ભરત ભારદ્વાજ
તમિળનાડુમાં લાંબા સમયથી ચાલતા ડ્રામાનો અંત લાવીને અંતે કે. અન્નામલાઈએ ભાજપને રામ રામ કરી દીધા. અન્નામલાઈએ અઠવાડિયા પહેલાં જ ભાજપ છોડવાનું નક્કી કરી નાખેલું પણ ભાજપ હાઈકમાન્ડ અન્નામલાઈને છોડવા તૈયાર નહોતું કેમ કે તમિળનાડુમાં ભાજપ પાસે બીજો કોઈ નેતા જ નથી. આ કારણે અન્નામલાઈને મનાવવા માટે ભરપૂર કોશિશ કરાઈ.
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનથી માંડીને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સુધીના નેતાઓએ અન્ના સાથે મીટિગ કરી. અન્નાને રાજ્યસભાની બેઠકથી માંડીને કેન્દ્ર સરકારમાં મંત્રીપદ સુધીની ઓફર કરાઈ હોવાના અહેવાલ છે. સામે અન્નાને તમિળનાડુ ભાજપ પ્રમુખપદથી ઓછું કશું ખપતું નહોતું ને પ્રમુખપદ પણ પૂરાં સાત વર્ષ લગી જોઈતું હતું એવું કહેવાય છે. ભાજપ એવી ખાતરી આપી શકે તેમ નહોતો તેથી છેવટે તું તારા રસ્તે ને અમે અમારા રસ્તે એમ કરીને અન્નાનું રાજીનામું સ્વીકારી લેવાયું.
અન્નામલાઈની ભાજપમાંથી વિદાય સાથે તમિળનાડુમાં ભાજપની ફરી બેઠા થવાની રહીસહી આશા પણ ખતમ થઈ ગઈ છે એવું મોટા ભાગના રાજકીય વિશ્લેષકો માને છે. ભાજપે અન્નામલાઈને કોરાણે મૂકીને વિધાનસભા ચૂંટણીમાં અન્ના દ્રમુકે સાથે જોડાણ કરેલું તેમાં સાવ ધોવાઈ ગયો. લોકસભાની ચૂંટણી વખતે અન્ના ભાજપનો પ્રમુખ હતો ને ભાજપને કુલ મતોમાંથી 11 ટકા મત મળ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ગણીને 3 ટકા મત મળ્યા ને 33 ઉમેદવાર ઊભા રાખેલા તેમાંથી માત્ર 1 જીત્યો છે.
અન્નાએ જયલલિતાને ભ્રષ્ટાચારી ગણાવ્યાં તેનાથી ગિન્નાઈને અન્ના દ્રમુકે અન્ના પ્રમુખ હોય તો ધોળે ધરમેય ભાજપ સાથે જોડાણ નહીં થાય એવું કહેલું તેથી ભાજપે અન્નાને બદલે નૈનાર નાગેન્દ્રનને 2025ના એપ્રિલમાં પ્રદેશ પ્રમુખ બનાવેલા. ભાજપ એ હદે અન્ના દ્રમુકની નેતાગીરીના પગમાં આળોટી ગયેલો કે, સ્વચ્છ ઈમેજ ધરાવતા અન્નાના બદલે ભ્રષ્ટાચારના કેસોમાં સંડાવાયેલા નાગેન્દ્રનને પ્રદેશ પ્રમુખ બનાવી દીધેલા.
નાગેન્દ્રન જયલલિતાની સરકારમાં પ્રધાન રહી ચૂકેલા અને અન્ના દ્રમુક છોડીને ભાજપમાં આવેલા તેથી અન્ના દ્રમુકની નેતાગીરીએ એક રીતે પોતાની કઠપૂતળીને બેસાડી દીધેલી. અપમાનિત થયેલો અન્ના ત્યારથી સક્રિય નહોતો ને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ધોવાણે તેને ભાજપ છોડવા કારણ આપી દીધું.
અન્નામલાઈ પોતાનો પ્રાદેશિક પક્ષ બનાવશે. અન્નામલાઈ પ્રાદેશિક પક્ષ બનાવે તો ભવિષ્યમાં વિજયની પાર્ટીને ટક્કર આપી શકે છે. તમિળનાડુમાં વરસો સુધી દ્રમુક અને અન્ના દ્રમુકના દ્રવિડિયન રાજકારણની બોલબાલા રહી છે. ભાજપે હિંદુત્વના જોરે દ્રમુક અને અન્ના દ્રમુકેનું સ્થાન લેવાની કોશિશ કરી પણ સફળ ના થયો કેમ કે ભાજપે હિંદુત્વની સાથે હિંદી ભાષાની ભેળસેળ કરી નાખી. વિજય દ્રમુક અને અન્ના દ્રમુકની ચુંગાલમાંથી તમિળનાડુને મુક્ત કરાવી શક્યો તેમાં વિજયની સુપરસ્ટાર તરીકેની ઈમેજનો તો ફાળો છે જ પણ વિજય પાસે તાજગી છે એ પણ એક કારણ છે.
વિજયે લોકોને લહાણી કરવાનાં વચન આપ્યાં તેનું પણ મોટું યોગદાન છે પણ મૂળ વાત લોકોએ તેના પર ભરોસો કર્યો તેની છે. વિજય વિચારધારાની રીતે દ્રમુક અને અન્ના દ્રમુકથી બહુ અલગ નથી છતાં લોકોએ ઓરિજિનલ દ્રવિડિયન પાર્ટીઓને કોરાણે મૂકીને વિજય પર ભરોસો કર્યો કેમ કે વિજય ખાઈ બદેલો નથી ને કોરી સ્લેટ ધરાવે છે. તમિળ પ્રજા વરસોથી દ્રવિડિયન સંસ્કૃતિની વાતો કરીને પોતાના સત્તાલાલસા સંતોષ્યા કરતા ને પ્રજાનું કોઈ ભલું નહીં કરતા નમૂનાઓથી થાકેલી છે એટલે વિજયને તક આપી દીધી. યુવા અને મહિલાઓ વિજય પર ઓળઘોળ થઈ ગયા તેમાં વિજયનો ચાન્સ લાગી ગયો.
અન્નામલાઈના કિસ્સામાં પણ આ વાત લાગુ પડે છે. અન્નામલાઈએ ભાજપ માટે કામ કર્યું પણ ભાજપની લોકોને મૂરખ બનાવતી હિંદુત્વની વિચારધારાથી એક અંતર જાળવ્યું. ભાજપનું હિંદુત્વ મુસ્લિમ વિરોધી કુપ્રચાર અને પાકિસ્તાનની બદબોઈ પર આધારિત છે. ભારત 150 કરોડની વસતી ધરાવતો દેશ હોવા છતાં અમેરિકા કે જાપાનની વાત છોડો પણ આપણા જેટલી જ વસતી ધરાવતા ચીન જેવો વિકાસ પણ કેમ નથી કરી શકતો તેની વાત કરવાના બદલે પાકિસ્તાન ને બાંગ્લાદેશ જેવા ભૂખડી બારસ દેશો સાથે સરખામણી કરીને હિંદુઓને ફાંકામાં રાખવા એ ભાજપનું હિંદુત્વ છે.
હિંદુત્વના મસિહા હોવાનો ડોળ કરીને બાંગ્લાદેશ ને પાકિસ્તાનની ખોટી ખોટી ચિંતાઓ કરવી પણ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર મુદ્દે કશું નહીં કરવું એ ભાજપનું હિંદુત્વ છે. આપણા જ દેશમાં વરસોથી રઝળી પડેલા કાશ્મીરી હિંદુઓને ફરી પોતાના વતનમાં વસાવવા માટે કશું જ નહીં કરવું એ ભાજપનું હિંદુત્વ છે.
બીજું ઘણું આવું ગણાવી શકાય પણ આપણે અત્યારે વાત અન્નામલાઈની કરી રહ્યા છીએ તેથી એ મુદ્દો બાજુ પર મૂકીએ. અન્નામલાઈએ આ બધી વાતો કરવાના બદલે, માત્ર દ્રમુકના ભ્રષ્ટાચારની વાતો કરી ભાજપની જેમ બેવડાં ધોરણો ન બતાવ્યા અને મહાભ્રષ્ટાચારી જયલલિતાના ભ્રષ્ટાચાર વિશે ચૂપ રહેવાના બદલે જયલલિતાનો અસલી ચહેરો લોકો સામે મૂક્યો.
અન્નામલાઈએ હિંદીનો વિરોધ ના કર્યો પણ હિંદી થોપવાની પણ તરફેણ નથી કરી. તેના કારણે તમિળ પ્રજાની લાગણી ના દુભાઈ. તમિળનાડુનો હિંદુ તમિળ ભાષાને પોતાનું ગૌરવ માને છે તેથી ભાજપ હિંદી ભાષાનું વાજું વગાડ્યા કરે એ તેને નથી ગમતું. આ કારણે તમિળનાડુમાં બહુમતી હિંદુઓની હોવા છતાં ભાજપ ઘૂસી શકતો નથી.
અન્નામલાઈ તમિળ છે, તમિળ ભાષાનો સમર્થક છે અને તમિળ હિંદુઓની લાગણીને સારી રીતે સમજે છે. ભાજપની જેમ હિંદુત્વ સાથે હિંદી ભાષાની ભેળસેળ કરવાના બદલે તમિળ ભાષા અને હિંદુત્વની મસ્ત મિલાવટ કરી શકે છે એ જોતાં ભાજપથી નોખો થાય તો તેને લોકોનો આવકાર વધારે મળે એવું બને. ભાજપ સત્તામાં આવશે તો ઉત્તર ભારતનું કલ્ચર તમિલ પ્રજા પર થોપી બેસાડશે એવો કુપ્રચાર પણ અન્નામલાઈ સામે કરી શકાય તેમ નથી એ જોતાં અન્નામલાઈ તમિળ પ્રજામાં સ્વીકૃત બની શકે છે.
ભાજપ એક સમયે મહેનત કરીને સત્તા સુધી પહોંચવા મથતી પાર્ટી હતી. હવે ભાજપ એ બધું છોડીને વિપક્ષના નેતાઓને તોડી લાવીને તેમને મોટા ભા કરીને ને રેવડીઓ ખવડાવીને સત્તા મેળવવાનો શોર્ટ કટ અપનાવતી પાર્ટી બની ગઈ છે. અન્ના હજુય મહેનત કરીને સંગઠનેન મજબૂત કરીને અને લોકોની સમસ્યાઓ વિશે વાત કરીને પ્રભાવ ઉભો કરવામાં માને છે. તમિળનાડુમાં ભાજપ ઝીરો હતો તેમાંથી તેણે મજબૂત સંગઠન બનાવેલું. આ આવડત અને સંગઠન બંને તેને મદદ કરી શકે છે.
અન્નામલાઈ શિક્ષિત છે અને આઈપીએસ છોડીને રાજકારણમાં આવ્યો છે. આઈપીએસ તરીકે અન્નાએ એક પ્રમાણિક અધિકારી તરીકેની ઈમેજ ઊભી કરી હતી. આ જ ઈમેજ તેણે રાજકારણમાં પણ જાળવી છે. બીજા રાજકારણીઓ ભ્રષ્ટાચારીઓ અને ગુનાઈત ઈતિહાસ ધરાવતા રાજકારણીઓ ના પગોમાં આળોટી જાય છે ત્યારે અન્નાએ તેમનાથી અંતર જાળવ્યું. યુવાઓને આવી ઈમેજ ગમે છે એ જોતાં અન્ના માટે સારી તક છે અને ભવિષ્યમાં એ તમિળનાડુના મુખ્ય પ્રધાન બની શકે છે.