Sun Sep 13 2026

Logo

રસ્તા પર આગ લગાડી જન્મદિન ઊજવનારા કારડીલરની ધરપકડ

2026-04-27 19:19:00
Author: Yogesh C. Patel
રસ્તા પર આગ લગાડી જન્મદિન ઊજવનારા કારડીલરની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પોતાનો 33મો જન્મદિન ઊજવવા ગોરેગામમાં રસ્તા પર પેટ્રોલ રેડીને આગ લગાડનારા કારડીલરની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીએ બનાવેલી રીલ સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે તેની ગંભીર નોંધ લીધી હતી.

ગોરેગામ પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ ફહદ ખલીલ સમશુદ્દીન શેખ (33) તરીકે થઈ હતી. જોગેશ્ર્વરી પશ્ર્ચિમના મલકામબાગ પરિસરની ક્રિસ્ટ લાઈટ્સ ઈમારતના 10મા માળે રહેતો શેખ કારડીલર હોવાનું પોલીસનું કહેવું છે.

શેખનો 25 એપ્રિલે 33મો જન્મદિન હતો. સોશ્યલ મીડિયા પર લાઈક્સ મેળવવા માટે તેણે 24 એપ્રિલની મધરાતે 12 વાગ્યા પછી આવું ગતકડું કર્યું હોવાનું કહેવાય છે.

ગોરેગામ પશ્ર્ચિમમાં રામ મંદિર રોડ પર તેણે કાર પાર્ક કરીને રસ્તા પર પેટ્રોલ રેડ્યું હતું. પેટ્રોલ એ રીતે રેડ્યું હતું કે રસ્તા પર તેત્રીસનો આંક દેખાય. પછી તેણે દીવાસળીથી આગ લગાવી હતી. આ કૃત્યનો તેણે વીડિયો પર બનાવ્યો હતો. બાદમાં ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.

કહેવાય છે કે સતર્ક નાગરિકે મુંબઈ પોલીસના ટ્વિટર હેન્ડલ પર વીડિયો મોકલાવી કાર્યવાહીની માગણી કરી હતી. પોલીસે આ રીતે પોતાના અને બીજાના જાનને જોખમ ઊભું કરનારું કૃત્ય કરવા બદલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તપાસ બાદ પોલીસે શેખને તાબામાં લીધો હતો.