Thu Apr 30 2026

Logo

હનીમૂનના બદલે બડી મૂન !

2026-04-02 09:48:39
Author: Kaushik Mehta
Article Image

ડિયર હની, 

અખબારમાં એક સમાચાર વાંચતો હતો અને મને આપણા એ દિવસો યાદ આવી ગયા. લગ્ન બાદ હનીમૂન પર ગયા ત્યારના દિવસો ... એ તીથલનો દરિયો, સેલવાસ અને સાપુતારા...એ દસ- બાર દિવસ આપણા જીવનના યાદગાર દિવસો હતા. એકબીજાના સંગે એકબીજાને સમજવાના અને પામવાના દિવસો હતા. બે વ્યક્તિ વચ્ચેનું એકાંત કેટલું ગમતીલું હતું, પણ આજકાલ નવો ટ્રેન્ડ શરૂ થયો છે. પરણ્યા પછી હનીમૂન, પણ બડી મૂન પર તાજા પરણેલાં યુગલો જાય છે.

સમાચાર વાંચ્યા કે, ફિલ્મ અભિનેતા વિજય દેવરકોન્ડા અને રશ્મિકા મંદાનાનાં લગ્ન તો રંગેચંગે થયા પણ બાદમાં એ હનીમૂન પર નહિ, બડી મૂન પર ગયાં.

મને થયું કે, આ બડી મૂન વળી છે શું? જાણવા મળ્યું કે, કોઈ નવપરિણીત યુગલ તેમના હનીમૂન પર એકલા જવાને બદલે તેમના મિત્રોના જૂથ સાથે પ્રવાસ પર જાય ત્યારે તેને બડી મૂન કહેવામાં આવે છે.

પરંપરાગત હનીમૂનનું આ એક નવું સોશ્યલ સ્વરૂપ છે. વિજય અને રશ્મિકા માલદીવ્સ ગયા હતા  મિત્રો સાથે. સેલિબ્રિટીઝમાં આ ટ્રેન્ડ હવે ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પણ લગ્ન પહેલા  અને લગ્ન પછી પણ ઘણીવાર તેમના ખાસ મિત્રો અયાન મુખર્જી, વગેરે સાથે ટ્રિપ પર ગયા હતા. ખાસ કરીને ન્યૂ યર વેકેશન દરમિયાન એ બધા અવારનવાર ‘બડી મૂન’ સ્ટાઈલમાં ફરવા જાય છે. વિકી કૌશલ અને કેટરીના કૈફ પણ પોતાના લગ્ન પછીના પ્રથમ જન્મદિવસની ઉજવણી માટે માલદીવ્સ ગયાં હતાં. આ ટ્રિપમાં એ એકલા નહોતાં, પણ તેમની સાથે સની કૌશલ, શર્વરી વાઘ, ઈલિયાના ડિક્રુઝ અને અન્ય અંગત મિત્રોનું આખું ગ્રુપ હતું. ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડા અને નિક ઘણીવાર સ્કી રિસોર્ટ્સ કે મિયામીના દરિયાકિનારે વેકેશન ગાળે છે.  મોટાભાગે તેમની સાથે જોનસ બ્રધર્સ અને તેમની પત્નીઓ હોય છે, જે એક રીતે ફેમિલી-કમ-બડી મૂન જેવું બની રહે છે. ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર તેમના લગ્ન પછી ઘણા વેકેશનમાં તેમના મિત્રો સાથે જોવા મળી છે.

બડી મૂનનો ઉદ્દભવ પશ્ર્ચિમી સંસ્કૃતિના સામાજિક પરિવર્તનોમાંથી થયો છે.  2010 પછીના દાયકામાં જ્યારે ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધ્યો ત્યારે આ પદ્ધતિ આપોઆપ વિકસી. લગ્ન માટે મિત્રો અને સગાં-સંબંધીઓ દૂરના   સ્થળે ભેગા થયા હોય તો લગ્ન પત્યા પછી નવપરિણીત યુગલ અને તેમના નજીકના મિત્રો ત્યાં જ થોડા દિવસ રોકાઈને સાથે ફરવાનું નક્કી કરતા. આ રીતે હનીમૂન બડી મૂનમાં ફેરવાઈ ગયું.

સમાજશાસ્ત્રીઓના મતે આ પેઢી માટે મિત્રો એ જ પરિવાર સમાન છે. આ શબ્દ 2012-2013ની આસપાસ લોકપ્રિય બનવાનો શરૂ થયો હતો. 

2012માં જાણીતી હોલિવૂડ અભિનેત્રી જેનિફર એનિસ્ટન અને જસ્ટિન થેરોક્સ જ્યારે તેમના હનીમૂન પર બોરા-બોરા ટાપુ પર ગયા ત્યારે તેમની સાથે કોર્ટની કોક્સ અને જેસન બેટમેન જેવા મિત્રોનું આખું ગ્રુપ હતું. મીડિયાએ ત્યારે આને ‘બડી મૂન’ તરીકે ઓળખાવ્યું અને ત્યાંથી આ ટ્રેન્ડ દુનિયાભરમાં ફેલાયો.

આજે તો આ વિચાર ખાસ્સો લોકપ્રિય થયો છે. હવે ઘણાં યુગલો લગ્ન પહેલા જ સાથે રહેતા હોય છે તેથી લગ્ન પછી તેમને એકાંતની એટલી તીવ્ર જરૂર નથી લાગતી જેટલી પહેલાના સમયમાં લાગતી હતી માટે મિત્રો સાથે  અવસર ઉજવવાનું -સેલિબ્રેટ કરવાનું વધુ પસંદ કરે છે.    

એક કારણ તો વિચિત્ર છે. સેલિબ્રિટી ક્યાંય પણ જાય તો પાપારાઝી પાછળ પડે છે. એનાથી બચી શકાય છે બડી મૂન પર...એમ માનવામાં આવે છે આખું ગ્રુપ સાથે હોય ત્યારે પાપારાઝીથી બચવું સરળ રહે છે અથવા બધાની વચ્ચે ધ્યાન ઓછું ખેંચાય છે. વળી, ઘણા યુગલોને માત્ર બે જ વ્યક્તિ વચ્ચેના એકાંતને બદલે મિત્રો સાથે આનંદ કરવો વધુ ગમે છે.

આ નવી પેઢી છે અને નવો ટ્રેન્ડ બહુ જલદી લોકપ્રિય બનવા લાગ્યો છે. એનાં કારણો યુગલે યુગલે જુદા જુદા હોય શકે છે. હનીમૂન કપલ ટૂરનો પણ ટ્રેન્ડ આજે પણ છે જ. કદાચ પ્રવાસની મુશ્કેલીઓ આ કારણે આસાન થતી હશે.  કોઈનો સંગ એમાં રાહત આપી શકે છે. આ બધાનો મત ના પણ હોય.

હું તો હનીમૂનના એ દિવસો હજુ ય ભૂલ્યો નથી. મને એ પણ યાદ છે કે, મેં આ માટે રજા માગી ત્યારે તંત્રીશ્રીએ કહેલું કે, આટલા બધા દિવસ થોડી રજા લેવાય? મારે ત્યારે કહેવું પડેલું કે, ‘સાહેબ, હનીમૂન પર જવું છે...’ પછી એમણે રજા માન્ય કરી હતી. ઘણા સમયે મેં એટલી રજા એકસાથે લીધી હતી અને એ દસ બાર દિવસ તારો સંગાથ હતો. એ દિવસો જીવનના યાદગાર દિવસોમાં આવે છે. મિત્રો સાથે એવા યાદગાર દિવસો, હનીમૂન અને બડી મૂનમાં બનતા હશે ? આજની પેઢીને એ ગમે છે. એમના માટે એ ગમતાનો ગુલાલ છે. પણ હનીમૂન એ હનીમૂન અને બડી મૂન એ બડી મૂન. મારી વાત સાચી ને?

તારો બન્ની