સોનાના સતત વધતા ભાવો અને વડાપ્રધાનની 'એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની' અપીલ વચ્ચે અત્યારે સોશિયલ મીડિયા પર સેલેબ્સના ગોલ્ડ કલેક્શનની પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ગ્લેમર વર્લ્ડના અનેક સિતારાઓ સોના-ઝવેરાતના શોખીન છે, પરંતુ જેઓ રાજકારણમાં પણ સક્રિય છે તેમણે ચૂંટણી એફિડેવિટમાં પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. ચાલો જોઈએ આખરે કયા બોલીવૂડ સેલેબ્સ પાસે કેટલું સોનું છે?
બચ્ચન પરિવારઃ
વાત કરીએ કયા બોલીવૂડ સેલેબ્સ પાસે સૌથી વધુ સોનું છે એની તો આ યાદીમાં સૌથી પહેલાં નંબરે આવે બોલીવૂડના પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાંથી એક એવું બચ્ચન પરિવાર. બોલીવૂડના મેગા સ્ટાર અમિતાભ અને જયા બચ્ચન પાસે બોલીવૂડમાં સૌથી મોટું જ્વેલરી કલેક્શન છે. 2024ની એફિડેવિટ અનુસાર જયા બચ્ચન પાસે 40.97 કરોડના હીરા અને સોનાના દાગીના છે જ્યારે અમિતાભ બચ્ચન પાસે 54.77 કરોડની જ્વેલરી હોવાનું જાણવા મળ્યું હતું. આમ બિગ બી અને જયાજી બંને પાસે અંદાજે કુલ 95 કરોડ રૂપિયાની જ્વાલરી છે.
કંગના રનૌતઃ
હિમાચલ પ્રદેશના મંડીથી સાંસદ બનેલી કંગના રનૌત પણ જ્વેલરીની મોટી શોખીન છે. 2024ની ચૂંટણી વિગતો મુજબ તેની પાસે 6.7 કિલો સોનું છે, જેની કિંમત પાંચ કરોડ રૂપિયાથી વધુ છે. આ ઉપરાંત 60 કિલો ચાંદી અને 3 કરોડના હીરા પણ તેની પાસે છે.
હેમા માલિની:
ભાજપના સાંસદ અને 'ડ્રીમ ગર્લ' હેમા માલિની પાસે પણ કિંમતી કલેક્શન છે. 2024ના એફિડેવિટ મુજબ તેમની પાસે 3.39 કરોડ રૂપિયાથી વધુની કિંમતના સોના, ચાંદી અને હીરાના આભૂષણો છે. 2011 તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે અંદાજે પાંચ કિલો સોનું અને 25 કિલોથી વધુ ચાંદી છે.
અન્ય સ્ટાર-પોલિટિશિયન્સનું કલેક્શન:
જયા પ્રદા: ભૂતપૂર્વ સાંસદ જયા પ્રદા પાસે અંદાજે 2 કિલો સોનું છે.
થલાપતિ વિજય: તમિલ સુપરસ્ટાર અને નેતા વિજય પાસે 883 ગ્રામ સોનું છે, જેની કિંમત 1.2 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.
સ્મૃતિ ઈરાની: સ્મૃતિ ઈરાની પાસે 37.48 લાખ રૂપિયાના સોના, હીરા અને ચાંદીના દાગીના છે.