વિક્ટોરિયા: કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં આવેલા બાલ્ડ રેન્જના જંગલોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આગ એટલી ઝડપથી ફેલાઈ રહી છે કે સ્થાનિક લોકોને પોતાના ઘરોમાંથી જરૂરી સમાન લેવાનો પણ સમય મળ્યો નથી. માત્ર એક જ રાતમાં આગનો વિસ્તાર બમણો થઈ જતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.
આગની સ્થિતિને ધ્યાને રાખતા પ્રશાસને ઈમરજન્સી જાહેર કરી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 20 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે કડક આદેશ આપવામાં આવ્યા છે. આદેશના કારણે લોકો સુરક્ષિત જગ્યાએ નીકળી પણ રહ્યાં છે. અત્યારે હાલત વધારે ગંભીર હોવાના અહેવાલો પણ મળી રહ્યાં છે.
ઓકાનાગન લેક અને દારૂ બનાવતા વિસ્તારો પર સૌથી વધુ અસર
આ આગ દક્ષિણ બ્રિટિશ કોલંબિયામાં આવેલા ઓકાનાગન લેકના પશ્ચિમ ભાગમાં ઝડપથી આગળ વધી રહી છે. સમરલેન્ડ અને પીચલેન્ડ સહિત આસપાસના અનેક વિસ્તારોમાં ઘરો ખાલી કરાવવાની કામગીરી ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે બાલ્ડ રેન્જની આ આગ હવે આશરે 9,500 હેક્ટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાઈ ચૂકી છે, જેના પર કાબૂ મેળવવો હાલ અશક્ય બની રહ્યો છે.
કેનેડામાં જંગલમાં લાગેલી આગ વિકરાળ બની, રાતોરાત 20,000 લોકોને તેમના ઘર છોડવું પડ્યું
— Vimal Prajapati GJ (@mgvimal_12) August 9, 2026
આગની સ્થિતિ ધ્યાનમાં રાખતા વહીવટીતંત્રએ કટોકટી જાહેર#SummerlandBC #BCWildfire #Okanagan
pic.twitter.com/uJYd4yupMa
મહત્વની વાત એ છે કે, આ વિસ્તાર કેનેડાના પ્રખ્યાત દારૂ ઉત્પાદક વિસ્તારમાં આવે છે. અને મોટાભાગના દ્રાક્ષના બગીચાઓ અહીં જ આવેલા છે. જેના કારણે આર્થિક ક્ષેત્રમાં પણ મોટો ફટકો પડી શકે છે. એક ફાયર ઓફિસરે આ આગની સરખામણી બોમ્બ વિસ્ફોટ સાથે કરી છે. 100 ફૂટ ઊંચા વૃક્ષોની ઉપર પણ આશરે 200 ફૂટ સુધી આગની જ્વાળાઓ ઊઠી રહી હતી.
આગના કારણે ધુમાડો અને ગરમી એટલી વધી ગઈ છે કે, તેના કારણે નવી જગ્યાઓએ પણ આગ ફેલાવાનું જોખમ વધી ગયું હતું. સ્થિતિ એટલી ઝડપથી બગડી કે કેટલાક લોકો આગની વચોવચ ફસાઈ ગયા હતા, જેમને બચાવ ટુકડીઓએ સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ આગમાં અનેક મકાનો અને કરોડો રૂપિયાની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ છે.