Tue Jun 23 2026

Logo

ટચૂકડા દેશ કેપ વર્ડેએ ઐતિહાસિક પ્રથમ વર્લ્ડ કપ ગોલ ભૂતપૂર્વ ચેમ્પિયન ઉરુગ્વે સામે કર્યો

Miami   2026-06-22 12:51:00
Author: Ajay Motiwala
Article Image

આજે રાત્રે 10.30 વાગ્યાથી મેસીના આર્જેન્ટિનાની બીજી મૅચ

માયામી: પશ્ચિમ આફ્રિકામાં ફક્ત 6 લાખની વસ્તી ધરાવતા કેપ વર્ડે (કેબો વર્ડે) નામના ટચૂકડા દેશે આ વખતના વર્લ્ડ કપમાં પહેલી જ વખત ભાગ લીધો અને બે સનસનાટીભર્યા ડ્રો મૅચના પરિણામ સાથે ફૂટબૉલ જગતને ચોંકાવી દીધું છે. એટલું જ નહીં, આ નાનકડા દેશે સોમવારે પહેલી જ વખત વર્લ્ડ કપ ગોલ પોતાના નામે કર્યો હતો.

ગ્રૂપ-જેમાં આજે (રાત્રે 10.30 વાગ્યાથી) ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના અને ઑસ્ટ્રીયા વચ્ચે મુકાબલો છે. બંને ટીમ ત્રણ-ત્રણ પોઇન્ટ સાથે ગ્રૂપમાં મોખરે છે. ગયા અઠવાડિયે મેસીએ હૅટ-ટ્રિક ગોલ સાથે આર્જેન્ટિનાને આ વર્લ્ડ કપમાં પહેલો વિજય 3-0થી અપાવ્યો હતો.

કેપ વર્ડે (Cape Verde)એ થોડા દિવસ પહેલાં ભૂતપૂર્વ ચેમ્પિયન્સ સ્પેન સામેની મૅચ 0-0થી ડ્રોમાં કરી હતી. સોમવારે કેપ વર્ડેએ બીજા ભૂતપૂર્વ ચેમ્પિયન ઉરુગ્વે (Uruguay) સામેની મૅચ 2-2થી ડ્રોમાં લઈ જઈને 96 વર્ષના આ વર્લ્ડ કપના ઇતિહાસમાં પોતાનું સ્થાન જમાવવાની શરૂઆત કરી હતી.

એક મૅચના બંને ગોલકીપર 40-પ્લસની ઉંમરના: પ્રથમ બનાવ

આ મૅચમાં કેપ વર્ડે વતી વૉઝિન્હોએ અને ઉરુગ્વે વતી મુસ્લેરાએ ગોલકીપિંગની જવાબદારી સંભાળી હતી. યોગાનુયોગ, આ બંને ગોલકીપર 40થી વધુ ઉંમરના છે અને વિશ્વ કપની કોઈ એક મૅચમાં બંને ગોલકીપર 40-પ્લસના હોય એવું પહેલી જ વખત બન્યું છે.

કેવિન પિનાનો 98 ફૂટ દૂરથી ગોલ

કેપ વર્ડેના કેવિન પિના નામના ખેલાડીએ 21મી મિનિટમાં 33 યાર્ડ (અંદાજે 98 ફૂટ દૂરથી) ફ્રી કિકમાં બોલને સીધો નેટમાં પધરાવીને સનસનાટી મચાવી દીધી હતી. તેના અદ્દભુત શૉટમાં બૉલ ગોલપોસ્ટના તળિયે કોર્નરના ભાગમાંથી નેટમાં જતો રહ્યો હતો. એ સાથે જ કેપ વર્ડેના ખેલાડીઓએ આ ઐતિહાસિક ગોલની મેદાન પર થોડી વાર સુધી ઉજવણી કરી હતી. સ્ટેડિયમમાં બેઠેલા કેપ વર્ડેના અસંખ્ય ચાહકોએ પણ આ ગોલ સેલિબ્રેટ કર્યો હતો. કેવિન પિનાએ ત્રણ વર્ષ પહેલાં આફ્રિકા કપમાં પણ મોઝામ્બિક સામે આટલા દૂરથી ગોલ કર્યો હતો.

44 મી મિનિટમાં એરૉયોએ ગોલ કરીને ઇજિપ્તને 1-1ની બરાબરી અપાવી હતી. ફર્સ્ટ હાફના છેવટના ભાગમાં કેનૉબિયોએ ઉરુગ્વેને 2-1થી સરસાઈ અપાવી હતી, પરંતુ બીજા હાફમાં (61મી મિનિટમાં) વેલેરાએ ગોલ કરીને કેપ વર્ડેને 2-2ની બરાબરીમાં લાવી દીધું હતું.

અન્ય મુખ્ય મૅચોમાં શું બન્યું?

(1) નેધરલૅન્ડ્સે સ્વિડનને 5-1થી હરાવ્યું
(2) જર્મનીનો આઇવરી કોસ્ટ સામે 2-1થી વિજય થયો
(3) 1,000મી ફિફા વર્લ્ડ કપ મૅચમાં જાપાને ટ્યૂનિશિયાને 4-0થી હરાવ્યું
(4) સ્પેને સઉદીને 3-0થી હરાવ્યું
(5) ઇક્વેડોર અને ક્યૂરસૉની મૅચ 0-0થી ડ્રૉમાં ગઈ
(6) ઇજિપ્તે ન્યૂ ઝીલેન્ડને 3-1થી હરાવ્યું.
(7) બેલ્જિયમ-ઈરાન મૅચ 0-0થી ડ્રોમાં ગઈ.