દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
કેન્દ્ર સરકારે પાસપોર્ટ ફીમાં વધારો કર્યો, 1 જુલાઇથી અમલ
દેશમાં પાસપોર્ટ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે પાસપોર્ટ ફીમાં વધારો કર્યો છે. આ ફી 1 જુલાઇના રોજથી અમલી થશે. જેમાં પહેલા 36 પેજના પાસપોર્ટ બનાવવાની નોર્મલ ફી 1500 રૂપિયા હતી તે વધારીને 2500 રૂપિયા કરી દીધી છે. જ્યારે તત્કાલ પાસપોર્ટની ફી રૂપિયા 5000 કરવામાં આવી છે.
મહિલા વર્લ્ડ કપમાં ભારતને મળ્યો માત્ર 137 રનનો લક્ષ્યાંક
વિમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં ભારતે પ્રથમ બૅટિંગ પસંદ કરનાર બાંગ્લાદેશની ટીમને 20મી ઓવરને અંતે 8/136 સુધી સીમિત રાખી હતી અને હવે હરમનપ્રીત કૌરની ટીમને સેમિ ફાઇનલનો દાવો મજબૂત કરવા 137 રનનો સાધારણ લક્ષ્યાંક મળ્યો છે. સ્પિનર રાધા યાદવે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. બાંગ્લાદેશની ટીમ છ ભારતીય બોલરના આક્રમણ સામે નબળી પુરવાર થઈ હતી. એક પણ હાફ સેન્ચુરી નહોતી થઈ અને જુએરિયા ફરદૌસના 33 રન ટીમમાં હાઇએસ્ટ હતા. સ્પિનર શ્રી ચરનીએ બે તેમ જ રેણુકા ઠાકુર અને નંદની શર્માએ એક-એક વિકેટ મેળવી હતી.
રામ મંદિરમાં દાન ચોરી કેસમાં પાંચ લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ
રામ મંદિરમાં દાન ચોરી કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. એસઆઇટીના રિપોર્ટના પગલે રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટ વતી કૃષ્ણ મોહને પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં અનુકલ્પ મિશ્રા, લવ કુશ મિશ્રા, અવિનાશ શુક્લા, ટીનુ યાદવ અને મનીષ યાદવના નામ આપવામાં આવ્યા છે.
બાંગ્લાદેશના 13 ઓવરમાં ત્રણ વિકેટે માત્ર 79 રન
મૅન્ચેસ્ટરમાં ભારતે ટી-20 વર્લ્ડ કપની અગત્યની મૅચમાં પ્રથમ બૅટિંગ લેનાર બાંગ્લાદેશની 13 ઓવરમાં 79 રનમાં ત્રણ વિકેટ લઈ લીધી છે. એક વિકેટ પેસ બોલર રેણુકા સિંહ ઠાકુરે, બીજી વિકેટ પેસ બોલર નંદની શર્માએ અને ત્રીજી વિકેટ સ્પિનર રાધા યાદવે લીધી હતી. ટૉપ-ઑર્ડરની ત્રણેય બૅટર પૅવિલિયનમાં પાછી ગઈ છે. એકંદરે, ભારતીય બોલર્સે બાંગ્લાદેશની બૅટર્સને અંકુશમાં રાખી છે. સેમિ ફાઇનલમાં જવા ભારત માટે આ ખૂબ મહત્ત્વની મૅચ છે.
સોનિયા ગાંધીએ યોજેલી બેઠક બાદ કોંગ્રેસ સંગઠનમાં બદલાવ અટકળો તેજ
કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી હતી. જેની બાદ કોંગ્રેસ પક્ષમાં સંગઠનાત્મક ફેરફારોની અટકળો તેજ બની છે. આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બેઠકમાં વર્તમાન રાજકીય પરિસ્થિતી, સંગઠનમાં બદલાવ અને કોંગ્રેસને ફરી મજબૂત કરવાના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ઈબોલા મુદ્દે ભારત સરકાર સતર્ક, AIR SUVIDHA 2.0 ડિજિટલ પોર્ટલ શરૂ
ભારતમાં હજુ સુધી ઈબોલા વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી. તેમ છતાં દેશમાં આ મુદ્દે સતર્કતા રાખવામાં આવી રહી છે. તેમજ કેન્દ્ર સરકારે આંતર રાષ્ટ્રીય મુસાફરી કરતાં પ્રવાસીઓ પર દેખરેખ રાખવા માટે " AIR SUVIDHA 2.0'નામનું એક નવું ડિજિટલ હેલ્થ ડિક્લેરેશન પ્લેટફોર્મ શરૂ કર્યું છે.
મહિલા વર્લ્ડ કપમાં આજે ભારત માટે `કરો યા મરો': બાંગ્લાદેશે બૅટિંગ લીધી
મૅન્ચેસ્ટરમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતની આજે ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે અત્યંત મહત્ત્વની મૅચ છે. `ડુ ઑર ડાય' જેવી આ મૅચમાં ભારતે બાંગ્લાદેશને હરાવીને સેમિ ફાઇનલની આશા જીવંત રાખવી પડશે. બાંગ્લાદેશની કૅપ્ટન-વિકેટકીપર નિગાર સુલતાનાએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનું નક્કી કર્યું છે. ગ્રૂપ-1માં ઑસ્ટ્રેલિયા આઠ પૉઇન્ટ સાથે મોખરે છે, પરંતુ ભારત તેમ જ બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા ચાર-ચાર પૉઇન્ટ સાથે સેમિ ફાઇનલ માટે સરખા દાવેદાર છે. ગ્રૂપ-1માં ઇંગ્લૅન્ડ મોખરે છે અને વેસ્ટ ઇન્ડિઝ, ન્યૂ ઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચે હરીફાઈ છે. ભારતની પ્લેઇંગ ઇલેવનઃ હરમનપ્રીત (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રાધા યાદવ, શ્રી ચરની, નંદની શર્મા અને રેણુકા સિંહ ઠાકુર.

પાસપોર્ટ વિવાદ મુદ્દે રાજકારણ ગરમાયું, ઓવૈસીએ કહ્યું સરકારે કાલે કહેશે તમે નાગરિક નથી
ભારતના વિદેશ મંત્રાલયના પાસપોર્ટ માત્ર મુસાફરી માટેનો દસ્તાવેજ હોવાના નિવેદેને રાજકીય વિવાદ સર્જયો છે. આ અંગે એઆઇએમઆઇએમના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દા પર કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ કહ્યું હતું કે કાલે તો સરકાર કહેશે તમે નાગરિક પણ નથી.
ભારત સરકારનો મોટો નિર્ણય, બાંગ્લાદેશી નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા શરૂ કરાશે
ભારતે બે વર્ષ બાદ બાંગ્લાદેશી નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા સેવાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે ભારતીય હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ જાહેરાત કરી હતી કે બાંગ્લાદેશી નાગરિકો માટે ટુરિસ્ટ વિઝા સેવાઓ 28 જૂનથી ફરી શરૂ થશે. જેમાં 28 જૂનથી ઢાકા સહિત પાંચ વિઝા કેન્દ્રો પર નિયમિત અરજીઓ સ્વીકારવામાં આવશે.
લોહગઢના કેતન અગ્રવાલ હત્યાકાંડમાં નવો ખુલાસો, કાફેમાં રચાયું હતું ષડયંત્ર
મહારાષ્ટ્રના લોહગઢના કેતન અગ્રવાલ હત્યાકાંડમાં નવો ખુલાસો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે એક નવો વિડીયો પ્રકાશમાં આવ્યો છે. જેમાં હત્યા એક દિવસ પૂર્વે 17 જૂનના રોજ આરોપી સિયા અને તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરી એક કાફેમાં મળ્યા હતા. આ ઉપરાંત આ કેસમાં ચેતનના મિત્ર નીરજનું નામ પણ ચર્ચામાં આવ્યું છે.
સીબીઆઇએ ડિજિટલ એરેસ્ટના કેસ સંદર્ભે 16 રાજ્યોના 80 સ્થળોએ દરોડા પાડયા
સીબીઆઇએ ડિજિટલ એરેસ્ટના કેસ સંદર્ભે 16 રાજ્યોના 80 સ્થળોએ દરોડા પાડયા છે. આ દરોડા દ્વારા, સીબીઆઈ સાયબર ક્રાઈમના માળખા સાથે સંકળાયેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે. સીબીઆઈએ અગાઉ ડિજિટલ એરેસ્ટ સાથે જોડાયેલા અનેક કેસોમાં કાર્યવાહી કરી છે.
એમેઝોન ભારતમાં AI અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રોકાણ વધારશે
પીએમ મોદી અને એમેઝોનના સીઈઓ એન્ડી જેસી વચ્ચે દિલ્હીમાં બેઠક મળી હતી. આ બેઠક બાદ સીઈઓ એન્ડી જેસીએ જણાવ્યું હતું કે એમેઝોન એઆઇ અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે વર્ષ 2030 સુધીમાં વધારાના 13 બિલિયન ડોલરનું રોકાણ કરશે.
જમ્મુ કાશ્મીરમાં સેનાના 40 જવાનો પર એફઆઇઆર દાખલ
જમ્મુ કાશ્મીરમાં સેનાના 40 જવાનો પર એફઆઇઆર દાખલ કરવાની માહિતી પ્રકાશમાં આવી છે. જેમાં સેનાના કર્નલ, મેજર, નાયબ સુબેદારનું નામ સામેલ છે. સેનાના જવાનો પર આ એફઆઇઆર જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના અથોલી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.
વેનેઝુએલામાં આવ્યો શક્તિશાળી ભૂકંપ, 10,000થી વધુના મોત
વેનેઝુએલા અને જાપાનમાં શક્તિશાળી ભૂકંપ આવ્યા છે. વૈજ્ઞાનિકોએ સુનામીની ચેતવણી જારી કરી દીધી છે. USGS PAGER ડેટાના ચોંકાવનારા અહેવાલના આધારે, વેનેઝુએલાના ભૂકંપમાં ઓછામાં ઓછા 10,000 લોકો માર્યા ગયા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. વેનેઝુએલામાં 7.1 અને 7.5 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપના આંચકા આવ્યા છે, જેના કારણે સમગ્ર દેશમાં ભયનો માહોલ ફેલાયો છે. 40 સેકન્ડના સમયગાળામાં જમીન બે વાર જોરદાર રીતે ધ્રુજી ઉઠી હતી.