આવીને બધું લઈ જતો પછી બધું ક્યાં જતું તેની કોઈને ખબર નથી. ટીન્નુ દાનની રોકડ રકમ બેંકમાં જમા કરાવવા જતો. દરરોજ કેટલી રકમ જમા થાય છે તેનો રેકોર્ડ રાખવા વાઉચર પર ટીન્નુની સહી લેવાની સિસ્ટમ પણ ચંપત રાયે બંધ કરાવી દીધી હતી.
આ તો સીધા નામજોગ આક્ષેપો જ છે પણ ચંપત રાયની બીજી હરકતો પણ વખાણવા જેવી નથી જ. ચોરીનો આક્ષેપ થયો ત્યારે પહેલાં તો ચંપત રાયે કોઈ ગરબડ થઈ જ હોવાનો ઈનકાર કરી દીધેલો. ભાજપના ડો. રજનીશ સિંહે પીએમઓને બે વાર કાગળ લખ્યો ને મીડિયામાં વાત આવી ગઈ તેથી પગ તળે રેલો આવ્યો એ પછી પણ ચંપત રાય તો ચોરી નથી જ થઈ એવું વાજું જ વગાડતા હતા. બહુ હોહા થઈ પછી ઉત્તર પ્રદેશ સરકારે સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સિટ) રચી છતાં રાયના તેવર નરમ નહોતા પડ્યા. પીએમઓએ આર્થિક બાબતોના રેકોર્ડ મંગાવ્યા ત્યારે ચંપત રાયે એવું વાહિયાત બહાનું કાઢીને ના પાડી દીધી કે, તપાસ ચાલુ હોવાથી રેકોર્ડ આપી શકાય તેમ નથી.
ભારતની પ્રજાએ ચૂંટેલા વડાપ્રધાનની ઓફિસને તમે આવો વાહિયાત જવાબ આપો તેનાથી વધારે તુમાખી શું કહેવાય ? આ તુમાખી જ ચંપત રાયને નડી ગઈ ને રાજીનામું ધરી દેવું પડ્યું. જો કે રાયના રાજીનામાથી આ પ્રકરણ પતવું ના જોઈએ. ચંપત રાયની ભૂમિકાની ને ચંપત રાયે ટીન્નુ યાદવ કે બીજા ચોરોને કેમ છાવર્યા તેની તપાસ થવી જ જોઈએ. રાયે સીધો કોઈ ભ્રષ્ટાચાર ના કર્યો હોય તો પણ એ ચોરીની ફરિયાદ પછી પણ તેમણે યોગ્ય પગલાં કેમ ના લીધાં તેનો ખુલાસો પણ માંગવો જ જોઈએ. મહિપાલસિંહે ચોરીમાં બીજા પદાધિકારીઓ સામેલ હોવાનો આક્ષેપ પણ કર્યો છે એ જોતાં બીજા પદાધિકારીઓની ભૂમિકાની તપાસ પણ થવી જ જોઈએ.
આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે ચંપત રાયે ભૂતકાળમાં જમીન કૌભાંડ કર્યાં હોવાનો સનસનાટીભર્યો આક્ષેપ પણ કર્યો છે. સિંહનો દાવો છે કે, જૂન 2021 માં અયોધ્યામાં બે કરોડ રૂપિયામાં ખરીદાયેલી જમીન થોડી મિનિટો પછી જ ટ્રસ્ટે રૂપિયા 18.5 કરોડમાં ખરીદીનેમોટું કૌભાંડ કર્યું હતું. શાહનવાઝપુર માઝા ગામમાં ટ્રસ્ટે 14,730 ચોરસ મીટર જમીન માટે પંચાવન કરોડથી વધારે રકમ ચૂકવી હતી જ્યારે વાસ્તવિક કિમત નવ કરોડ જ છે. જમીન વેચનારો બંસલ પરિવાર છે ને ચંપત રાય પણ બંસલ હોવાથી રાયે સગાંને ફાયદો કરાવ્યાના આક્ષેપ થઈ રહ્યા છે. આ બધા આક્ષેપોની તપાસ પણ થવી જ જોઈએ કેમ કે આ આક્ષેપો પણ ગંભીર જ છે.
ભગવાન રામનું મંદિર કરોડો હિંદુઓની આસ્થાનું કેન્દ્ર છે. રામમંદિરમાં ચોરી દ્વારા આ આસ્થા પર પ્રહાર કરાયો છે ત્યારે ફરી આ આસ્થા સ્થાપિત કરવાની જવાબદારી રામમંદિર ટ્રસ્ટ અને યોગી આદિત્યનાથ સરકારની છે. ઉત્તર પ્રદેશમાં માર્ચ, 2027માં વિધાનસભાની ચૂંટણી હોવાથી હિંદુઓ નારાજ ના થાય એટલે અત્યારે નાની માછલીઓને અંદર કરી દેવાય ને મોટાં માથાંને છટકી જવા દેવાય એવું ના થવું જોઈએ.