અમદાવાદઃ સાસણ ગીર-અમરેલી વિસ્તારમાં સિંહના મૃત્યુના અહેવાલોએ ફરી 2018ની સીડીવી વેક્સિનની યાદ અપાવી છે. વર્ષ 2018માં સિંહોને કેનીન ડિસ્ટેમ્પર વાયરસ (સીડીવી)થી રક્ષણ આપવા વેક્સિન બનાવવાની જાહેરાત થઈ હતી, પરંતુ તે હજુ બની ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
વર્ષ 2018માં પણ સીડીવીને કારણે 20 કરતા વધુ સિંહ મૃત્યુ પામ્યા હોવાના અહેવાલ બહાર આવ્યા હતા. ત્યારબાદ રાજ્ય સરકારે વેક્સિન વિકસાવવાની જાહેરાત કરી હતી.
તે સમયે આ રોગચાળાના કારણે વન વિભાગને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી તાત્કાલિક વેક્સિનના ડોઝ આયાત કરવા અને આઈસોલેટેડ સિંહોને રસી આપવાની ફરજ પડી હતી ત્યારબાદ કાયમ માટેના ઉકેલ તરીકે વેક્સિન વિકસાવવા અંગે ચર્ચા થઈ હતી.
રોગચાળાના ફાટી નીકળ્યા પછી, ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ને ગીરના સિંહોને અસર કરતી સીડીવી સ્ટ્રેન માટે સ્વદેશી વેક્સિન વિકસાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સિંહોમાં ફેલાતા વાયરસ હાલમાં ઉપલબ્ધ વેક્સિનમાં વપરાતા સ્ટ્રેનથી લગભગ 6% અલગ હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે સ્થાનિક સ્તરે ફોર્મ્યુલેશન વિકસાવવામા આવે તે જરૂરી છે.
એક ભૂતપૂર્વ મુખ્ય વન સંરક્ષકના જણાવ્યા અનુસાર 2020માં વેક્સિન ટ્રાયલ તબક્કામાં હોવાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે વિકસાવવામાં આવતી વેક્સિનનો એક જ ડોઝ કામ કરી જાય તેવી શક્યતા છે જ્યારે આયાત કરવામાં આવતી વેક્સિનના ઘણા ડોઝ આપવા પડે છે.
તેમણે કહ્યું કે એવું સૂચવવામાં આવ્યું છે કે સ્વદેશી ફોર્મ્યુલેશન સંભવિત રીતે એક જ ડોઝ તરીકે આપવામાં આવી શકે છે, આયાતી રસીઓથી વિપરીત, જેમાં બહુવિધ ડોઝની જરૂર હોય છે. છેલ્લે વેક્સિન મામલે જીબીઆરસીએ 2023-2024માં પોતાના રિપોર્ટમાં ઉલ્લેખ કર્યો હતો. તાજેતરમાં થયેલા લગભગ 10 કરતા વધારે સિંહના મોતનું કારણ પણ સીડીવી અને બેબેસિયા હોવાનું માનવામા આવે છે. આ અંગેનો અહેવાલ હજુ બહાર આવ્યો નથી.
આ મામલે અધિકારીઓ સાથે સીધો સંપર્ક થઈ શક્યો ન હતો.