Wed Jun 10 2026

Logo

"મહારાષ્ટ્રમાં UP-બિહાર જેવું 'બુલડોઝર કલ્ચર' નહીં ચાલે!" શા માટે બોમ્બે હાઈકોર્ટે આવું કહ્યું?

2026-05-19 13:46:00
Author: Devayat Khatanabombay-high-court-on-bulldozer-culture-maharashtra
Article Image

મુંબઈ: દેશના અનેક રાજ્યોની રાજનીતિમાં બુલડોઝર એક્શન સૌથી મહત્વનો મુદ્દો છે. ઉત્તર પ્રદેશ રાજ્યમાં બુલડોઝર એક્શન સૌથી વધુ ચર્ચામાં રહેલો મુદ્દો છે. ત્યારે દેશમાં વધી રહેલા બુલડોઝર એક્શનના મામલાઓને લઈને બોમ્બે હાઈકોર્ટે અત્યંત કડક ટિપ્પણી કરી છે. એક કેસની સુનાવણી કરતા હાઈકોર્ટે છત્રપતિ સંભાજીનગર મહાનગરપાલિકાની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં ઉત્તર પ્રદેશ કે બિહાર જેવી 'બુલડોઝર કલ્ચર' લાવવું બિલકુલ યોગ્ય નથી. કોર્ટે જણાવ્યું કે સામાન્ય માણસ માટે ઘર બનાવવું સહેલું નથી હોતું અને જીવનભરની કમાણીથી બનાવેલા આશિયાના પર આમ એક જ ઝાટકે બુલડોઝર ફેરવી દેવું એ અમાનવીય છે.

જસ્ટિસ સિદ્ધેશ્વર ઠોમ્બરેની આગેવાની હેઠળની બેન્ચે પ્રશાસનની આ કાર્યવાહીને સંપૂર્ણપણે મનસ્વી અને સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ખુલ્લું ઉલ્લંઘન ગણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર, કોઈપણ મિલકતને તોડી પાડતા પહેલા માલિકને 15 દિવસની ફરજિયાત નોટિસ આપવી જોઈએ જેથી તે પોતાનો પક્ષ રજૂ કરી શકે અથવા કોર્ટમાંથી સ્ટે મેળવી શકે. પરંતુ, સંભાજીનગર મહાનગરપાલિકાએ આ સમયમર્યાદાનું પાલન ન કરતા હાઈકોર્ટે તેને ગેરકાયદેસર ગણાવી હતી. ન્યાયાધીશે નારાજગી વ્યક્ત કરતા કહ્યું, "દરેક વ્યક્તિ આપણી જેમ સક્ષમ નથી હોતી જે આસાનીથી ઘર બનાવી શકે, મહારાષ્ટ્રમાં આ બુલડોઝર કલ્ચરને ઘૂસવા ન દો."

આ સમગ્ર મામલો AIMIMના કોર્પોરેટર મતીન પટેલ અને સ્થાનિક નિવાસી હનીફ ખાનની મિલકતો પર બુલડોઝર ફેરવવા સાથે જોડાયેલો છે. ગત 13 મેના રોજ છત્રપતિ સંભાજીનગર મહાનગરપાલિકાએ કથિત ગેરકાયદેસર બાંધકામ હોવાનું જણાવીને તેમની મિલકતો તોડી પાડી હતી. પ્રશાસનની આ અચાનક અને નિયમોને નેવે મૂકીને કરાયેલી કાર્યવાહી બાદ પીડિત પક્ષે ન્યાય મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. 

મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી પાછળનું કારણ પોલીસની એક તપાસ સાથે જોડાયેલું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, AIMIM નેતા મતીન પટેલ પર નાસિક TCS કેસની આરોપી નિદા ખાનને આશરો આપવાનો આરોપ છે. ઉલ્લેખનીય છે કે, 7 મેના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાંથી નિદા ખાનની ધરપકડ કરવામાં આવી હતી, અને પોલીસનો દાવો છે કે મતીન પટેલે તેને પોતાના ઘરે છુપાવી રાખી હતી.