હેમા શાસ્ત્રી
આપણા દેશમાં નામવંત હસ્તીઓ એટલે કે સેલિબ્રિટીસ પોતાના ચાહકોની દિલની ધડકનમાં કે દિમાગના તરંગોમાં સ્થાન ટકાવી રાખવા-મજબૂત બનાવવા જે કેટલીક કોશિશ કરતા હોય છે એમાંનો એક પ્રયત્ન હોય છે સોશ્યલ મીડિયા પોસ્ટિંગનો. રાજકારણી કે સ્પોર્ટ્સ પર્સન-બિઝનેસમેન અથવા ફિલ્મ સ્ટાર્સ કે અન્ય ક્ષેત્રની નામાંકિત હસ્તીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, `એક્સ', લિન્ક્ડ ઈન કે રેડિટ જેવાં પ્લૅટફૉર્મનો ઉપયોગ કરતી હોય છે.
ક્યારેક કોઈ સારા સમાચાર શૅર કરવા કે કોઈ બળાપો-હૈયાવરાળ વ્યક્ત કરવા કે પોતાના નિર્ણય-ઇરાદો જાહેર કરવા, ચાહકો અને લાગતા વળગતા સુધી પહોંચાડવા આ કોશિશો કરવામાં આવતી હોય છે. સેલિબ્રિટીના ચાહકો અથવા લાગતાવળગતા લોકો સુખે સુખી, દુ:ખે દુ:ખી કે માહિતીથી વાકેફ થતા હોય છે.
તાજેતરમાં અમિતાભ બચ્ચન અને 1980-90ના દાયકામાં હિન્દી ફિલ્મોની હીરોઈન તરીકે પ્રભાવ પાડનારી મીનાક્ષી શેષાદ્રીએ સોશ્યલ મીડિયાના માધ્યમ મારફત પોતાની વાત પહોંચાડવાની પ્રભાવી કોશિશ કરી છે. અલબત્ત, બંનેની વાતનું કોઈ કનેક્શન નથી, પણ સોશ્યલ મીડિયામાં અનેક પ્રતિક્રિયાઓ જોવા જરૂર મળી છે.
સ્ટાર ઑફ ધ મિલેનિયમ- સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની વાત પહેલાં જાણીએ. મહદઅંશે `એક્સ' અને પોતાના બ્લૉગ જેવા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરતા બિગ બી 50 મિલિયન ફૉલોઅર્સ સાથે `એક્સ' પ્લૅટફૉર્મ પર નંબર વનના સ્થાન પર છે. ઇન્સ્ટાગ્રામ પર એમના અનુયાયીઓની સંખ્યા ઓછી છે, કારણ કે આ પ્લૅટફૉર્મ પર યંગસ્ટર્સની ભીડ વધારે હોય છે.
તાજેતરમાં અમિતજી બીમાર છે અને હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે એ મતલબના અહેવાલ સોશ્યલ મીડિયા પર સડસડાટ વહેતા થયા હતા. એમને પેટની તકલીફ હોવાથી કામમાં વિરામ-વિશ્રાંતિ લેવાં પડશે એવી અટકળો પણ વ્યક્ત કરવામાં આવી હતી. હા, મિસ્ટર બચ્ચન હૉસ્પિટલ ગયા હતા એ વાત સાચી, પણ 16 મેના દિવસે એમને ઍડ્મિટ કરવા પડ્યા હતા એ ગપગોળાથી વિશેષ કશું જ નહોતું. આ અફવાનું ખંડન કરવું અમિતજી માટે એટલે જરૂરી હતું કે એમના ચાહકો વિશાળ સંખ્યામાં છે અને એમની માંદગીના સમાચારથી એ લોકો ટેન્શનમાં આવી જાય.
જોકે, સાથે એ વાત પણ એટલી જ મહત્ત્વ ધરાવે છે કે બિગ બી એક કલાકાર તરીકે વ્યસ્ત છે. જૂજ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે, અમુક ફિલ્મો માટે વાતચીત ચાલી રહી છે, `કૌન બનેગા કરોડપતિ' શો કરી રહ્યા છે અને કેટલીક પ્રોડક્ટની ઍડ્વર્ટાઇઝમેન્ટમાં પણ એમની હાજરી હોય છે. હવે જો માંદગીના સમાચાર વાયુવેગે ફેલાય અને એનું ખંડન ન થાય તો અનેક લોકો એ વાત સાચી માની લે અને એની સીધી અસર એમના કામ પર પડી શકે છે.
વાતની ગંભીરતા સમજી બિગ બીએ પોતાના આગવા અંદાજમાં પોતાના બ્લૉગ પર હિન્દીમાં પ્રતિક્રિયા આપી : `चील जब होवे शांत तो भैया, तोते बोलन शुरु करे. इर बीर फत्ते, कहन, चल, हमऊ, पिलावे सुरु करें. बाजरे दी रोटी खा दी, फू पडियों दा, साग रे, मुंह में डालन लागै जैसे, बोलन लागे काग रे!'
આમ મિસ્ટર બચ્ચને હૉસ્પિટલમાં દાખલ થવાની કે માંદગીની અફવાઓ વિશે સીધો ઉલ્લેખ કરવાનું ટાળ્યું, પણ સમજદાર કો ઇશારા કાફી હોતા હૈ એ ન્યાયે એમને ફૉલો કરતા લોકોએ એમની રજૂઆતને વિવાદ સાથે સાંકળી દીધી. ચીલ પક્ષી એટલે સમડી-આકાશમાં ઊંચી ઉડાન ભરતું પક્ષી. સમડી જ્યારે શાંત થાય ત્યારે પોપટ (બડબડિયા લોકો) બોલવાનું શરૂ કરી દે છે. પોપટને અફવા ફેલાવનારા લોકો સાથે સરખાવવામાં આવ્યો છે.
આગળ અમિતજીએ વાતનું વતેસર કરતા લોકોને કાગડાની કર્કશ વાણી કા... કાકા સાથે સરખાવ્યા છે. 83 વર્ષની ઉંમરે સતત પ્રવૃત્ત રહેતા અમિતાભ બચ્ચન ફિટનેસ અને શિસ્ત માટે એક અનન્ય ઉદાહરણ છે. આગવા અંદાજમાં માંદગીની અફવાનું ખંડન કરતાં મહાનાયકના કરોડો ચાહકોને તો રાહત થઈ છે, એમની સાથે કામ કરી રહેલા અને કરવા માગતા લોકો પણ ખુશ થયા છે.
બીજી તરફ, સાઉથની ભાષાની ફિલ્મથી શરૂઆત કરી હિન્દી ફિલ્મોમાં સ્થાયી થઈ નામના મેળવનારી અભિનેત્રીઓની યાદી ખાસ્સી લાંબી છે. વૈજ્યંતિમાલાથી રશ્મિકા મંદાના સહિત અનેક નામ યાદ આવી જાય. જોકે, તમિળ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી અને ભરતનાટ્યમ, કુચીપુડી, કથક જેવાં શાસ્ત્રીય નૃત્યોની તાલીમ મેળવી મીનાક્ષી શેષાદ્રી 17 વર્ષની ઉંમરે મિસ ઇન્ડિયા બ્યુટી કૉન્ટેસ્ટ જીતી હોવાથી ફિલ્મમેકરોની નજરમાં આવે એ સ્વાભાવિક કહેવાય.
1960-'70ના દાયકાના અગ્રણી અભિનેતા અને ફિલ્મમેકર મનોજકુમારની `પેઇન્ટર બાબુ' (1983)થી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશી અને એ જ વર્ષના અંતમાં રિલીઝ થયેલી સુભાષ ઘઈની `હીરો'થી હિરાઇન તરીકે ડિમાન્ડમાં આવી ગઈ. 1984 - 1994 દરમિયાન 65 ફિલ્મો કરી. એટલું જ નહીં, અમિતાભ બચ્ચન, વિનોદ ખન્ના, જિતેન્દ્ર, રિશી કપૂર, અનિલ કપૂર, સંજય દત્ત, મિથુન ચક્રવર્તી, ગોવિંદા જેવા અગ્રણી અભિનેતાની હિરોઇન બનવાની તક મળી.
હિન્દી ફિલ્મોથી શરૂઆત કર્યા પછી તેણે સાઉથની (તમિળ-તેલુગુ ભાષાની) ફિલ્મો પણ કરી. રાજકુમાર સંતોષીની `દામિની' (1993)થી અભિનયની ઊંચાઈ સર કરનારી મીનાક્ષી સંતોષીની જ `ઘાતક' (1996) પછી લગ્ન કરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આવજો કરી યુએસ જતી રહી. હવે 30 વર્ષ પછી મીનાક્ષી ફરી અભિનય કરવા થનગની રહી છે અને એની જાણ કરવા તેણે સોશ્યલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ)ની મદદ લીધી છે.
`ત્રીસ વર્ષના લાંબા ગાળા પછી હું મારી કર્મભૂમિ મુંબઈ આવી છું,' મોકળા મનથી વાત કરી મીનાક્ષી જણાવે છે, ફરીથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય થવાની આશા-ઇચ્છા રાખું છું. અર્થપૂર્ણ ભૂમિકા કરવી છે. પછી એ નાયિકાની હોય કે સપોર્ટિંગ રોલ હોય કે નાની અમથી ભૂમિકા હોય, મારી તૈયારી છે. ફિલ્મ હોય કે ઓટીટી પ્લૅટફૉર્મ, મારે કામ કરવું છે. પડકારરૂપ રોલ મળે એવી ઇચ્છા છે. અત્યાર સુધી કેટલાક લોકોએ મારો સંપર્ક પણ કર્યો છે.
જોકે, કેટલીક ઑફરોમાં દમ નહોતો અને જે કરવા હું તૈયાર હતી એ પ્રોજેક્ટ શરૂ જ ન થઈ શક્યા. જોકે, મારે જે પણ કોશિશ કરવી છે એ પોતાના જોરે જ, કોઈ એજન્સીની મદદ નથી લેવી. પરિવાર તરફથી મળેલું પ્રોત્સાહન અને તમારા બધાનો પ્રેમ અને સપોર્ટ મને આગળ વધવામાં મદદરૂપ થશે એની મને ખાતરી છે. મારે કશું સાબિત નથી કરવું, બલકે નવેસરથી કરિયર એન્જૉય કરવી છે.
મીનાક્ષીના આ દૃઢ સંકલ્પમાં સોશ્યલ મીડિયાનો સથવારો મહત્ત્વ ધરાવે છે એ હકીકત છે. અમિતાભ બચ્ચન-મીનાક્ષી શેષાદ્રી ચાર ફિલ્મમાં સાથે જોવા મળ્યાં છે: `શહેનશાહ', `ગંગા જમુના સરસ્વતી', `તૂફાન' અને `અકેલા'. જોકે, `અકેલા'માં મીનાક્ષીની જોડી જેકી શ્રોફ સાથે હતી. મીનાક્ષીની કમબૅકની ઇચ્છા જાણ્યા પછી કોઈ ફિલ્મમેકર અમિતાભ બચ્ચન-મીનાક્ષી શેષાદ્રીની જોડી ધ્યાનમાં રાખી ઑફબીટ ફિલ્મ બનાવવા તૈયાર થાય ખરો?
આ જુગાર રમવા જેવો ખરો...